૧૯૬૦ના દાયકામાં શાહી પેલેસનો રંગભેદ છતો થયોઃ રંગીન ત્વચાના ઈમિગ્રન્ટ્સને માત્ર સર્વન્ટની જ નોકરી

Wednesday 09th June 2021 07:19 EDT
 
 

લંડનઃ ક્વીનના પૌત્ર પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન મર્કલે માર્ચ મહિનામાં ઓપ્રાહ વિન્ફ્રે સાથેના જગજાહેર ઈન્ટરવ્યૂમાં શાહી પરિવારમાં ‘રેસિઝમ’ ચાલતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યા પછી ‘ધ ફર્મ’ને નવા વિવાદનો સામનો કરવો પડે તેમ છે. નેશનલ આર્કાઈવ્ઝના દસ્તાવેજો અનુસાર ક્વીનના દરબારી સહાયકોએ ૧૯૬૮માં રંગીન ત્વચાના ઈમિગ્રન્ટ્સ અથવા વિદેશીઓ ક્લાર્ક સહિતની સત્તાવાર ઓફિસ ભૂમિકામાં સેવા આપે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પેલેસે પોતાના બચાવમાં કહ્યું છે કે ૧૯૯૦ના દાયકા અગાઉ કર્મચારીઓની રેસિયલ પશ્ચાદભૂના રેકોર્ડ્સ રાખવામાં આવ્યા નથી.

ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર રંગીન ત્વચાના ઈમિગ્રન્ટ્સ અથવા વિદેશીઓને પેલેસમાં ડોમેસ્ટિક સર્વન્ટ્સ સિવાય અન્ય કોઈ કામગીરી આપવા પર દરબારી સહાયકોએ લાદેલો પ્રતિબંધ ૧૯૬૮માં પણ યથાવત હતો. ક્વીન અને તેમના પરિવારને રંગભેદ અને જાતીય ભેદભાવ સંબંધિત કાયદાઓમાંથી છૂટ આપવાની વિવાદાસ્પદ જોગવાઈઓની વાટાઘાટો બકિંગહામ પેલેસ દ્વારા કરવામાં આવી હતી તેના દસ્તાવેજો પણ અખબારે ટાંક્યા હતા. સામ્રાજ્યવાદ પછીના બ્રિટનમાં ભેદભાવને દૂર કરવાના રેસિયલ અને સેક્સ્યુઅલ ઈક્વલિટી કાયદાઓ લેબર સરકારે અમલી બનાવ્યા ત્યારે ‘૭૦ના દાયકાના મધ્યમાં આ છૂટછાટો અપાઈ હતી.

આ સંદર્ભમાં પ્રિન્સ હેરીના આક્ષેપો શાહી પરિવાર માટે વધુ ક્ષોભજનક બની રહેશે તેમજ ક્વીનને જે કાયદાઓ પસંદ ન હોય તેમાં સુધારા કરાવવા રોયલ ફેમિલી  દ્વારા મિનિસ્ટર્સ પર દબાણ-લોબિઈંગની ‘ક્વિન્સ કન્સેન્ટ તરીકે ઓળખાતી પાર્લામેન્ટરી પ્રક્રિયાના ઉપયોગની તપાસની માગણીને પણ બળ મળે તેમ મનાય છે. રેસિયલ ભેદભાવના કાયદામાંથી ક્વીન અને શાહી પરિવારને બાકાત રખાવાના કારણે બકિંગહામ પેલેસમાં કામ કરતી મહિલાઓ અને વંશીય લઘુમતીના લોકો માટે તેમની સાથે ભેદભાવ થતો હોય તો પણ કોર્ટ્સમાં જવું અશક્ય બની ગયું હતું. કોઈ પણ ફરિયાદ હોય તે કોર્ટ્સના બદલે હોમ સેક્રેટરીને મોકલી અપાતી હતી.

જાહેર લેખીત મેમોઝ પરથી જણાયું છે કે ૧૯૬૮ના ફેબ્રુઆરીમાં ક્વીનના ચીફ ફાઈનાન્સિયલ મેનેજર લોર્ડ ટાયરને હોમ ઓફિસના સિવિલ સર્વન્ટ ટી.જી. વેઈલરને જણાવ્યું હતું કે વાસ્તવમાં રંગીન ત્વચાના ઈમિગ્રન્ટ્સ અથવા વિદેશી લોકોને શાહી પરિવારમાં ક્લેરિકલ કે ઓફિસની ભૂમિકાઓમાં નિયુક્ત કરવામાં આવતા નથી પરંતુ, તેમને ઘરનોકર તરીકે કામ કરવાની છૂટ અપાઈ છે. તત્કાલીન હોમ સેક્રેટરી જેમ્સ કાલાહન અને અધિકારીઓ માનતા હતા કે ક્વીનને અપવાદ ગણવાની ખાતરી નહિ અપાય ત્યાં સુધી રેસિયલ ઈક્વિટી કાયદાઓ પર ચર્ચાની પાર્લામેન્ટને સંમતિ મળશે નહિ.

ક્વીન્સ કન્સેન્ટ પાર્લામેન્ટરી પ્રક્રિયા છે જેના હેઠળ ક્વીનને અસર કરતા કાયદાઓની ચર્ચા કરવા સરકાર દ્વારા તેમની સંમતિ મેળવાય છે.

ક્વીનને રેસિયલ અને સેક્સ્યુઅલ ઈક્વલિટી કાયદાઓમાંથી ક્વીનને બાકાત-અપવાદ રખાયા હોવાનું બકિંગહામ પેલેસ દ્વારા પણ નકારાયું નથી. જોકે, પેલેસના પ્રવક્તાનું કહેવું છે કે ૫૦થી વધુ વર્ષો અગાઉ વાતચીતના સેકન્ડ હેન્ડ વર્ણનના આધારે આધુનિક કે વર્તમાનની ઘટનાઓ કે કામગીરી વિશે નિર્ણય કે અર્થઘટન કરી શકાય નહિ. રોયલ હાઉસહોલ્ડ અને ક્વીન- મોનાર્ક ઈક્વલિટી એક્ટની જોગવાઈઓનું પાલન કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter