લેસ્ટર ખાતે ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉલ્લાસભેર ઉજવણી

- રીના શાહ Wednesday 30th January 2019 02:30 EST
 

તારીખ ૨૬મી જાન્યુઆરી - ગણતંત્ર દિવસનું આ રાષ્ટ્રીય પર્વ દુનિયાભરમાં ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં ઉજવાય છે. લેસ્ટર ખાતે પણ ગોલ્ડન માઈલ નામે જાણીતા એવા બેલગ્રેવ રોડ ઉપર બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરમાં ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા મુખ્ય મહેમાન, કોન્સ્લેટ જનરલ ઓફ ઇન્ડિયા (બર્મિંગહામ)ના કોન્સુલ (કોમ્યુનિટી અફેર્સ) શ્રી હેપી ગુપ્તાન, કાન્સિલરો, આમંત્રિત મહેમાનો અને બહોળા જનસમુદાય સાથે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લાં ૫૨ વર્ષથી ગુજરાત હિન્દુ એસોસિએશન આ ઉજવણીનું સુંદર આયોજન કરે છે. ૨૬મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં લેસ્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત થઈ હતી. કલાકારોએ દેશભક્તિના ખૂબ સુંદર ગીતો ઉપર નૃત્યો રજૂ કર્યા હતાં.

મુખ્ય મહેમાન શ્રી હેપી ગુપ્તાન દ્વારા ભારતીય તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. સૌએ રાષ્ટ્ર ગીત ‘જન ગણ મન’ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામીઓને પણ વંદન અને સલામી આપી હતી. શ્રી હેપી ગુપ્તાને એમના સંબોધનમાં ભારતની પ્રગતિ, અલાઈન્સ ડાયસ્પોરા તથા વાણિજ્ય ધંધાકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આજે દુનિયાભરમાં ભારત કેટલું મોખરે છે તેના વિશે અને આ બાબતે પોતે ગૌરવ અનુભવતા હોવાનું જણાવ્યું હતું. વકતવ્યમાં તેમણે બ્રિટિશ ભારતીયોના યોગદાન માટે પણ ખૂબ ગૌરવની લાગણી અનુભવીને તેમનો આભાર માન્યો હતો.

ગુજરાત હિન્દુ એસોસિએશનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલે પણ ઉપસ્થિત સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. એમણે પણ એમના ઉદ્બોધનમાં જણાવ્યુ હતું કે હું એક ભારતીય છું એનું મને ગર્વ છે. ગુજરાત એસોસિએશન ભારતીય સમાજ માટે ૫૨ વર્ષથી અવિરત સેવા આપી રહ્યું છે. અમે આવા સુંદર કાર્યક્રમો અને સુંદર આયોજન દ્વારા ગુજરાતી અને ભારતીય સમાજ, સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ અને ભારતીય અસ્મિતાને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યાં છીએ. શ્રી મગનભાઈએ લેસ્ટરવાસી અને કાર્યવાહી સમિતી, સ્વયંસેવકોનો પણ આભાર માન્યો હતો. સંસ્થા ખૂબ જ આનંદ ઉલ્લાસભેર સામાજિક તેમજ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરે છે. આ પર્વમાં તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. ૧૯૭૨નાં યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને પણ યાદ કરીને તેમને સલામી આપી હતી. પ્રમુખ શ્રી મગનભાઈનો મુખ્ય સંદેશ એ હતો કે આપણે કોઈપણ જાતિ કે ધર્મના હોઈએ પરંતુ એક જ વાત ગર્વથી યાદ રાખવાની કે હું એક ‘ભારતીય છું’.

આ પ્રસંગે જનસમુદાયે ભૂમિદળ, વાયુદળ, નૌસેનાની ટુકડીઓને યાદ કરી ઝંડો લહેરાવતા લહેરાવતા ખૂબ આનંદ ઉલ્લાસભેર પરેડ પણ કરી હતી. તેમાં શ્રી હેપી ગુપ્તાને પણ ભાગ લીધો હતો. ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વકના ‘ઝંડા ઊંચા રહે હમારા’, ‘જય હિંદ’, ‘વંદે માતરમ’ના નારા સાથે આખું બેલગ્રેચ નેબરહૂડ સેન્ટર ગાજી ઊઠ્યું હતું. આ રીતે પ્રજાસત્તાક દિનની ઊજવણી લેસ્ટરની પ્રજા દ્વારા લેસ્ટર ખાતે કરવામાં આવી હતી.

‘જય હિંદ’, ‘વંદે માતરમ’.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter