વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ બની રહેશે. લાંબા સમયથી નક્કી કરેલા ધ્યેય ઉપર કામ કરવા માટેનો ઉત્તમ સમય છે. તમારી ઇચ્છા મુજબના લાભ અને પરિણામો મળે એવા યોગો રહેશે. દરેક સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો. આર્થિક રીતે આ સમય સાનુકૂળતા વધારે તેવો જણાય. નોકરી-વ્યવસાયના કાર્યોમાં પારદર્શિતા તેમજ પ્રામાણિકતા દ્વારા કામ કરવું ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા જોવા મળે. વિદ્યાર્થીઓને આ સમય થોડો કપરો લાગશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે ગમેતેવી જટિલ સમસ્યા આવે, પરંતુ હિંમત હારશો નહીં તો ફાવશો. મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી કામગીરી કરજો. અનુભવી વ્યક્તિની સલાહ તમારા દરેક કાર્યોને સાનુકૂળ બનાવશે. નાણાકીય બાબતોના નિર્ણય થોડા ધ્યાનથી તેમજ સમજીવિચારીને લેવાની સલાહ રહેશે. વ્યવસાયમાં ભાગીદારી થકી ફાયદો થાય, પણ થોડું સમજીને આગળ વધશો. નોકરિયાત વર્ગે સહકર્મચારી સાથે મતભેદો ટાળવા પ્રયત્નો ચાલુ રાખવા. અંગત સંબંધોમાં પણ સુધારા લાવવા માટે પહેલ તમારે જ કરવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં વ્યવસાયિક કારભારમાં વધારો જોવા મળશે. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે ભારણ વધતું જોવા મળશે. જોકે સામે આર્થિક ફાયદા પણ લણી શકશો. પારિવારિક સંબંધોમાં કોઈ તિરાડ હોય તે હવે દૂર થતી જોઈ શકશો. વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન અભ્યાસમાં થોડું વધુ ધ્યાન આપવું જરૂરી છે. યાત્રા-પ્રવાસની ઇચ્છાઓ પૂર્ણ થતી જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને કાળજી અવશ્ય લેજો. બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ રાખશો તો ફાયદામાં રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમય આપના માટે ખુશી અને આનંદમાં પસાર થતો જોવા મળશે. કોઈ વગદાર વ્યક્તિઓ સાથે સમય વિતાવવાનો મોકો મળે, જેનો ભરપૂર લાભ પણ ઉઠાવી શકશો. માંગલિક પ્રસંગોમાં પણ ભાગ લઈ શકશો. આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટેના તમારા પ્રયત્નો ફળતા જોવા મળશે. વ્યવસાય કે નોકરીમાં કોઈ પણ પ્રકારના જોખમ લેવાનું ટાળજો. જે કાર્યો હાથ પર લીધા છે એને પહેલાં પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
• સિંહ (મ,ટ): સપ્તાહની શરૂઆત સકારાત્મક જણાય. અંગત કાર્યોને પૂરા કરવા માટે યોગ્ય સમય આપી શકશો. રાજકીય કામગીરી કરતા લોકોને આગળ વધવા માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નાણાકીય બાબતોમાં થોડીઘણી સમસ્યા આવે, પરંતુ તમારી સૂઝબૂઝથી એનો હલ મેળવી શકશો. વ્યવસાયિક રીતે ઘણા નવા સોપાન કરશો. લાભકારક તક મેળવશો. નોકરિયાત વર્ગને લાંબા સમયથી અટકેલા કામ આગળ વધતા જણાય. પરિવારના સભ્યો સાથે મોજમસ્તીમાં સમય પસાર થાય. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારા વણઉકેલ્યા કાર્યો તરફ થોડું ધ્યાન આપી એને કોઈ ચોક્કસ દિશામાં આગળ ધપાવવા પ્રયાસ કરજો. વ્યવસાય-નોકરીમાં યોગ્ય તકનો લાભ ઉઠાવવાનું ચૂકતા નહીં. તમારા અંગત જીવનના સ્ટ્રેસને કામ પર હાવી થવા દેશો નહીં. આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયત્નો પરિપૂર્ણ થતાં જોઈ શકશો. નવવિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ બનાવી રાખવાના પ્રયત્નો સફળ થાય. નાના પ્રવાસનું પણ આયોજન કરી શકો છો. વિદ્યાર્થી વર્ગને પરીક્ષાનું થોડું ભારણ જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ કોઈ પણ કામગીરીમાં ભાવુકતાને બદલે સમજીવિચારીને કાર્ય કરશો તો સફળતા મેળવશો. આર્થિક રીતે સમય હવે બદલાતો જોઈ શકશો. આવકના નવા સાધનો ઊભા કરવામાં સફળ થશો. બાકી લેણાં પણ પરત મેળવી શકશો. વ્યવયાસિક રીતે કોઈ નવા ઓર્ડર કે પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થાય. તમારું કૌશલ્ય અને કુશળતા દેખાડવા માટે ઉત્તમ તક છે. બિનજરૂરી વાદવિવાદથી દૂર રહેવું સલાહનીય રહેશે. નોકરીમાં જગ્યાની ફેરબદલી કે પરિસ્થિતિને અનૂકુળ બદલાવની જરૂરત રહેશે. બિનજરૂરી ખર્ચથી પણ દૂર રહેવું લાભકારી રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ વ્યવસાયિક ક્ષેત્રે આ સમયમાં ઘણી સારી ઓફર મેળવશો. સ્પર્ધાત્મક કામગીરી દ્વારા તમારી આવડત અને કુશળતા બતાવીને સારા પરિણામ મેળવી શકશો. આર્થિક રીતે આ સમયમાં બમણો લાભ મેળવી શકશો. જોકે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું તમારી બેદરકારી તમને જ નુકસાન પહોંચાડી શકે છે. નોકરીમાં પરસ્પર સંબંધોમાં નિખાલસતા તેમજ પારદર્શિતા રાખશો તો કાર્ય સારી રીતે કરી શકશો. પરિવાર સાથે પણ સાનુકૂળ સમય વિતાવી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય મેળવશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનના દરેક કાર્યોમાં શિસ્ત અને સંયમ જરૂરી છે એટલું ધ્યાનમાં રાખશો તો ફાવશો. વ્યવસાય તેમજ નોકરીના સ્થાને કેટલાક ફેરફારની જરૂર રહેશે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગે સમજદારી અને મહેનતથી કામ કરવું જરૂરી છે. સામાજિક-આધ્યાત્મિક પ્રસંગમાં હાજરી આપશો. કોઈ જૂના મિત્ર સાથેની અચાનક મુલાકાત ઉર્જાવાન બનાવશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી હવે દૂર કરવી પડે. થોડી કસરત અને ખાનપાનમાં કાળજી જરૂરી રહેશે.
• મકર (ખ,જ)ઃ નકારાત્મક વિચારોને દૂર કરી સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાથી લાભમાં રહેશે. આપના જૂના અને જટિલ પ્રશ્નો ઉકેલ લાવવા માટે થોડો વિચારસરણીમાં બદલાવ જરૂરી રહેશે. તમારા સંબંધોનો કાર્યમાં ઉપયોગ કરી સકારાત્મક પરીણામ પ્રાપ્ત કરી શકશો. પૈસાની લેવડદેવડમાં કોઈ યોગ્ય વ્યક્તિને વચ્ચે રાખી કામગીરી કરવી હિતાવહ રહેશે. નાનામાં નાની બાબતોની ચોકસાઈ રાખી કામ કરવું નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવાનો સમય દૂર નથી. વ્યવસાયિક કામગીરીમાં પણ જવાબદારી વહેંચીને કામ કરશો તો ફાયદો રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનો આ સમય વ્યસ્તતાપૂર્ણ પસાર થાય. કામગીરીની સાથે જવાબદારીનું પણ ભારણ વધતું જોવા મળશે. તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરા કરવા આ યોગ્ય સમય છે. વ્યક્તિગત કામગીરી સાથે સાથે સમાજિક તેમજ કૌટુંબિક પ્રવૃતિઓને પણ એટલું જ મહત્ત્વ આપવું પડશે. આર્થિક લેવડદેવડના કાર્યોમાં તેમજ ભાગીદારીના કાર્યોમાં બમણી ચોકસાઈ રાખી કામગીરી કરવી હિતાવહ રહેશે. પરિવાર તેમજ બળકો સાથે આનંદિત સમય વ્યતિત કરી શકશો. માતાપિતાના સ્વાસ્થ્ય સંબધી ચિંતાઓ હવે દૂર થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સ્થાનફેરના યોગો બળવાન છે. આ બદલાવ નોકરી-વ્યવસાય કે અંગત ક્ષેત્રે પણ હોઈ શકે છે. તમારો ભાવનાત્મક સ્વભાવ અને ઉદારતા જ તમારી સૌથી મોટી નબળાઈ બની શકે છે, જેનું ખાસ ધ્યાન રાખવું. વ્યવસાય-નોકરીના કાર્યો ખૂબ મહેનત માંગી લેશે. નવાં રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ સંશોધન જરૂરી રહેશે. નાણાંકીય રીતે સ્થિતિ વધુ મજબૂત બની જોઈ શકશો. વિદ્યાર્થીઓને પણ એમની મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય. બદલાતા હવામાનને કારણે થોડી શારીરિક સમસ્યાઓ જોવા મળશે.