તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૧ થી ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી વ્યાસ Friday 13th August 2021 08:24 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારી પાસે વધુ પડતો કામનો બોજો હોઈ શકે છે. જેના કારણે થોડું માનસિક ભારણ પણ મહેસૂસ કરશો. વ્યક્તિગત જીવનમાં તેમજ વ્યવસાયિક જીવન વચ્ચે બેલેન્સ બનાવી રાખવા માટે તમારે અથાક પ્રયત્નો કરવા પડે. નોકરીના ક્ષેત્રમાં થોડું શાંતિ અને સાવધાનીથી કાર્ય કરવું. આર્થિક રીતે વધુ મજબૂતી મેળવશો. નવવિવાહિત યુગલોએ ખૂબ જ સમજીવિચારીને ચર્ચા-વિચારણા કરવી, નહીં તો સમસ્યાઓ થકી વધુ અંતર આવી શકે છે. પ્રવાસ-પર્યટનથી મનને થોડીઘણી શાંતિ મળશે. પ્રોપર્ટીની ખરીદી શક્ય બને.

વૃષભ (બ,વ,ઉ)ઃતમારામાં રહેલી પોઝિટિવ એનર્જી અને ઊર્જાને જો યોગ્ય દિશામાં કામે લગાડશો તો દરેક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. હાલ પૂરતી નાણાકીય જોગવાઈને ધ્યાનમાં રાખીને આગળનું પગલું ઊઠાવશો તો નુકસાનીમાંથી બચી શકશો. વ્યવસાય કે નોકરીના ક્ષેત્રમાં ભાવનાઓના આવેશમાં કોઈ પણ નિર્ણય ન લેવાનું સલાહભર્યું રહેશે. નજીકમાં જ કોઈ વ્યક્તિ સાથે સામાન્ય મતભેદ સર્જાઈ શકે છે. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય તરફ વધુ ધ્યાન આપવાનું સલાહનીય રહેશે. માંગલિક પ્રસંગોને કારણે ઘણા સમય પછી સુખમય વાતાવરણ માણશો.
મિથુન (ક,છ,ઘ)ઃઅહીં આપના વિચારો અને અભિગમને બદલી સમય સાથે કદમ મીલાવીને આગળ વધવું જરૂરી બને. તમારો ઉગ્ર સ્વભાવ નહીં બદલો તો બિનજરૂરી સમસ્યાઓને આમંત્રણ આપી શકો છો. આર્થિક રીતે થોડું વધુ ભારણ મહેસૂસ કરશો. બિનજરૂરી ખર્ચાઓને નિયંત્રણમાં લાવવા જરૂરી રહેશે. મોટા ઉદ્યોગોમાં જો રોકાણો કર્યું હશે તો તેનું વળતર અહીં જોવા મળે. નોકરીમાં બદલાવ ઈચ્છતા હો તો અહીં એમાં સફળતા મેળવી શકશો. ઘણા સમયથી અટકેલાં મકાન-મિલકતના પ્રશ્નો અહીં ઉકેલી શકશો, જેનાથી લાભ પણ પ્રાપ્ત થશે.
કર્ક (ડ,હ)ઃ ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતાઓ અને પરેશાનીઓ અહીં દૂર થાય. તમારા કાર્યને લઈને માન-સન્માન પ્રાપ્ત કરી શકશો. સામાજિક-રાજકીય વ્યક્તિત્વ અહીં ખીલીને બહાર આવે. કામનું ભારણ હોવા છતાં આપ પરિવાર અને કાર્ય વચ્ચે સફળતાપૂર્વક બેલેન્સ બનાવી રાખશો. અહીં કોઈ જૂના મિત્રો સાથેની મુલાકાત થકી જૂની યાદો તાજી થાય. વ્યવસાયના ક્ષેત્રમાં નાણાકીય જોગવાઈની અટવાયેલી કામગીરી અહીં પૂરી થાય. નોકરીમાં બઢતીના ચાન્સિસ પ્રાપ્ત કરી શકશો. પ્રવાસના આયોજન શક્ય બનશે.
સિંહ (મ,ટ)ઃ આ સમય આપને સક્રિય રહેવા માટે અને ઘણું વિચારીને આયોજનપૂર્વક કાર્યને પહેલ કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે. તમારી મહત્ત્વાકાંક્ષા અંગે જો આયોજનપૂર્વક કાર્ય કરશો તો તેને સાકાર કરી શકશો. પ્રયત્નો અને સકારાત્મક વલણ તમારી સફળતાનું કારણ બને. આર્થિક રીતે પણ કોઈ મુશ્કેલીઓ અહીં દેખાતી નથી. જરૂરિયાત મુજબની નાણાકીય જોગવાઈ ઊભી કરી શકશો. કરિયરને અનુલક્ષીને આગળ વધવા માંગતા વ્યક્તિઓ માટે આ સમય ઉત્તમ પૂરવાર થાય. કોર્ટ-કચેરીમાં થોડું વધુ સંભાળીને આગળ વધવું.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અગત્યના કાર્યોનો ભાર થોડો માનસિક ઉચાટ મહેસૂસ કરાવે. ઉશ્કેરાટ અને આવેશને કાબૂમાં રાખી કોઈ પણ નિર્ણય લેશો તો સફળતા મેળવી શકશો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મળતાં હજી થોડી વાર લાગશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સંજોગો યથાવત્ રહેશે. નોકરીના ક્ષેત્રમાં કોઈની સાથે વિવાદમાં ન ઉતરવાનું સલાહભર્યું રહેશે. વેપાર-ધંધામાં નવા કાર્યોને લઈને યોજનાઓ બનાવી હોય તો તેને અહીં લાગુ કરવાથી સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્યસંબંધી સામાન્ય સમસ્યાઓ રહેશે.
તુલા (ર,ત)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારામાં ઉત્સાહ વધારો કરશે. માનસિક તંગદિલી ઓછી થતાં મન આનંદ અને ઉત્સાહ અનુભવે. નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે સમયની સાનુકૂળતા આપને મદદ કરશે. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યો થકી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. લગ્નવાંચ્છુક વ્યક્તિઓ માટે યોગ્ય જીવનસાથીની તલાશ અહીં પૂર્ણ થાય. નવા વાહનની ખરીદી શક્ય બનશે. લાંબા સમયથી અટવાયેલાં નાણાં અહીં પરત મેળવી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ તમારા સપનાંને સાકાર કરવા માટેના તમામ પ્રયત્નોનું ફળ અહીં જોવા મળે. તમારી સખ્ત મહેનત અને નિષ્ઠાવાન પ્રયત્નો થકી માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો. જોકે, આસપાસના લોકોથી થોડી સાવધાની રાખવી હિતાવહ રહેશે. વ્યવસાય-ધંધાના કાર્યોમાં આપની બુદ્ધિ થકી નિર્ણયો લેવાથી સફળતા મેળવી શકાય. નોકરીમાં થોડું સાચવીને આગળ વધવું જરૂરી છે. આપના માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. મકાન-મિલકતના અટવાયેલા કાર્યોને પૂરા કરવા માટે આપના તરફથી પહેલ જરૂરી બને.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નિરાશાવાદી અને નકારાત્મક વલણને ખંખેરીને જો ઉત્સાહ અને આનંદપૂર્વક કોઈ પણ કાર્યમાં ઝંપલાવશો તો અચૂક સફળતા મેળવી શકશો. અંગત વ્યક્તિની સલાહ આપને કામ લાગે. નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવા માટે યોગ્ય પગલાં યોગ્ય સમયે લેશો તો તેમાંથી બહાર નીકળી શકશો. નવા વ્યાપારની ઈચ્છા ધરાવનાર અહીં એ કાર્યમાં સફળ થઈ શકશો. નોકરીમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આંખ-મસ્તકની તકલીફ થોડો સમય સતાવશે. ભાઈ-બહેનના સંબંધોમાં સુધાર લાવી શકશો.
મકર (ખ,જ)ઃ આ સમય વણનોતર્યાં પ્રસંગોને લઈને થોડોક ભારણવાળો રહેશે. બેઠાં બેઠાં જ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાવ એવા સંજોગો ઊભા થાય, પણ થોડી સૂઝબૂઝ રાખી કાર્ય કરશો તો મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં બદલાવ લાવવાની જરૂરિયાત છે. ભૂતકાળની ભૂલોમાંથી બહાર આવીને નવા વિચારો સાથે કાર્ય કરવાથી સફળતા મેળવી શકશો. આર્થિક પરિસ્થિતિમાં કોઈ મોટાં ફેરફાર જણાતા નથી. માંગલિક પ્રસંગો થકી મન થોડીક હળવાશ અનુભવે. અધ્યાત્મ ગતિવિધિમાં થોડો વધુ સમય પસાર કરો તો આનંદ અનુભવશો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારો સકારાત્મક અભિગમ અને મહેનતુ સ્વભાવ આપને મદદરૂપ સાબિત થાય. નવા કાર્ય અંગેની જવાબદારી આપને મળી શકે છે, જે આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. વ્યવસાય કે નોકરીના કારણે બિનઆયોજિત પ્રવાસ શક્ય બને. આર્થિક રીતે તમારે થોડું સાચવીને ખર્ચ કરવા. કોર્ટ-કચેરીના કાર્યોમાં મોટાં ખર્ચા આવી શકે છે. સંશોધન કે વિજ્ઞાનના વિષયો સાથે જોડાયેલાં વ્યક્તિઓને અહીં પોતાના કાર્યોને સાબિત કરવા માટે ઉત્તમ તકો પ્રાપ્ત થાય. લગ્નસંબંધી ચર્ચાઓ આગળ વધે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય મિશ્ર પરિણામવાળો રહેશે. શરૂઆતના ત્રણ દિવસ થોડો માનસિક ઉચાટ-ભારણ મહેસૂસ કરશો. આપેલી જવાબદારીઓને પૂરી કરવાનું ભારણ રહેશે પરંતુ બાકીના દિવસોમાં થોડી હળવાશ અનુભવશો. આકસ્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. નોકરીમાં પરિવર્તન ઈચ્છતા હો તો એ પણ શક્ય બને. આર્થિક રીતે આ સમય ઘણો સારો રહેશે. જૂના અટવાયેલાં નાણાં થકી લાભ મેળવી શકશો. વિવાહિત સંબંધોની સમસ્યાઓ દૂર થાય. પરિવાર સાથે આનંદ ઉલ્લાસપૂર્વક સમય પસાર કરી શકશો.

------------


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter