હેરોના શોપકીપર દીપકભાઈ ગોકાણીનું સન્માન

‘નેશનલ લોટરી ગૂડ કોઝિસ’ માટે £500,000થી વધુ રકમ એકત્ર કરી

Wednesday 03rd August 2022 03:04 EDT
 
 

લંડનઃ હેરો ખાતે લોટરીના વેચાણની દુકાન ચલાવતા મૂળ ભારતીય દીપકભાઈ ગોકાણી અને તેમના ગ્રાહકોનું નેશનલ લોટરીની પ્રોડક્ટ્સના વેચાણ થકી સારા હેતુઓ માટે 500,000પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવા બદલ સન્માન કરવામાં આવ્યું છે. સ્થાનિક કેમલોટ રીટેલ સેલ્સ ટીમના પ્રતિનિધિઓની હાજરીમાં હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેનના હસ્તે દીપકભાઈને તક્તીથી સન્માનિત કરાયા હતા.

દીપકભાઈ ગોકાણી વીલ્ડસ્ટોન હાઈ સ્ટ્રીટ ખાતે 18 કરતાં વધુ વર્ષથી વીલ્ડ ન્યૂઝ સ્ટોર ચલાવે છે અને કોમ્યુનિટીના સ્તંભસમાન ગણાય છે. સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે,‘આ સ્ટોર દ્વારા ‘નેશનલ લોટરી ગૂડ કોઝિસ’ ને જે ભારે યોગદાન કરાયું છે તેની ઉજવણીરૂપે તક્તી સન્માન આપવા હેરોના વીલ્ડ ન્યૂઝ સ્ટોરની મુલાકાત લેવામાં મને આનંદ થયો છે. જ્યાં શક્ય હોય ત્યાં સ્થાનિક બિઝનેસીસને આપણે ટેકો કરીએ અને મહામારી પછીના ગાળામાં તેમને ફરી મજબૂત બનવામાં મદદ કરીએ તે મહત્ત્વનું છે.’

દીપકભાઈ ગોકાણીએ સન્માન પ્રતિ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,‘મને ગર્વ છે કે મારા ગ્રાહકોએ ‘નેશનલ લોટરી ગૂડ કોઝિસ’ માટે આટલી જંગી રકમ એકત્ર કરવામાં મદદરૂપ થઈ શક્યા છે. ખાસ કરીને આ નાણા હેરોના સ્થાનિક પ્રોજેક્ટ્સ અને યુકેમાં અન્યત્ર વપરાશે. હું 18 વર્ષથી આ સ્ટોરમાં છું અને આ પ્લેક-તક્તીથી સન્માનિત કરાયાથી મારા માટે ઘણા આનંદની વાત છે. હું કેમલોટ અને મારા સેલ્સ પ્રતિનિધિઓનો આભાર માનું છું. વર્ષો દરમિયાન તેમના સતત સહકાર વિના હું સારા ઉદ્દેશો માટે આટલી રકમ એકત્ર કરી શક્યો ન હોત.’

કેમલોટના ડિવિઝનલ સેલ્સ મેનેજર કાર્લ સાઉથવર્થે જણાવ્યું હતું કે સ્વતંત્ર રીટેઈલર્સ નેશનલ લોટરીની સફળતાના કેન્દ્રમાં રહ્યા છે. નેશનલ લોટરીના રીટેઈલર્સ અને ગ્રાહકોના અમે આભારી છીએ કે સમગ્ર યુકેમાં દર સપ્તાહે સારા ઉદ્દેશો માટે 30 મિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાય છે અને જરૂરિયાતમંદ લોકો, પ્રોજેક્ટ્સ અને કોમ્યુનિટીઝને તેમાંથી મદદ મળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter