તા. ૩ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 02nd August 2019 08:47 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં પ્રવાસ-પર્યટન વધશે. કેટલાકને લાંબી યાત્રા પણ કરવી પડે. ધંધાકીય મુસાફરી સફળ નીવડશે. આ સમયમાં નાણાકીય ચિંતા યા મુશ્કેલીમાંથી રાહત મેળવી શકશો. જાવકનું પ્રમાણ વધારે થશે. યોગ્ય દિશાના પ્રયત્નો ફળદાયી નીવડશે. નોકરિયાતના લાંબા સમયથી ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે. ધંધાકીય અવરોધમાંથી હવે તમે બહાર નીકળી શકશો. મિત્રો-પરિચિતો કે સ્નેહીજનોની મદદ મહત્ત્વની પુરવાર થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વચ્છતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નિવડશે. આવનાર ખર્ચા માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતાં જણાય. સારી નોકરી મેળવવા નોકરિયાતના પ્રશ્નોના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વેપાર-ધંધાની બાબતોથી અસંતોષ રહે. મકાન-સંપત્તિને લગતા કામો માટે મુશ્કેલીઓ વધુ જણાશે અને ખોટા ખર્ચ વધશે. નવા મકાન મેળવવાના પ્રયત્નો સફળ થાય નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક તણાવ ઘટશે. સાનુકૂળતાના કારણે વધુ આનંદ માણી શકશો. ચિંતા યા ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો જણાતા નથી. બલ્કે જે આવક છે તેમાં ખર્ચા વધતાં નાણાંભીડ સર્જાતી જોવા મળશે. જૂના લેણાંની રકમો મળવાથી વ્યવહાર નભી શકશે. આર્થિક આયોજન બરાબર કરવાથી ચિંતા દૂર થશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસ અને વિજયનો યોગ છે.

કર્ક (ડ,હ)ઃ ઉત્સાહપ્રેરક બનાવોના કારણે મનની અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના આયોજનો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનોથી મિલન થાય. આ સમયના યોગો મૂંઝવણો કે જરૂરિયાતનો રાહતજનક ઉકેલ આપશે. અનાયાસ ધનપ્રાપ્તિના યોગો નથી. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત રહેશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાઓના ઉકેલનો માર્ગ મળશે. બગડેલી બાજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તનસૂચક જણાય છે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની - ઉત્પાત દૂર થાય. રચનાત્મક વિકાસ થાય. નાણાંકીય પરિસ્થિતિ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. એક બાજુથી જાવક અને ખર્ચ આવે તો બીજી બાજુ આવક યા લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બને. કોઈ નુકસાન કે વ્યયનો પ્રસંગ પેદા થશે. નોકરિયાતો માટે ગ્રહ સાનુકૂળ જણાય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળશે. મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. વધારાના લાભ મળે નહિ. જૂની ઉઘરાણી મેળવી શકશો. આ સમયમાં નોકરિયાતને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. હેરાનગતિ અને અવરોધો જોવા મળે.

તુલા (ર,ત)ઃ આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ અને શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં પ્રવેશવા ન દેશો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા કરવાને કોઇ કારણ નથી. નોકરી-ધંધામાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થતાં સારી તકો ઊભી થતી જોઈ શકશો. મિલકતના કે મકાનના પ્રશ્નો માટે હજુ સમય સાથ આપતો જણાશે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં મહત્ત્વની બાબતો અને માનસિક ટેન્શન જણાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. તમારા અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. આ સમયગાળામાં તમારી નાણાંકીય જવાબદારી વધશે. કરજ અને દેવું કરવું પડશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય. જોકે નિરાશ ન થતાં મક્કમતાથી આગળ વધજો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ વેપાર-ધંધામાં કૌટુંબિક કારણસોર માનસિક તાણ કે કોઈ અગમ્ય અનિશ્ચિતતાની લાગણી અનુભવવા મળશે. જોકે લાંબા સમયની ઇચ્છાઓ પાર પડતી જણાતા ધીમે ધીમે બેચેની દૂર થતી જણાશે. અહીં તમારે મહત્ત્વની બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. લાભકારક સમયનો પ્રારંભ થઇ રહ્યો છે.

મકર (ખ,જ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા સાંપડશે. સપ્તાહમાં પરિવર્તનકારી પરિસ્થિત સર્જાશે. ઉમંગ-ઉત્સાહ વધશે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત પ્રમાણે આર્થિક જોગવાઈ થઈ શકશે. નોકરિયાત માટે આ સમય પરિવર્તનકારક છે. કેટલીક મુશ્કેલીઓને બાદ કરતા એકંદરે પ્રગતિકારક સપ્તાહ છે. વેપારી વર્ગ આ સમયમાં સર્જાતી તકો ઝડપી લેશે તો લાભમાં રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આસપાસનો માહોલ માનસિક તણાવ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક બનશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અંજપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. આપની નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થતો જોઇ શકશો. અગત્યની કામગીરી સફળ થતાં લાભની તક સર્જાય. આવક કરતાં જાવક વધતાં જણાશે. સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter