તા. ૮ મે ૨૦૨૧થી ૧૪ મે ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 07th May 2021 08:31 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ અણધાર્યા મહેમાનોની પરોણાગત કરવી પડે એવો સમય અત્યારે ચાલી રહ્યો છે. અતિ વિશ્વાસુ બનીને શેર-સટ્ટો કે લોટરી અથવા પ્રોપર્ટી પાછળ ખર્ચ કરતાં બે વખત વિચારશો. અલગ-અલગ વ્યક્તિઓની અલગ અલગ સલાહથી મન મૂંઝાયા કરશે, જેથી શાંતિ બનાવી રાખવી હિતાવહ રહેશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી છે. નોકરિયાત વર્ગને થોડીક વધુ મહેનત કરવી પડશે. કાર્યભાર વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ નાણાંકીય પરિસ્થિતિ વધુ મજબૂત બનશે. વ્યાપારિક ક્ષેત્રમાં નવા રોકાણો થકી લાભ જણાય. નવા વેપાર-ધંધાની પણ શરૂઆત શક્ય બને. નોકરીમાં પણ નવી જગ્યાઓ માટેના પ્રયત્નો સફળ થાય. જુદા-જુદા કાર્યોને લઈ દોડધામ કરવી પડે. પ્રોપર્ટીના પ્રશ્નો હલ થાય. આ સપ્તાહ દરમિયાન અનેક લાભદાયી યોજનાઓ માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. સંતાનો બાબતના પ્રશ્નોનો હલ આવતો જોવા મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ મૂંઝવણો વિના કારણ વધતી જણાશે, જેથી ચિંતાઓમાં પણ વધારો જોવા મળે. જોકે તે કામચલાઉ રહેશે. આ સમય અપયશ પણ અપાવશે, એ પણ થોડાક સમય માટે રહેશે. વધુ ઊંચી સફળતા પ્રાપ્ત કરી શકશો. અપરણિત ભાઈ-બહેનો માટે લગ્નવિષયક ચર્ચાઓમાં સફળતા મેળવી શકાય. મિલકત બાબતે નિર્ણય જોઈવિચારીને નિર્ણય કરવા. નોકરી-વ્યાપારમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે.
કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન જો થોડુંક આયોજનપૂર્વક કામ કરશો તો ફાવશો. થોડીક પણ બેદરકારી તમારા માટે નુકસાનકારક સાબિત થશે. નોકરીમાં જવાબદારીઓનું ભારણ વધતા જોવા મળે. છતાં સરળતાથી કામ કરી શકશો. વ્યાપારિક ક્ષેત્રમાં પણ આપને અનુકૂળ પરિસ્થિતિઓ મુજબ કામગીરી કરી શકશો. નવા વાહનની ખરીદી શક્ય બને.
સિંહ (મ,ટ)ઃ વ્યાપાર બાબતે ક્રમશઃ આપની પ્રગતિની અપેક્ષાઓ સફળ થાય. નાણાકીય મુશ્કેલીઓનો અંત આવતો જણાશે. આકસ્મિક ધનલાભ અથવા લોન વગેરે બાબતોમાં સરળતા થાય. નવા દસ્તાવેજી કાર્યો, મકાન-મિલકત લે-વેચમાં સફળતા મળશે. ઘરના-સમાજના ધાર્મિક અને સામાજિક પ્રસંગોને લઈ દોડાદોડી વધે. ઇચ્છાઓ પૂરી થતી જોવા મળે. પ્રિય વ્યક્તિની મુલાકાત સુખદ બની રહે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આત્મબળ અને કૌટુંબિક હૂંફથી અધૂરા કાર્યો પૂરા કરવામાં સરળતા થશે. આજ સુધી રહેલા ટેન્શન અને તણાવમાંથી આપને મુક્તિ મળશે. સ્વજનો-મિત્રોનો સાથસહકાર, અને હૂંફ મેળવી શકશો. દામ્પત્યજીવનમાં ઊભી થયેલી કડવાશ ઓછી થાય. સંતાનો મિત્રો તરફથી પણ આત્મીયતા વધે. નવી ખરીદી તથા મુલાકાત માટે પ્રવાસ કરવો પડે.
તુલા (ર,ત)ઃ સમયની સાથે ચાલવાનો યોગ ગણાય. હવે જૂની વાતોને યાદ કરીને અફસોસ ન કરતાં નવા ઉત્સાહ-ઉમંગથી કામ કરવાનું શરૂ કરી દો. નાણાકીય મુશ્કેલીઓનો અંત આવશે. અવરોધ-અડચણ દૂર થાય. મહેનત અને પુરુષાર્થ સફળતા અપાવશે. લગ્ન આડેની મુશ્કેલીઓ ઓછી થાય. નોકરી-વેપારમાં પ્રગતિકારક તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ લોખંડ અને અન્ય ભારે વસ્તુઓ તથા વાહનથી કાળજી રાખવી પડશે. વાયુપ્રકૃતિના દર્દો તથા હાડકાંના દુખાવાની ફરિયાદ વધે. નાણાકીય મુશ્કેલીઓનો હલ શોધી શકશો. જૂના લેણાં પરત મળે. સંતાન બાબતની ચિંતાઓ ઓછી થાય. ધાર્મિક - માંગલિક પ્રસંગોને કારણે આનંદિત વાતાવરણ સર્જાય. પ્રવાસ-યાત્રાનું આયોજન શક્ય બને. વધુ પડતો કાર્યબોજ થોડીક ચિંતા રખાવે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આકસ્મિક ધનલાભ અથવા કાર્યસિદ્ધિ માટેની ઉજ્જવળ તકો વધશે. પ્રોપર્ટી તથા વાહન વગેરેના પ્રશ્નોનો હલ લાવી શકાય. મહેમાનોની અવરજવર તથા નાના પ્રવાસને કારણે વ્યસ્ત રહેશો. નાણાંકીય બાબતોમાં સરળતા થાય. તંદુરસ્તી બાબતે આ સમય દરમિયાન ખાસ કાળજી રાખવી જરૂરી છે. નોકરીના ક્ષેત્રમાં જગ્યાની ફેરબદલ અથવા બઢતી શક્ય બને. વ્યાપારિક કાર્યોમાં વધુ મહેનત સાથે સફળતા મેળવશો.
મકર (ખ,જ)ઃ ધાર્મિક અને માંગલિક પ્રસંગોમાં લાગણી ન દુભાય તે માટે વાણી-વર્તનમાં ખાસ કાળજી લેવી પડશે. નોકરીમાં અવરોધો જણાય. અંગત વ્યક્તિઓ તરફથી મુશ્કેલીઓ ઊભી થતી જણાશે. વ્પાપારમાં પણ ચિંતાઓ વધશે, જેના કારણે મન ઉચાટ અનુભવશે. સંતાનોની લગ્નવિષયક બાબતમાં ચર્ચાવિચારણા આગળ વધે. પ્રવાસમાં કાળજી રાખવી હિતાવહ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય દરમિયાન ધારેલા કાર્યો પૂર્ણ કરી શકશો. સ્વજનો-મિત્રો તરફથી મદદ પ્રાપ્ત થાય. નાણાભીડ ઓછી થાય. વ્યાપારમાં થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ તે કામચલાઉ રહેશે. સંતાનોની અભ્યાસ બાબતની ચિંતાઓ દૂર થાય. મકાન-મિલકત કે કોર્ટ-કચેરીના પ્રશ્નોનો નિકાલ આવે. નોકરિયાત વર્ગને મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ કામકાજના બોજને લઈને ટેન્શન રહ્યા કરે. છતાં શુભ સમાચાર અને સ્વજનો-મિત્રોની મદદથી થોડી રાહત રહે. ગુપ્ત ચિંતાઓ ઓછી થાય આર્થિક મુશ્કેલીઓનો અંત આવે. પ્રવાસ-મુસાફરીમાં કાળજી રાખવી. ધાર્મિક તથા માંગલિક પ્રસંગોમાં નવીન ઓળખાણ લાભ અપાવે. નોકરી-વ્યાપારમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. સંતાન થકી લાભ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter