લેસ્ટરના રુશી ફિલ્ડ્સ ખાતે ઉજવાયેલા હોલિકાદહન કાર્યક્રમને ભારે સફળતા

Tuesday 26th March 2024 13:50 EDT
 
 

લેસ્ટરઃ મેલ્ટન રોડસ્થિત શ્રી હનુમાન મંદિર અને ભક્તો દ્વારા રુશી ફિલ્ડ્સ રીક્રીએશન ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ વખત રવિવાર 24 માર્ચે આયોજિત હોલિકાદહન કાર્યક્રમને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી. લોકલ વોર્ડ કાઉન્સિલર્સ સહિત કોમ્યુનિટીના સેંકડો લોકો હોળીના પ્રાગટ્ય ઉત્સવમાં સામેલ થયા હતા. લાકડાં, છાણાં અને અન્ય કુદરતી સામગ્રીના ઉપયોગથી પરંપરાગત મોટી આગ પ્રગટાવવામાં આવી હતી. લોકોએ હોળીમાં ધાણી, શ્રીફળ અને ચણા પણ પધરાવી તેની પ્રદક્ષિણા કરી હતી. હિન્દુઓ માટે વિશિષ્ટ મહત્ત્વ ધરાવતો હોળીનો તહેવાર વસંત ઋતુનાં આગમન અને શિયાળાના અંતને વધાવવા સાથે રંગોત્સવ તરીકે પણ જાણીતો છે. લોકોએ બીજા ધૂળેટીપર્વના દિવસે એકબીજા પર અબીલ-ગુલાલ તેમજ અન્ય રંગો છાંટીને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયની ઉજવણી પણ કરી હતી.

શ્રી હનુમાનજી મંદિરના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે,‘આ આનંદનો પ્રસંગ બની રહ્યો હતો અને આપણા કેલેન્ડરમાં વિશેષ મહત્ત્વ ધરાવતા ઈવેન્ટને તમામ વયના લોકોએ માણ્યો તે નિહાળીને ખુશી થઈ છે. ઘણા મદદરૂપ બની રહેલા આપણા સ્થાનિક વોર્ડ કાઉન્સિલરોને આવકારતા અમને ઘણું ગૌરવ મળ્યું હતું. હોલિકાદહન ઈવેન્ટમાં હાજર રહેલા રુશી મીડ અને આસપાસના વિસ્તારોના લોકો તેમજ ઈવેન્ટને સફળ બનાવવામાં મદદ કરનારા તમામ વોલન્ટીઅર્સનો અમે આભાર માનીએ છીએ.’

સેક્રેટરી પટેલે જણાવ્યું હતું કે,‘સ્થાનિક સમુદાયને આનંદ, મિત્રતા અને વસંતના સૌંદર્યને વધાવવા એક સ્થળે લાવવાનું વિશેષ મહત્ત્વ છે. રુશી ફિલ્ડ્સ અમારા મંદિરની પાસે જ છે અને તમામ વયના લોકોને ઉત્સવનો આનંદ માણવા સુરક્ષિત વાતાવરણ પુરું પાડે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter