તા. ૧૪ ડિસેમ્બર થી ૨૦ ડિસેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 13th December 2019 07:33 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક જુસ્સો જાળવવો પડશે. આવક-જાવકનાં પલ્લાં વિશે ધ્યાન આપજો કેમ કે આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય. અણધાર્યા ખર્ચ પણ થાય. લેણી રકમો મળવામાં વિઘ્ન જણાય. લાભની આશા નિરાશામાં પલટાતી લાગે. પુરુષાર્થ વધારવો પડે. નોકરિયાતો હો કે ધંધાદારી, આ સમય એકંદરે સખત મહેનત માગી લેશે. તમારી ધારણાઓ ફળતી ન લાગે. કાર્યસફળતા મળવામાં વિલંબ થાય. મકાનના ફેરબદલીનું કામ કે નવા મકાનની ખરીદીનું કામ ખોરંભે પડતું જણાશે. હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખો. ગૃહજીવનમાં પરિસ્થિતિ એકંદરે સાનુકૂળ નીવડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ લાભકારક સંજોગોના કારણે માનસિક ઉત્સાહ જળવાય. ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા કેળવજો. લાંબા સમયથી અટકેલા લાભ મેળવી શકશો. નાણાકીય મુંઝવણનો કોઈ સારો ઉકેલ મળે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. પ્રતિકૂળતા દૂર થાય. વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક જણાશે. મકાન-મિલકતની લે-વેચના કામ પતાવી શકશો. કૌટુંબિક મિલકતને લગતા વિવાદો હલ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગો દર્શાવે છે તમારી મનોસ્થિતિ સાનુકૂળ સંજોગોના કારણે સ્વસ્થ અને પ્રસન્ન રહે. કેટલાક મહત્ત્વના કામકાજો આગળ વધતા જણાશે. જરૂરી આર્થિક જોગવાઇ થાય. ઉઘરાણી પાર પાડી શકશો અને લેણી રકમો પણ મેળવી શકાય. જોકે વધારાના ખર્ચાઓ પણ ઊભા થાય. આવક કરતા ખર્ચા-જાવકનું પ્રમાણ વધી જવા સંભવ છે. નોકરિયાત વર્ગને સારી તક મળે. ઉપરીને રાજી કરી શકશો. અંતરાયને પાર કરી શકશો. ધંધાકીય પ્રશ્નો હલ થાય. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. દામ્પત્યજીવનમાં અશાંતિ અને બેચેની જણાશે. પ્રવાસ ખર્ચાળ અને મુશ્કેલી જણાય. પ્રણય પંથે આગળ વધવામાં તકલીફ જણાશે.

કર્ક (ડ,હ)ઃ ખોટી ચિંતાથી અશાંતિ જણાશે. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીના હાથ હેઠા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મુંઝવણરૂપ બનશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગૃહજીવનમાં સંવાદિતા વધે. સ્વજનો કે વડીલોની તબિયત અંગે ચિંતા વધે. નવા સંબંધો ઉપયોગી બનશે.

સિંહ (મ,ટ)ઃ સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજી-વિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થાય તે જોવું રહ્યું. બચત શક્ય બને નહિ. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. પરિવર્તનના યોગ છે. વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા જણાશે. ધંધાકીય પરિસ્થિત યથાવત્ રહેશે. મકાન-મિલકતમાં મૂડીરોકાણ કરવાનું ચાહતા હો તો સો વાર વિચાર કરજો. ભાતૃવર્ગથી મતભેદ જાગશે. જીવનસાથીનો પ્રેમ-સહકાર મળે. લગ્ન-વિવાહની વાતચીતમાં અંતરાય આવે. સંતાનોથી સહકાર મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કેટલાક પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણી કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા થકી જ રાહત મેળવી શકશો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરી શકશો. અગત્યની કામગીરીઓમાં પ્રગતિ થતા લાભ જણાય. આવક કરતાં વિશેષ ખર્ચ થવાના પ્રસંગો બનશે. નોકરિયાતને કેટલાક મુદ્દે અજંપો રહે. બઢતીના પ્રયત્નો આડે હજુ અવરોધ જણાય. સહકર્મચારી કે ઉપરી વર્ગ દ્વારા યશ-માન ન મળતા ઉદ્વેગ જન્મશે. વ્યવસાયિક ક્ષેત્રે એકંદરે ઠીક ઠીક પરિસ્થિતિ જણાય. મકાન-વાહન અંગે કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી કે મુંઝવતા પ્રશ્નો જણાશે.

તુલા (ર,ત)ઃ તમારું મનોબળ મજબૂત બનશે. વિપરીત સંજોગોમાંથી માર્ગ મળતાં આનંદ થશે. સમય સાનુકૂળ બનશે. આવકવૃદ્ધિને અવકાશ નથી, પણ જાવક વધશે. જોકે દેવાનો બોજ, આર્થિક જવાબદારી ઘટાડી શકશો. કાર્યભાર વધશે. વિરોધીથી ચેતતા રહેવું પડશે. ગંભીર મુશ્કેલીનો ભય જણાતો નથી. વેપારવૃદ્ધિના યોગ છે. મકાન બદલવાની ઇચ્છા સંજોગોની પ્રતિકૂળતાના કારણે સાકાર થશે નહીં. વિવાદાસ્પદ મામલે સમાધાનકારી વલણ અપનાવવું. દામ્પત્યજીવનમાં સર્જાયેલી અશાંતિ સ્થિતિ દૂર કરી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ લાગણીઓના કારણે માનસિક ઉત્પાતનો અનુભવ થાય. મનના આવેગોને અંકુશમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાતોના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાય. ઉઘરાણીઓ ફસાય નહીં તેની કાળજી જરૂરી. નવી જવાબદારી વધારશો નહીં. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બદલી-બઢતીના પ્રશ્નો ઉકેલવામાં મદદ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિના માર્ગ ખુલ્લો થાય. સંપત્તિ-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા રહેશે. ભાડુઆત કે માલિકો સાથેના વિવાદો ઉકેલી શકશો. જમીનની લે-વેચમાં સાનુકૂળ સંજોગો જણાય. ગૃહજીવનમાં વિચારભેદના કારણે ચકમકનો પ્રસંગ બને.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મહત્ત્વના કામકાજોમાં ધારી સફળતા મળે નહીં. નાણાંકીય પરિસ્થિતિને વ્યવસ્થિત કરી લેજો. વધુ પડતા ખર્ચને તમારે હજુ અંકુશમાં રાખવા પડશે. તમારી યોજનાઓ કે ભાવિ કાર્યક્રમો વિશે ઉતાવળા થશો નહિ. ધીરજ અને વિચારપૂર્વક આગળ વધજો. નોકરીમાં ઉપરી વર્ગનો સહકાર મળે. બદલી-બઢતી અંગે સાનુકૂળતા વર્તાય. ધંધાકીય ક્ષેત્રે થોડાઘણા વિઘ્નો જણાશે. સંપત્તિ અંગેનું કામ વિલંબમાં પડતું જણાશે. સંતાનો અનુકૂળ બનશે. દામ્પત્યજીવનમાં વૈચારિક સંઘર્ષ વધશે. કોઈના વિશ્વાસે વહાણ હાંકવું નહીં.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ અશુભ પ્રકારનો માનસિક ઉચાટ કે અકળામણનો અનુભવ રહે. આવેશ-ઉશ્કેરાટને કાબૂમાં રાખજો. આર્થિક પ્રશ્નો ગૂંચવાતા લાગે. પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની કાળજી લેવી. ખોટા મૂડીરોકાણને અટકાવજો. ખર્ચ - વ્યયને રોકજો. નોકરી-ધંધાની સમસ્યાનો ઉકેલ લાવી શકશો. પ્રગતિની તક મળશે. નવા કામકાજનો પ્રારંભ થઈ શકે. મહત્ત્વના કોલ-કરારથી લાભ થાય. જમીન-મકાનના કામકાજો હશે તો થાળે પડતા જણાય. ગૃહજીવનમાં ચકમક ઝરતી જણાય. સ્વાસ્થ્ય સાચવજો. નજીકના કોઈ સ્વજન સંદર્ભે ચિંતા રહે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં એક દિવસ સારો જાય તો એક દિવસ સખત ઉચાટ - ઉદ્વેગમાં વીતે. નોકરી-ધંધામાં શાંતિથી દિવસો પસાર કરી લેવા. વિચારોમાં અટવાયેલા રહેવાના કારણે કામકાજમાં વિલંબ થાય. ધાર્યું કામકાજ ન થવાથી પોતાની જાત પર જ ગુસ્સો આવે. મહત્ત્વનું કામકાજ કરવાનું હોય કે નિર્ણય લેવાનો હોય તો કોઈની સાથે વિચારવિમર્શ કરી લેવો. મિત્રો-સ્વજનોના સહકારથી એક-બે કામનો ઉકેલ લાવી શકવાથી રાહત મળે. ધર્મકાર્ય - શુભકાર્યથી તમારા હૃદય મનને ક્ષણિક આનંદ ઉત્સાહ જણાય. ખર્ચ ખરીદી થાય. સ્ત્રીવર્ગે તબિયત સાચવીને કામકાજ કરવું.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ભાગ્ય આડેના અવરોધ દૂર થતાં જણાય. હવે શત્રુના હાથ હેઠા પડતા જણાશે. સરકારી - અર્ધસરકારી અને કોર્ટ કચેરીના કામકાજમાં પણ ઝડપ આવતી જોવા મળશે. આર્થિક નાણાકીય મુશ્કેલીઓમાં તથા વિઘ્નોમાં રાહત મળતી જણાશે. મહત્ત્વની તક મળતા અણધાર્યા લાભ પામશો. ગૃહજીવનમાં અશાંતિ સર્જાય તેમ હોવાથી બને તેટલા વિવાદ ટાળીને શાંતિ જાળવવા પ્રયત્ન કરવો. પ્રવાસ-પર્યટન પાછળ ખર્ચ વધુ રહે. આરોગ્ય એકંદરે સાનુકૂળ બની રહેતું જોવા મળે. પ્રિયતમથી મિલન મુલાકાત વધે. પ્રેમપ્રસંગમાં ધાર્યું થઈ શકે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter