તા. ૧૭ જુલાઇ ૨૦૨૧થી ૨૩ જુલાઇ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 16th July 2021 08:53 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ સાનુકૂળ સંજોગો ઊભા થતાં સક્રિયતા અને ઉત્સાહ વધે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો ઝડપી લેજો. નાણાકીય કટોકટીમાંથી બહાર આવી શકશો. જરૂરિયાતને પહોંચી વળવા માટે આવશ્યક જોગવાઈ ઊભી કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગોથી થોડું સાવચેત રહેવું. નોકરીના ક્ષેત્રમાં વિરોધીઓ કે સહકર્મચારી સાથે વાદ-વિવાદમાં ન ફસાવ તેની ખાસ કાળજી રાખવી.

વૃષભ (બ,વ,ઉ)ઃ કાલ્પનિક ચિંતાનો બોજો વધે નહીં તેની ખાસ કાળજી રાખશો. તમારા વિચારો જ તમારી સમસ્યાઓનું મૂળ બની શકે છે. અવિશ્વાસનો ભય અને શંકાઓને છોડશો તો સાચો આનંદ માણી શકશો. નાણાકીય રીતે સરેરાશ બેલેન્સ જાળવી શકશો. કોઈ ખોટા ખર્ચામાં ન પડવાનું સલાહભર્યું રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ અટવાયેલા કાર્યોની શરૂઆત થઈ શકશે. પરિસ્થિતિ થોડી વધુ સાનુકૂળ બનશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. બેચેની - વ્યથામાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ પ્રાપ્ત થાય. આવકની દૃષ્ટિએ થોડીઘણી ચિંતાઓ રહેશે. શેરસટ્ટાના રોકાણોમાં નુકસાનીનો ભય રહેશે. નોકરીના ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રતિકૂળતાવાળી પરિસ્થિતિનું નિર્માણ થાય. જમીન-મકાન કે સંપત્તિના અટવાયેલા કાર્યો અહીં પૂરા થઈ શકશે. કૌટુંબિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતા વધશે.
કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય થોડો સ્પર્ધાત્મક પ્રતિક્રિયાવાળો રહેશે. એક પછી એક દરેક કાર્યોમાં નવા-નવા ચેલેન્જમાંથી પસાર થવું પડે, આપના ધૈર્ય - વિશ્વાસની કસોટી થાય. કોઈક નવી કારકિર્દી તરફથી દિશામાં આપ આગળ વધી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ જરૂરી સહાયતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે બેલેન્સ બનાવી રાખવા માટે વધારે મહેનત કરવી પડે. રોકાણ સંબંધિત કોઈ મોટા નિર્ણયો લેવા માટે હમણાં સમય સારો નથી, જેથી દૂર રહેવું સલાહભર્યું રહેશે.
સિંહ (મ,ટ)ઃ તમારા ગ્રહયોગોના મજબૂત પ્રભાવને જોતાં અવરોધો અને મુશ્કેલીના સમયમાંથી બહાર આવી શકશો. નવા સંબંધો વિક્સાવી શકશો જે આગળ જતાં તમારા જ હિતમાં કામ કરી શકે છે. ઉદ્યોગ-વ્યવસાયની દૃષ્ટિએ લાંબા ગાળાના અટવાયેલા કામકાજો અહીં પૂર્ણ થઈ શકે એથી પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. કાયદાકીય ક્ષેત્રના લોકો માટે મહત્ત્વના નિર્ણયો આ સમયમાં તેમની કારકિર્દીને ચાર ચાંદ લગાવી શકશે. જમીન-મકાનના અટવાયેલા કાર્યો અહીં પૂર્ણ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાઓને કારણે માનસિક બેચેની મહેસૂસ કરશો. જોકે, તેના ઉકેલ માટેના પ્રયત્નો પણ સાથે ચાલુ રાખશો, તો થોડી રાહતનો અનુભવ થાય. નોકરી-વ્યવસાયમાં વિરોધીઓને કારણે થોડીઘણી નુકસાની વેઠવી પડે. સ્થળાંતર યા તો બદલીની શક્યતાઓ રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડું મન હળવું થાય. સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓમાંથી બહાર આવી શકશો.
તુલા (ર,ત)ઃ આ સમયમાં અનુકૂળ અને ઈચ્છિત તકો મળતાં ખુશી અને આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા સંબંધો બંધાય. નાણાકીય તંગદિલીમાંથી બહાર આવવાના રસ્તાઓ માનસિક બોજ ઓછો કરે. નોકરિયાત વ્યક્તિને સ્થાનફેર અથવા તો બઢતી માટેની તકો ઊભી થાય. કૌટુંબિક વાદ-વિવાદથી દૂર રહેવું. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર લાવવા માટે અહીં તમારા વિચારો બદલાવાની જરૂર રહેશે, નહીં તો પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ઉત્તમ પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકવા માટે સહકાર આપે એવો સાબિત થઈ શકે છે. આપની કારકિર્દીને લગતી સમસ્યાઓનો અહીં ઉકેલ લાવી શકશો. આપના જૂના સંબંધો અહીં કામ લાગે. સ્વાસ્થ્યસંબંધી થોડીક સમસ્યાઓ રહેશે. નાણાકીય ગૂંચવણો અહીં દૂર થાય. કોર્ટ-કચેરીના ધક્કાઓમાંથી હવે છૂટકારો મળશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનની મુરાદો સાકાર ન થતાં માનસિક અશાંતિ અનુભવાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાય. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે બમણી મહેનત કરવી પડે. આવકની વૃદ્ધિ માટેના રસ્તાઓ પ્રાપ્ત થતાં થોડી રાહતનો અનુભવ થાય. ધંધા-વ્યવસાયમાં ઉન્નતિકારક તકો હાથ લાગે. વડીલોપાર્જિત મિલકતસંબંધી સમસ્યાઓનો ઉકેલ આપના પક્ષમાં આવતાં રાહત મળે.
મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન સમસ્યાઓનો ધીમી ગતિએ પરંતુ સાનુકૂળ ઉકેલ પ્રાપ્ત કરી શકશો. આપના વિચારોમાં હકારાત્મક બદલાવ આપને માનસિક સ્વસ્થતતાનો અનુભવ કરાવે. વ્યવસાયની રીતે ઘણાં મહત્ત્વના નિર્ણયો અહીં આપને હિતકારક સાબિત થાય. વડીલોની સલાહ અહીં કામ આવે. નોકરીમાં થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સમજદારીથી કાર્ય કરવું સલાહભર્યું રહેશે. માતા-પિતાના આરોગ્યને કારણે થોડી ચિંતાઓ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય મિશ્ર પ્રતિભાવવાળો સાબિત થાય. માંગલિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ તેમજ કુટુંબ સાથે સમય પસાર કરવાનો મોકો ચૂકી ન જશો. સામે વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો સાથેના વ્યવહારમાં આક્રમકતા આપને જ નુકસાન પહોંચાડી શકે છે, જેથી શાંતિથી કામગીરી લેવી આવશ્યક રહેશે. ધંધાકીય સોદાઓને આગળ વધારવા માટે આપની સૂઝબૂઝ કામે લગાડવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં રાહત થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય વ્યસ્ત પસાર થાય. કાર્યક્ષેત્રમાં પરિવર્તનને કારણે આપની જવાબદારીમાં વધારો થઈ શકે છે. નવીન નોકરીની શોધખોળ પૂર્ણ થાય. ઈચ્છિત જગ્યા પર કામ મળવાથી બમણો આનંદ મહેસૂસ કરી શકશો. વ્યવસાયિક કામગીરીને કારણે ટૂંકી મુસાફરીના યોગો બળવાન બનશે. લગ્નસંબંધી સમસ્યા હોય તો અહીં દૂર થાય. આર્થિક બોજો હળવો થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter