તા. 1 એપ્રિલ 2023થી 7 એપ્રિલ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 31st March 2023 06:59 EDT
 
 

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ આપના માટે મિશ્ર પરિણામવાળું રહેશે. કામકાજને કારણે થોડા ઘણા ટેન્શન રહેશે. સામે વ્યક્તિગત જીવનમાં કોઈ શુભ પ્રસંગોને કારણે મન પ્રફુલ્લિત રહેશે. નાણાંકીય દ્રષ્ટિએ ખર્ચા વધવાની સંભાવનાઓ રહેશે. ધંધા-વ્યવસાયમાં નવી તકો તેમજ સાહસો દ્વારા પ્રગતિ થઈ શકશે. નોકરિયાત વર્ગને થોડું હજી વધુ સાચવીને આગળ વધવાની અહીં સલાહ રહેશે. નાની-મોટી પ્રવાસની ઈચ્છાઓ પૂરી થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સમય તથા ગ્રહયોગોની અનુકૂળતા જીવનમાં નવી આશાઓ લઈને આવશે. જેનાં કારણે આપનો ઉત્સાહ વધે. નવા કાર્ય સબંધી તમારા પ્રયત્નો સફળ થતાં પ્રગતિના માર્ગ ખુલતાં જોવા મળે. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ હવે આપ જોઈ શકશો. નોકરિયાત વર્ગને ગૂંચવાયેલી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ દેખાય. આપના કાર્ય થકી આપ પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ થોડી વધુ મહેનત અને કાર્યમાં સ્ફૂર્તિ બતાવવી પડશે. તમારું પૂરેપૂરું ધ્યાન તમારા કામકાજ પર કેન્દ્રિત કરવું જરૂરી જણાય. વ્યવસાય–ધંધામાં જો કોઈ નવી યોજનાઓ અમલમાં મૂકવા માંગતા હો તો એના ઉપર ગંભીરતાથી કામ લેવું પડશે. નોકરીમાં પ્રગતિના નવા શિખરો સર કરી શકાય એવી તકો હાથ લાગશે. આર્થિક વ્યવહારો સુધરતા જણાય. વિદ્યાર્થી વર્ગને કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. વિઝાને લગતાં કામકાજમાં સફળતા મળશે.
• કર્ક (ડ,હ)ઃ સમયનો ઉતાર–ચઢાવ આપના જીવનમાં પણ અનુભવી શકશો. ગ્રહદશાને આધિન થોડીઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નાણાંકીય દ્રષ્ટિએ થોડું વધારે સંભાળીને ચાલશો. હજી તમારી અપેક્ષા મુજબના પરિણામ મેળવવામાં વાર લાગશે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. કામકાજનું ભારણ વધતું જોવા મળે. પારિવારિક દૃષ્ટિકોણથી કોઈ વણઉકેલ્યા પ્રશ્નોનું અહીં નિરાકરણ આવતું જોવા મળશે. કુંવારા પાત્રો માટે જીવનસાથીની શોધખોળ પૂરી થાય.
• સિંહ (મ,ટ)ઃ સમય આવી ગયો છે કે હવે તમારી જીવનશૈલીમાં સુધારો જરૂરી રહેશે. જૂનાં વિચારોને વળગી રહેશો તો નુકશાની તમારે જ ભોગવવી પડશે. આર્થિક રીતે સપ્તાહની શરૂઆત થોડી મુશ્કેલીભરી લાગશે પરંતુ અંત તરફ કોઈ સારા સમાચાર મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા અભિપ્રાયો તેમજ તમારી સૂઝબૂઝના વખાણ થાય. કોર્ટ–કચોરીના મામલામાં થોડી રાહત થતી જોવા મળશે. પ્રવાસના કાર્યક્રમ હમણાં સ્થગિત કરવા પડે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન થોડું કામનું ભારણ વધતું જોવા મળશે, જેનાં કારણે તમારા રોજિંદા જીવનમાં તેમજ સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. થોડું પ્લાનિંગથી ચાલશો તો માનસિક તણાવમાંથી બહાર આવી શકશો. આર્થિક રીતે આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં તમારા સહકર્મચારી સાથેના સંબંધોમાં ફેરફાર જોવા મળશે. નોકરિયાત વ્યક્તિઓને તેમની કાર્યક્ષમતા ઉપર સવાલ ઊભો ના થાય તેનું ધ્યાન રાખવું.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે તમારા ગ્રહયોગોને આધિન થોડી ઘણો ઉતાર–ચઢાવ સ્વાસ્થ્યસંબંધી અથવા તો નાણાકીય રીતે જોઈ શકશો. તમારા સ્વભાવમાં પણ બદલાવ જોઈ શકશો. આવી પરિસ્થિતિમાં થોડું નિયંત્રણ તેમજ વડીલોની સલાહથી આગળ વધશો તો કોઈ મોટી મુશ્કેલીમાં ફસાવાના ચાન્સીસ રહેશે નહીં. વ્યવસાય–ધંધામાં ભાગીદારી સાથેના સંબંધોમાં બદલાવ આવી શકે છે. વિદેશ ભણવા જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીને પોતાના સ્વપ્ન સાકાર થતાં જોવા મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારો સ્વભાવ તેમજ કામ કરવાની રીતે બીજા કરતાં અલગ હોવાથી બીજાઓને આકર્ષિત કરવામાં સફળતા મેળવી શકશો. જે તમારા કાર્યક્ષેત્ર તેમજ તમારા માટે પણ ફાયદાકારક સાબિત થતું જોવા મળશે. આર્થિક પરિસ્થિતિ હજી યથાવત્ જોવા મળે. વેપારી જગતમાં કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વ્યક્તિઓને પોતાના કમ્ફર્ટ્સ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવું પડશે. માતા-પિતાના આરોગ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહ્યા કરશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી યોજનાઓ અને અનુભવ થકી કાર્યક્ષેત્ર પર સાનુકૂળતા લાવી શકશો. ધારેલા કાર્યોમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. આર્થિક ક્ષેત્રમાં હવે આપની મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળે. આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકશો. નોકરી-ધંધામાં પ્રગતિકારક તકો ઊભી થાય, જેના કારણે થોડી માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામો મેળવવા માટે થોડી વધુ મહેનતનું સૂચન છે. મકાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવતા થોડી વાર લાગશે.
• મકર (ખ,જ)ઃ માર્ગ આડેના અવરોધોને દૂર કરવા માટે હજી વધુ પ્રયત્નો તેમજ મહેનત જરૂરી રહેશે. ઉતાવળા નિર્ણયથી આપનું જ કામ બગડશે. જેથી જોઈ–જાળવીને આગળ વધવું. કોઈની સાથે વગર કારણે જીભા-જોડીમાં ન ઉતરવું. આર્થિક રીતે ખર્ચાઓને પહોંચી વળવા માટે આપે હજી વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો સાથે અણબનાવના પ્રસંગો બની શકે છે. પારિવારિક સમસ્યાઓ જાહેરજીવનમાં બહાર ન આવે તેનું ખાસ ધ્યાન રાખશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સમય હજી થોડો વધુ બેચેની તેમજ મનોવેદના વાળો રહેશે. કોઈને કોઈ કારણોસર ચિંતાઓમાં વધારો જોવા મળે. જેના કારણે આપના સ્વાસ્થ્ય ઉપર પણ અસર જોવા મળશે. થોડું વધારે સંયમ અને ધીરજથી અહીં કામ લેવું સલાહભર્યું રહેશે. નોકરી-ધંધામાં કોઈ નવી કામગીરી હાથ લેતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધશો. માનસિક ચિંતા ઓછી કરવા માટે થોડું ધ્યાન ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ લગાવશો તો રાહત પામશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ધારેલા કાર્યો અહીં સફળ થતાં જોઈ શકશો, જેના કારણે મન હળવાશ અનુભવશે. કોઈ અટકેલાં કાર્યો પણ પૂર્ણ થાય. ધંધા-વ્યવસાયમાં કોઈ અંગત વ્યક્તિઓની સલાહ થકી આપના સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાણો માટેની આવકની જોગવાઈ ઊભી કરવાના પ્રયત્નો સફળ થાય. નોકરિયાત વર્ગને પ્રગતિ તેમજ ઉપરી અધિકારી તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી શકાય. આરોગ્ય બાબતે થોડું વધુ ધ્યાન માંગી લેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter