તા. ૧ મે ૨૦૨૧ થી ૭ મે ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 30th April 2021 08:13 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ સમયની સાથે આળસ છોડીને કામ કરવું પડશે. ગ્રહોની પરીસ્થિતિ આપને વધુ બળ આપશે. બીજાના આધારે રહી કામ કરવાની નીતિ હવે કામ લાગશે નહીં. તમારું આત્મબળ ટકાવીને સાહસ કરશો તો આ સમય સફળતા અપાવશે. પતિ-પત્ની વચ્ચેની તિરાડ ઓછી થશે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. હવે સંતાનો તરફથી પણ હૂંફ અને આત્મીયતા મેળવશો. ધંધામાં ક્રમશઃ ચઢાવ ઉતાર સાથે પ્રગતિ રહેશે. નોકરીમાં રાહત રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સંજોગો વ્યક્તિને નિર્બળ બનાવે છે. તે મુજબ આ સપ્તાહ પણ આપના માટે આવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહેલ છે. સગાસંબંધીઓ મિત્રો તરફથી હૂંફમાં ઓટ આવશે. ધંધાકીય કાર્યોમાં વધારે મહેનત કરવી પડશે. આત્મબળ અને જુસ્સો ટકાવી રાખવા માટે પ્રયત્ન કરશો. નોકરીમાં પણ મનદુઃખ થવાની સંભાવના રહેશે. ભાગીદારીમાં વગર કારણે મનમાં ઉચાટ રહેશે. પ્રવાસનો થાક વર્તાશે. સંતાનો અંગે ચિંતા રહેશે. વિશેષ કાળજી રાખવાનો સમય ગણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ શેરબજાર અથવા તો અન્ય કોઇ પણ સાહસમાં આપે જોઈવિચારીને કાળજી રાખવી પડશે. આપના દસ્તાવેજ બાબતના કામોમાં વિલંબ થાય. કોર્ટ-કચેરી અથવા અન્ય ઓફિસોને લગતા કાર્યોમાં આપને નિરાશા સાંપડે. દાંમ્પત્યજીવનમાં થોડી ખાટી-મીઠી જોવા મળશે. લગ્નવિવાહ સહિતના પ્રસંગો ખર્ચાનું પ્રમાણ વધારશે. નવી ઓળખાણને લીધે કામગીરીમાં સફળતા સાંપડશે. નવી નોકરી શોધવા માટે હાલ વધુ પુરુષાર્થ કરવો પડશે.
કર્ક (ડ,હ)ઃ આ સમય માનસિક ઉત્સાહ-ઉમંગમાં વધારો કરશે. મન પરનો બોજ હલકો થશે. આવક કરતાં ખર્ચમાં વધારે થશે. નોકરિયાત માટે આ સમય વધારે લાભદાયી રહેશે. વ્યાપાર-ધંધામાં પ્રગતિ અને વિકાસ વધુ મળતો જણાય. મિત્રો-સ્વજનોનો સહયોગ આપને વધુ મળતો જણાય. લગ્નઈચ્છુકો માટે આ સમય સારો પસાર થાય.
સિંહ (મ,ટ)ઃ નવીન નોકરી શોધવામાં હજુ સમય લાગશે. જોકે હિંમત હાર્યા વગર પ્રયત્ન હાલ ચાલુ રાખશો. એમાંથી જ નવો રસ્તો નીકળતો જણાશે. કુટુંબ અને મિત્રોની વધુ પડતી ચિંતાઓ તમારી તંદુરસ્તી ઉપર અસર કરશે. નાણાકીય રીતે થોડીક સફળતા મળશે. આપને નવીન ઓળખાણનો લાભ મળશે. નવા યાત્રા-પ્રવાસની પણ ઇચ્છાઓ પૂર્ણ થશે. અપરીણિતો માટે લગ્નના યોગ બળવાન બની શકશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મનની ઇચ્છાઓ પૂરી થતી જણાશે. નવી ભાગીદારી સાથે સાહસ શરૂ થશે. જોકે તે કામચલાઉ ગણાય. નાણાકીય પરિસ્થિતિ સુધરશે. જૂના બાકી નીકળતાં નાણાં પરત મેળવવા પ્રયત્ન કરશો તો આ સમય તમારી ફેવરનો છે. અણધારી રીતે લાભની અપેક્ષાઓ સફળ થશે. તમારી લાંબા ગાળાની યોજનાઓનો શુભારંભ થાય. સંતાનના પ્રશ્નોમાં સરળતા થશે.
તુલા (ર,ત)ઃ લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકશે. આવકની વૃદ્ધિ માટે તમારી ઈચ્છાઓને પ્રબળ બનાવશો તો સફળતા મેળવી શકશો. સ્વજન અથવા પ્રિયપાત્ર સાથે થયેલા મનદુઃખના પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. કૌટુંબિક પરિસ્થિતિ તમારા માટે લાગણીમય બશે. મકાન - વાહન કે મિલકતના પ્રશ્નોનો તમારી ઇચ્છા મુજબ ઉકેલ લાવી શકશો. પ્રવાસના આયોજન લંબાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળા દરમિયાન નિરાશા ખંખેરીને વધુ પુરુષાર્થ કરવો પડશે. સટ્ટા-જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવું જરૂરી રહેશે. વગર કારણે ખોટા નિર્ણયો અને ઝઘડાઓના ભાગીદાર બનશો તો મુશ્કેલી સહન કરવી પડશે. સંતાનો તથા ભાઈઓ વચ્ચે મનદુઃખ ન સર્જાય તેની તકેદારી રાખશો. નાણાકીય મામલે ભીડ ઓછી થાય. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી પડશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નાણાકીય ચિંતાઓના ભારમાંથી મુક્ત થશો. નોકરીમાં પરીસ્થિતિ થોડી સરળતાભરી રહેશે. મનની મૂંઝવણોનો ઉકેલ મળશે. વેપારમાં તમારી આત્મશક્તિ વધુ સફળતા અપાવશે. મિલકત તથા વાહન ખરીદી માટે ઉતાવળ કરશો નહીં. સંતાનની ઇચ્છા ધરાવતા દંપતીને શુભ સમાચાર મળશે.
મકર (ખ,જ)ઃ સપ્તાહનો શુભારંભ આપને વ્યર્થ ચિંતાઓથી મુક્ત કરશે. કુટુંબીજનોની ખોટી ચિંતાઓ તંદુરસ્તીમાં અવરોધ ઊભા કરશે. નોકરિયાત વર્ગ માટે પરિસ્થિતિ થોડી ટેન્શનવાળી છે. છતાં ધીમે ધીમે સરળતા થાય. વધુ ખર્ચાઓને કાબુમાં રાખવા જરૂરી છે. દાંમ્પત્યજીવનમાં સામાન્ય વિચાર મતભેદો રહેશે. મિત્રોને અવારનવાર કરેલી મદદ અહીં કામ લાગશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ મકાન તથા અન્ય પ્રોપર્ટીઓ પાછળ થોડોઘણો ખર્ચ કરીને તેને નવું બનાવવાના આપના પ્રયત્ન સફળ થશે. નવી પ્રોપર્ટી ખરીદવાનું ઇચ્છતા હો તો તે દિશામાં કામગીરીનો આરંભ થાય. નોકરીમાં રાહત અનુભવાય. નવી નોકરી માટેની આપની દોડધામ - મહેનત ફળે. આકસ્મિક ધનલાભ થાય. પ્રિય પાત્રોની હૂંફ વધે. તંદુરસ્તી સંબંધિત બાબતોની ચિંતામાં ઘટાડો થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક - માંગલિક પ્રસંગોને લઈને થોડી દોડધામ વધશે. નાણાકીય બાબતો અંગે થોડીક વધુ દોડધામ રહેશે. આર્થિક બાબતોમાં થોડી પીછેહઠ થાય. જોકે અંતરાયો ઓછા થશે. તમારી કલ્પનાઓના ઘોડાને કાબૂમાં રાખશો તો લાભમાં રહેશો. કૌટુંબિક કાર્યોમાં ઇચ્છીત મદદ મેળવી શકશો. પ્રવાસના વિચારો સ્થગિત કરવા પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter