તા. ૪ નવેમ્બર થી ૧૦ નવેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 03rd November 2017 11:10 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકશે. નિરાશાનાં વાદળો વિખેરાતા લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયક તકની આશા રાખી શકાય. પ્રગતિકારક સંજોગો અનુકૂળ બનશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર આવવા ન દેવી. મક્કમ મનોબળ જ અજંપિત સ્થિતિમાંથી મુક્તિ આપશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતા ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. નુકસાન અને હાનિનો યોગ છે. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો ન લેવા. ઉપરીથી ચકમક ઝરે. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહિ.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત સમસ્યાઓના કારણે માનસિક બેચેની અને વ્યથાનો અનુભવ થશે. જોકે તેનો ઉકેલ પણ ત્વરિત મળતા રાહત થશે. ખર્ચમાં વધારો થતાં પરિસ્થિતિ તંગ બનતી જશે. ધાર્યા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાય છે. નોકરિયાતોને સ્થળાંતર યા બદલીની શક્યતા વિશેષ જણાય છે. બઢતીનો માર્ગ હજુ અવરોધાયેલો જણાય છે. સારી નોકરીની તલાશમાં હશો તો તમારા પ્રયત્નો સફળ નીવડશે. કાર્ય આયોજનમાં ઉપરીનો સહકાર મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા જાળવવાની જરૂર છે. કાલ્પનિક મુદ્દે ચિંતાઓ છોડજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ સાંપડશે. લેણા-ઉઘરાણીના કામકાજમાં સફળતા મળે. તમારો આર્થિક બોજો હળવો થાય. વધારાની આવકનો માર્ગ ઊભો થાય. મકાન-વાહન અંગે આગામી સમય પ્રતિકૂળતા સૂચવે છે. નાની નાની બાબતે હેરાનગતિ જોવા મળે જેથી ટેન્શન વધે. નોકરિયાતને એકંદરે સાનુકૂળતા વધશે. મહત્ત્વના પ્રશ્નો - કાર્યો ઉકેલાય. ધંધાકીય ક્ષેત્રે ધીમી પ્રગતિ થતી જોવાય. સફળતાની તકો વધે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં માનસિક બળ જાળવી રાખવું પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળે નહીં. ઉલ્ટાની નિષ્ફળતા જોવી પડશે. તમારી આવકની બાજુઓ પર પણ સવિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ સપ્તાહમાં વધુ પડતા ખર્ચ થશે. વળી લેણી રકમો પણ મળે નહીં. જેમાંથી લાભની આશા રાખશો તેમાં વ્યથા અને હાનિ થતી દેખાશે. નોકરી-ધંધામાં આ સમય ખૂબ જ મહેનત માગી લેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં મનોવેદનાના બનાવા બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ હવે વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ અહીં મળશે નહિ. આવક સામે વિશેષ ખર્ચાઓ થતાં જણાશે તેથી નાણાંકીય ભીડનો અનુભવ થશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યની રચનાઓ થશે. પ્રગતિ - ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. પ્રમોશનની તકો જણાય છે. આપના પ્રયાસો સફળ નીવડશે.

તુલા (ર,ત)ઃ દ્વિધાઓ અને પરેશાનીઓનો અંત આવતા તમે વિધેયાત્મક માર્ગ તરફ આગળ જઈ શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે અને કોઈ મદદથી તમારી ચિંતા દૂર થાય. તમે લાભના પ્રયત્નો કરશો તો અવશ્ય સફળતા મળશે. અવરોધને પાર કરી શકશો. જોકે નોકરિયાતોને બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહિ. ધંધા-વેપાર ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં માનસિક તાણ તેમજ બોજો વધતો જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ મળશે. આ સપ્તાહ દરમિયાન નાણાંકીય લેવડદેવડ અંગે જાગૃત રહેવું પડે. નોકરિયાતો માટે આ સમય ઘણો આશાસ્પદ છે. લાંબા સમયથી અટવાયેલા કામકાજો ઉકેલાતા જણાય. વેપારી વર્ગ અને ધંધાર્થી માટે આ સમય લાભદાયી જણાય છે. મકાન-મિલકત અંગે મહત્ત્વનું કાર્ય ગૂંચવાય નહિ તે જોવું રહ્યું. વિવાદો યથાવત્ રહે. ગૃહજીવનના પ્રશ્નોમાં રસ લઈને ઘરમાં આનંદનું વાતાવરણ સર્જી શકશો. ભાતૃવર્ગનો સહકાર મળે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ અંગત બાબતોના કારણે અજંપા-વ્યથાનો અનુભવ થાય. માનસિક સક્રિયતા જાળવશો તો નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી છૂટકારો મેળવી શકશો. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહિ. મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા સર્જાશે. ગૃહજીવનમાં સર્જાતા મતભેદો કે ગેરસમજોને દૂર કરી શકશો. તમારા આરોગ્યની કાળજી લેતા રહેજો.

મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં ગ્રહયોગો મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહિ. આ સપ્તાહમાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતા સમય રાહત આપતો પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા છે. અલબત્ત, લોટરી-સટ્ટાથી લાભ નથી. નોકરિયાતોને હવે બઢતી અટકેલી હશે તો મળશે. હક્ક પ્રમાણે લાભ મળે. અવરોધો દૂર થાય. સ્થળાંતરનો યોગ પ્રબળ છે.

કુંભ (ગ,શ,ષ,સ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી અવશ્ય સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. કાર્યશીલ રહીને ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. એકાદ મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરિયાત વર્ગને નડતાં વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જણાશે. ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવશે. ધંધા-વેપારમાં નવીન તકો મળે. સંપત્તિ-મકાન વગેરે બાબતો અંગે માનસિક ચિંતા વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળામાં માનસિક રાહત સાંપડશે. ધંધાકીય પ્રતિકૂળતાઓ દૂર થતી જોવા મળશે અને કેટલીક મહત્ત્વની તકો પ્રાપ્ત થશે. ધંધાકીય પ્રગતિનો માર્ગ ખુલતો જણાશે. નોકરિયાત માટે પ્રોત્સાહક પ્રસંગો બનશે. મકાન-સંપત્તિને લગતાં પ્રશ્નોમાં મુશ્કેલીનો અનુભવ થાય. વારસાની મિલકતો સંદર્ભે માનસિક ચિંતા જણાશે. આવક કરતાં જાવકનું પ્રમાણ સવિશેષ જોવા મળશે. નુકસાન – હાનિ કે અણધાર્યા મૂડીરોકાણના કારણે નાણાંકીય પરિસ્થિતિ બગડે નહિ તેનો ખ્યાલ રાખજો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter