HSS UK દ્વારા ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે વૃક્ષારોપણ

Wednesday 06th April 2022 02:40 EDT
 
 

લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS UK)ના સ્વયંસેવકોએ બાર્નેટમાં માતા પ્રકૃતિની પૂજા કરવાના હિન્દુ માર્ગે નવા હિન્દુ વર્ષે વૃક્ષારોપણવિધિ કરી હતી જેમાં ચિપિંગ બાર્નેટના કન્ઝર્વેટિવ સાંસદ થેરેસા વિલિયર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર યુકેમાં વૃક્ષારોપણ અને પર્યાવરણીય સમૃદ્ધિ માટે 2022માં ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે ક્વીન્સ ગ્રીન કેનોપી પ્રોજેક્ટ પહેલ હેઠળ HSS UKને 15 નાના છોડ મળ્યાં હતાં જેનું વૃક્ષારોપણ પેડી અને હેલેના શેનોનની મદદથી બાર્નેટના વ્હેલબોન પાર્ક ખાતે કરાયું હતું.

HSS UKના વિશાલ શાહે મહેમાનોને આવકારતા કહ્યું હતું કે,‘વર્ષ પ્રતિપદા, ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રિના પ્રથમ પવિત્ર દિવસે ક્વીન્સ ગ્રીન કેનોપી પ્રોજેક્ટ અને ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેવાનું અમારા માટે ગર્વસમાન છે. વૃક્ષારોપણ ભાવિ પેઢીઓના આનંદ માટે કાયમી વારસો છોડી જવાનો અદ્ભૂત માર્ગ છે.’

હિન્દુ વેદિક મંત્ર ‘ઓમ ભૂવનેશ્વર્યે નમઃ’ના ઉચ્ચાર સાથે કંકુ અને ચોખા સાથે ભૂમિમાતાનું પૂજન કરાયાં પછી વીર સુમારીઆ, સુજલ દેપાલા અને થેરેસા વિલિયર્સના હસ્તે છોડવાં રોપવામાં આવ્યાં હતાં. તમામ ઉપસ્થિતો દ્વારા ભારત અને યુકેના વિશિષ્ટ સંબંધોના પ્રતીકરુપે ગંગા અને થેમ્સ નદીનું જળ છોડવાંને અપાયું હતું. વૃક્ષો અને વનસ્પતિ વિશે હિન્દુ સંસ્કૃતિના પવિત્ર પ્રતીક નાડાછડી બાંધવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ ઉજવણીની કાયમી યાદ સ્વરુપે ક્વીન્સ ગ્રીન કેનોપી અને હિન્દુ સ્વયંસેવક સંઘ UKની સત્તાવાર તક્તીઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. પૃથ્વી અને પ્રકૃતિના તમામ જીવો અને તત્વોની શાંતિ માટે શાંતિ મંત્રો પણ ઉચ્ચારાયા હતા.

સાંસદ થેરેસા વિલિયર્સે તમામ હિન્દુ વિધિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે કોવિડ-19 મહામારીના ગાળામાં સ્વૈચ્છિક સેવા પ્રોજેક્ટ્સમાં હિન્દુ સ્વયંસેવક સંઘ UK દ્વારા લેવાયેલા ભાગને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્વીન્સ ગ્રીન કેનોપી પ્રોજેક્ટમાં HSS Ukએ જે રીતે ભાગ લીધો છે તે ક્વીનના સેવામય જીવન પ્રત્યે હિન્દુ કોમ્યુનિટીમાં ઉચ્ચ આદરનું પ્રદર્શન છે. બાળ સ્વયંસેવક ધવલ દેપાલાએ પ્રકૃતિને આદર આપવાની હિન્દુ પદ્ધતિઓ અને આ પૃથ્વી ગ્રહનાં ભવિષ્ય વિશે ક્વીન્સ ગ્રીન કેનોપી પ્રોજેક્ટ શું કરી રહેલ છે તેના વિશે શીખવા મળ્યું હોવાનું જણાવ્યું હતું.

હિન્દુ સ્વયંસેવક સંઘ UK સમગ્ર દેશમાં 102 શાખા ધરાવતી ચેરિટી સંસ્થા છે જેની હિન્દુ સંસ્કાર, સંગઠન અને સેવાના મૂલ્યોને ઉત્તેજન આપતી સાપ્તાહિક પ્રવૃત્તિઓમાં 2000 જેટલા સ્વયંસેવકો હાજરી આપે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter