લંડનઃ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડનના 11મા પાટોત્સવ પ્રસંગની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વાગત યાત્રા પણ કાઢવામાં આવી હતી. ત્યારબાદ ધૂન-ભજનકીર્તન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ મંદિર અને ભગવાનનાં મહિમા અંગે પ્રવચન કર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. મંદિરોના કારણે આજે દેશ અને વિદેશમાં આપણા સંસ્કારો ટકી રહ્યા છે કારણ કે મંદિરમાં જઈને ભગવાનનાં દર્શન અને સંતોનો સમાગમ કરવાથી આપણા યુવાનો વ્યસનમુક્ત અને સદાચારમય જીવન જીવતાં શીખે છે. મંદિરોમાં જવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે.