તા. ૨૨ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 21st September 2018 06:15 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક અશાંતિ કે તંગદિલીના પ્રસંગો ઓછા થશે. આનંદ-ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. નોકરીની સારી તક મળે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉપાય મળશે. રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આનંદ મળે. માનસિક બોજો હળવો થતાં સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધતાં ખર્ચાઓની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી બચવું. વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણ-ગૂંચવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા તમે સતત સક્રિય રહો તે જ ઉપાય છે. હિંમત ગુમાવશો નહીં. દેખાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજવી. આ સમયમાં આવક વધવાના યોગ છે. ખાસ નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. તમારી યોજના માટેની સગવડો ઊભી થાય.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ તકો તથા કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણ ભરેલી હોવા છતાં તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. કોઈ આંચ આવે નહીં. આવકવૃદ્ધિનો માર્ગ મળી આવે. નોકરી-ધંધા માટે સમયનો સાથ મળતો જણાશે. નોકરિયાતને બદલી-બઢતી અંગેના કામકાજોનો ઉકેલ મળશે. ઉપરી વર્ગનો સાથ મેળવી શકશો. વિરોધી શત્રુની કારીગરી ફાવે નહીં. ધંધાકીય વિકાસ માટે પ્રયત્નો વધારવા પડશે. મહેનતના પ્રમાણમાં ધીમું ફળ મળે, પણ ભવિષ્યમાં તેનાથી લાભ મળે.

સિંહ (મ,ટ)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવે. વિધેયાત્મક માર્ગ તરફ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. ઉત્સાહવર્ધક પ્રસંગો બને. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળતા અવશ્ય મળશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોને બઢતી કે પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ થાય નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી ઓછી તકલીફ થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકંદરે ઠીકઠીક સારું ફળ મળે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બદલી-બઢતીનો માર્ગ રૂંધાશે. વાદ-વિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી.

તુલા (ર,ત)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે કામગીરીનો બોજો અને યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા અને તાણ વધશે. કૌટુંબિક ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે આર્થિક બોજો વધે તેવા યોગ છે. આર્થિક સ્થિતિ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મળતાં થોડીક રાહત થશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં માનસિક તાણ રહેતી જણાશે. અન્ય સાથે ઘર્ષણમાં કે વાદ-વિવાદમાં ઉતરવાનું ટાળશો તો જ માનસિક શાંતિ જળવાશે. વધુ પડતાં ખર્ચને કારણે તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ-બે લાભ, આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોને કેટલીક મુશ્કેલી હોવા છતાંય કશુંય બગડવાનો ભય રાખવાની જરૂરી નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરાર કરવાનું આ સપ્તાહે મુલત્વી રાખશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય પ્રવૃત્તિમય બની રહેશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને સાનુકૂળ જણાય છે. આવક વૃદ્ધિનો માર્ગ મળશે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ અને પ્રગતિકારક બનશે. અટવાયેલા લાભ મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધ સર્જતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. તમારા મકાન-મિલકતના કામકાજોના ઉકેલ માટે સાનુકૂળતા વર્તાશે.

મકર (ખ,જ)ઃ મહત્ત્વની ઓળખાણથી લાભ તેમજ પ્રવાસ-પર્યટન માટે આ સપ્તાહ સાનુકૂળ નીડવશે. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થઈ શકતાં રાહત અનુભવાય. શેર-સટ્ટા દ્વારા લાભ મેળવવા લલચાશો તો નાણાં ગુમાવશો. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ ન કરશો. ધીરજ અને સમજપૂર્વક આગળ વધશો તો ઓછો પરંતુ નક્કર ફાયદો થશે. નોકરિયાતોને કામનો બોજો અને મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ, હિતશત્રુઓની કારી ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા, લાભના યોગ છે. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં ઉમંગ-ઉલ્લાસમાં વધારો થશે. મનનો ભાર હળવો થાય. ચિંતાઓનાં વાદળો દૂર વિખેરાતા જણાશે. નવીન આર્થિક જવાબદારીઓ વધારશો નહીં. આવક કરતાં ખર્ચ અને ચૂકવણીઓના બોજના કારણે નાણાંકીય મૂંઝવણ વધતી જોવાશે. ધીરજ અને વ્યવસ્થિત રહી ચાલશો તો બહાર આવી શકશો. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ મુદ્દે ચિંતા રહે નહીં. ઉપરીનો સહકાર મળશે. વિકાસનો માર્ગ ખુલ્લો થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter