તા. ૧૦ જુલાઇ ૨૦૨૧થી ૧૬ જુલાઇ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th July 2021 06:10 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ સામાજિક તેમજ રાજકીય બાબતોને લઈને દોડધામ વધશે. તંદુરસ્તી બાબતે ખાસ કાળજી રાખવી જરૂરી. વધુ પડતું કામનું ભારણ મનમાં બેચેનીનો અહેસાસ કરાવે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. દાંપત્યજીવનનો ખટરાગ દૂર થતો જોવા મળશે. વ્યવસાયિક કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. સંતાનો તરફની હૂંફ તમને નવી પ્રેરણા અપાવે. નાણાકીય પરિસ્થિતિ હાલ જેમની તેમ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આત્મબળથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તે ઉક્તિને આપે કામે લગાવવી પડશે. પોતાની શક્તિથી આગળ વધવાના પ્રયત્નો સફળતા અપાવે. કોઈના પર અતિ વિશ્વાસુ બનીને કાર્યભાર સોંપવાનું સલાહભર્યું નથી. કૌટુંબિક જવાબદારી પણ આપના શિરે રહેશે. નોકરિયાત વ્યક્તિઓની પ્રગતિ આડેના અંતરાયો દૂર થાય. વ્યાપારની સ્થિતિમાં ફેરફાર આવતાં હજી થોડી વાર લાગશે. માતા-પિતાના આરોગ્ય બાબતે થોડીક ચિંતા રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સતત કામના ભારણને કારણે સપ્તાહ દરમિયાન થોડું ટેન્શન અનુભવાશે. તમારી નાણાકીય સ્થિતિ મુજબ આગળના વ્યવહારો કરવા હિતાવહ રહેશે. કુંવારા માટે સમયની અનુકૂળતા અનુસાર જીવનસાથીની પસંદગીમાં સરળતા થતી જણાય. વ્યવસાયિક કામગીરી થકી યશ-માન-કિર્તી પ્રાપ્ત થવાની શક્યતાઓ છે. પ્રવાસ દરમિયાન કાળજી રાખવી હિતાવહ રહેશે. મનની શંકાઓને દૂર કરી કામગીરી કરવી સલાહભર્યું છે.
કર્ક (ડ,હ)ઃ ગ્રહોની પરિસ્થિતિ સારી હોવા છતાં પણ તમારે કડવા અનુભવો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તમારી ઉદારતા અને લાગણીનો કોઈ દુરુપયોગ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાણાકીય ક્ષેત્રે કોઈ આકસ્મિક લાભ આપની પરિસ્થિતિમાં સુધાર લાવે. જમીન-મકાનની લે-વેચના કાર્યો અહીં પૂર્ણ થાય. વ્યાપારિક રોકાણો થકી લાભ મેળવી શકશો. સંતાનોના અભ્યાસ બાબતે કાળજી લેવી જરૂરી છે.
સિંહ (મ,ટ)ઃ આ સમય જૂના વિચારો છોડીને નવીન કામગીરી અપનાવવાનો છે. જો આપ જૂનવાણી વિચારો નહીં છોડો તો દરેક કામગીરીમાં નુકસાની વેઠવી પડે. દાંપત્યજીવનમાં પણ રૂઢિચુસ્ત અભિગમને દૂર કરી નવીન પ્રયાસો અપનાવવાની જરૂરિયાત રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં શેરસટ્ટાથી દૂર રહેવું. કોઈક મોટા રોકાણો કરતાં પહેલા અનુભવી વ્યક્તિની સલાહથી આગળ વધવું જરૂરી છે. નોકરીમાં બઢતીના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ ઘણાં સમયથી અટવાયેલી કામગીરી પૂર્ણ થતી જોઈ શકશો. મકાન-મિલકતની ખરીદી બાબતના પ્રશ્નો પણ હલ થાય. વડીલોના સહકાર થકી આ કાર્યોમાં સફળતા મેળવી શકશો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો આવે તેમ છતાં ખોટાં ખર્ચા ન કરવા સલાહભર્યું રહેશે. આપની પ્રવાસની ઈચ્છાઓ અહીં પૂર્ણ થાય. પ્રિયપાત્ર તરફથી કોઈ આકસ્મિક લાભ મેળવી શકશો.
તુલા (ર,ત)ઃ અકારણ વાણી-વર્તનથી થયેલું મનદુઃખ આ સપ્તાહમાં સુખદ સમાધાનમાં પરિણમશે. આથી મનનો બોજો દૂર થાય. સંતાનો તરફથી આર્થિક લાભ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવવાના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય. કોર્ટ-કચેરીના કાર્યમાં હજી ઉકેલ મેળવતા વાર લાગે. ધાર્મિક ક્ષેત્રમાં આપના રસ-રૂચિ વધુ મજબૂત થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન અનેક શુભ સમાચારો મળતાં મન આનંદિત અને ચિંતામુક્ત બનશે. નવી ઓળખાણ થકી ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા સાથે પ્રમોશન મેળવશો. નાણાકીય તકલીફો દૂર થાય. સંતાનપ્રાપ્તિની ઈચ્છાઓ ફળીભૂત થતી જોવા મળે. વડીલો-મિત્રો તરફથી પણ લાભ થાય. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યો પૂર્ણ થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારા માટે આત્મવિશ્વાસમાં વધારો કરે એવા પ્રસંગો બળવાન બનશે. નિર્ભયતાથી દરેક પડકારનો સામનો કરવા માટે આપ સક્ષમ બનશો. આર્થિક રીતે આપની મુશ્કેલીઓ દૂર કરવા માટેના રસ્તાઓ પ્રાપ્ત કરી શકશો. નવી નોકરીની શોધખોળમાં અહીં સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક મૂડીરોકાણ કરતાં પહેલાં દરેક પાસાંને ધ્યાનમાં રાખવાનું અહીં સૂચનભર્યું રહેશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.
મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આપના માટે થોડું મુશ્કેલભર્યું તેમજ પડકારોજનક સાબિત થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા પાર્ટનર તમારા કાર્યને લઈને સવાલ ઊભા કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. જોઈ-જાળવીને આગળ વધવું. જોકે આર્થિક ક્ષેત્રે થોડી હળવાશ અનુભવી શકશો. તંદુરસ્તીની બાબતમાં પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શુભ સમાચાર પ્રાપ્ત થાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય આપના માટે વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જીવનમાં પ્રગતિ અને સફળતાનો સાક્ષી બની શકે છે. સહકારની ભાવના તમને તમારા સંબંધોમાં વધુ પ્રેમ, સંતોષ અને હૂંફ અપાવશે. આ સમય દરમિયાન સાંસારિક આનંદનો ભરપૂર લાભ લઈ શકશો. આર્થિક દ્રષ્ટિએ અનેકગણી સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. નવીન રોકાણો થકી લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડી કાળજી રાખવી જરૂરી છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય પડકારજનક સાબિત થઈ શકે છે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું સલાહભર્યું રહેશે. અતિ વિશ્વાસુ બની કામગીરી કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેથી કાળજી રાખવી. કૌટુંબિક સમસ્યાનો ધીરે ધીરે હલ આવતો દેખાય. આર્થિક સ્થિતિ હજી યથાવત્ રહેશે. ધંધા-ઉદ્યોગમાં કરેલા રોકાણોનું ફળ અહીં જોવા મળશે. પ્રવાસની ઈચ્છાઓ સફળ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter