તા. ૫ ઓક્ટોબર થી ૧૧ ઓક્ટોબર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 04th October 2019 08:41 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ તથા કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ-હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને હાલ પૂરતું ટાળજો. નોકરિયાતોને ઉપરી યા સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો જોવા મળશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મનોદશા દ્વિધાયુક્ત રહેતી જણાશે. તમે નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. વિના કારણની ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાંકીય દૃષ્ટિએ તમારા પ્રશ્નનું નિરાકરણ મળશે. લોન-કરજનો ભાર હળવો થાય. નોકરિયાતોને કાર્યભાર વધશે. વળી વિરોધીઓથી પણ ચેતતા રહેવું પડશે. ગંભીર મુશ્કેલીનો ભય જણાતો નથી. એકાદ-બે મહત્ત્વની સફળતાઓ મળે. વેપારવૃદ્ધિના યોગ છે. મકાન બદલવાનો વિચાર હોય તો તે કામ થઈ શકે. મકાન ખરીદીના પ્રયત્નો ફળે.

મિથુન (ક,છ,ઘ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ રહેતાં સક્રિયતા વધશે. મુશ્કેલીઓના વાતાવરણમાંથી બહાર નીકળી શકશો. આગળ વધો અને ફતેહ મેળવો. જરૂરિયાતો પૂરતી આવક થશે. જોકે આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજ-કરજ વધારવો નહીં. વ્યવસાયની બાબતો માટે સમય સાનુકૂળ નીવડશે. મહત્ત્વની ઉન્નતિની અથવા તો પરિવર્તનની તક મળશે.

કર્ક (ડ,હ)ઃ પ્રયત્નો ધીમે ધીમે સફળ બનશે. સમય લાભકર્તા બનતાં આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે તેનો ઉપયોગ કરી લેજો. મનનો બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થશે. નાણાંકીય પરિસ્થિતિને તમે સમતોલ કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો સારો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. જમીન-મકાન સંબંધિત સમસ્યાઓ, મૂંઝવણો, ખર્ચ વધે અને ધાર્યા પ્રમાણે કામ ન થાય.

સિંહ (મ,ટ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ કથળે નહિ તે માટે ખર્ચા પર કાબૂ રાખવો જરૂરી. આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહીં. નોકરીના ક્ષેત્રે સંજોગો હજુ સુધરતા જણાતા નહીં. યથાવત્ સ્થિતિ રહે. વેપાર-ધંધામાં લાભકારક સમય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનોકામનાની પૂર્ણતા માટે વધુ પુરુષાર્થ જરૂરી છે. વિલંબના કારણે માનસિક અકળામણ જણાશે. ધાર્યા પ્રમાણે સફળતા ન મળે. નિરાશા થયા વિના કોશિષ ચાલુ રાખજો. સફળતા સાંપડશે જ. નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. કોઈ અણધારી મદદ મળી રહેશે. આવકનો માર્ગ મોકળો થતાં હજી સમય લાગશે. નોકરિયાતોને આ સમય સફળતા અને યશ-માન આપશે. વિઘ્નસંતોષીઓ ફાવશે નહીં. વેપાર-ધંધાના કામકાજો વિલંબથી પતશે.

તુલા (ર,ત)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થતા ધારણ કરશે. વિપરિત સંજોગોમાંથી માર્ગ મળતાં આનંદ થશે. નાણાંકીય મામલે જણાતી તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો-સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને ઓળંગી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત સંજોગો છતાંય ડગશો નહીં. તમારી ધીરજ ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગે સંયમ જરૂરી છે. ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. અહીં જરૂરિયાતના પ્રસંગે કેટલીક ગોઠવણી કરવા માટે સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. ચોખ્ખી આવક થતી જણાતી નથી. ધીરેલાં નાણા હજુ પરત મળે નહિ. સંપત્તિની સમસ્યાઓ યથાવત્ રહેતી જણાશે. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે. પૈતૃક મિલકતનો પ્રશ્ન પણ મનને મૂંઝવશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. શુભ ગ્રહની અસરથી તમે ફરી દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. કાલ્પનિક ચિંતાના વાદળો પેદા થઈને વિખેરાશે પણ ખરા. નકારાત્મક વિચારોને છોડવા જરૂરી. અણધાર્યા ખર્ચના પ્રસંગો વધતાં નાણાંભીડ જણાય. આર્થિક સ્થિતિ અનિશ્ચિત રહેશે. આથી આગોતરું આર્થિક આયોજન કરવું જરૂરી છે.

મકર (ખ,જ)ઃ મનની મુરાદ સાકાર ન થતાં માનસિક અશાંતિ કે અજંપો વર્તાશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. જરૂરી ખર્ચા કે મૂડીરોકાણ અંગે આવશ્યક સહાય, લોન વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટકતો હશે તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં આપે માનસિક જુસ્સો જાળવવો પડશે. જો તમારા આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળે નહીં. ઉલ્ટાની નિષ્ફળતા જોવી પડે. તમારી આવકની બાજુઓ પર પણ સવિશેષ ધ્યાન આપવું રહ્યું. આ સમયમાં વધુ પડતા ખર્ચ થશે. વળી લેણી રકમો પણ મળે નહીં. જેમાંથી લાભની આશા રાખશો તેમાં વ્યથા - હાનિ થતાં જણાખાશે. નોકરી-ધંધામાં આ સમય ખૂબ જ મહેનત માગી લેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થાય. તમારા વિચારનો અમલ મુશ્કેલ જણાય. સંજોગો સુધરતા વાર લાગે. આથી સમજીવિચારીને ખર્ચ કરજો. નાણાંનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારની પરિસ્થિતિ યથાવત્ રહેશે. નવું મૂડીરોકાણ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. આર્થિક મામલે સમય પ્રતિકૂળ જણાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter