તા. 18 મે 2024થી 24 મે 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th May 2024 08:49 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહમાં લાભ, સંતોષ અને સફળતામાં ઉત્તરોત્તર વધારો થશે. પ્રગતિકારક માર્ગ હાંસલ કરશો. જોકે અસ્વસ્થતતાને કારણે ચિંતામાં થોડોક વધારો થાય. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધશે. ઉદ્યોગ-ધંધાના ક્ષેત્રમાં જોઈતી મદદ મેળવી શકશો. નાના-મોટા રોકાણો માટે લોન સહિતની નાણાકીય વ્યવસ્થતા કરવા માટે થોડી દોડધામ કરવી પડશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આપની કારકિર્દી સંદર્ભે પ્રગતિનું સૂચન દર્શાવે છે. આપની કરિયરને લઈને મહત્ત્વના નિર્ણયો લઈ શકાય. નાણાકીય મામલે થોડા ઉતારચઢાવ જોવા મળશે. પારિવારિક સુખ-શાંતિ જાળવી રાખવા માટે વાણી-વર્તન ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. નોકરી-વ્યાપારમાં મહત્ત્વના કરારો માટે સમય સાનુકૂળ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ આપની તરફેણમાં ચુકાદો મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય આપના માટે મધ્યમ ફળ આપનારો રહેશે. આર્થિક ક્ષેત્રે થોડી ઘણી ચિંતાઓ રહેશે. સ્વાસ્થ્યલક્ષી તકલીફો દૂર થાય. નોકરીમાં બદલાવ કે બઢતીના યોગ છે. ધંધાકીય દૃષ્ટિએ થોડાં વધુ સાવચેતીના પગલાં લઈને આગળ વધવું સલાહભર્યું રહેશે. કોઈની સાથે વાદવિવાદમાં નહીં પડો તો લાભમાં રહેશો. પારિવારિક જીવનમાં સંબંધોની તિરાડ ના વધે તેનું ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ આપના માટે ફળદાયી તેમજ લાભકારક રહેશે. નવીન કારકિર્દીની શરૂઆત લાભ અપાવે. આમ છતાં તમારે સખત મહેનત પર ભાર મૂકવો અતિ આવશ્યક રહેશે. આર્થિક રીતે ક્યાંકથી ફસાયેલા નાણાં પરત મેળવી શકશો. આકસ્મિક ધન લાભ પણ થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં નવીન કાર્યોની શરૂઆત તેમજ મૂડીરોકાણ, નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. સંતાનના અભ્યાસ બાબતના પ્રશ્નોનો હલ મેળવી શકશો.
• સિંહ (મ,ટ): સારું સ્વાસ્થ્ય એક સારા અને સફળ જીવનની ચાવી છે. તમે તમારા સ્વાસ્થ્યને મામલે ઘણી ખરી નિયમિતતા અને બદલાવ લાવશો. નાણાકીય રીતે આ સમયમાં કોઈ ટેન્શન જણાતું નથી, પરંતુ કોઈ મોટા રોકાણ કરવાના હોય તો થોડો સમય થોભી જજો. વ્યવસાયિક રીતે આ સમય ઘણો ખરો તમારી તરફેણમાં રહેશે. રોકાયેલાં નાણાં પરત મળશે. નોકરીમાં તમારા વિરોધીઓ પણ તમારા પક્ષમાં આવતા જોવા મળશે. રાજકારણની દૃષ્ટિએ આ સમયમાં થોડું સાવચેત રહેવું જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય કૌટુંબિક જવાબદારી તેમજ નાણાકીય અસ્વસ્થતતાને કારણે થોડું ટેન્શન રહ્યા કરશે. થોડી સહનશીલતા અને સૂઝબૂઝ કેળવશો તો આમાંથી જલદી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગ માટે બદલીના ચાન્સીસ રહેશે. ધંધાકીય કામગીરીમાં હજી પણ મહેનત વધારે કરવી પડશે જોકે અહીં આપની કૌટુંબિક મિલકતના પ્રશ્નો હલ થતાં થોડી ઘણી મદદ મેળવી શકશો. આરોગ્ય બાબતે થોડી વધુ સાવચેતી રાખવી હિતાવહ રહેશે.

• તુલા (ર,ત)ઃ આ સમયમાં આપના ગ્રહયોગો ઘણી એવી પ્રગતિશીલ યોજનાનો માર્ગ ખુલ્લો કરી આપશે. યોગ્ય તકને ઝડપી લેશો તો ભવિષ્યમાં ફાયદો જ ફાયદો રહેશે. ધંધાકીય ક્ષેત્રે પણ નવા ધીરધાર અથવા પાર્ટનરશીપથી લાભ થાય. અહીં નોકરી કરતાં વ્યક્તિો માટે થોડીક જવાબદારીઓનુ ભારણ વધતું જોવા મળે. મિલકત-વાહનની ખરીદીની ઇચ્છાઓ પૂર્ણ થાય. સંતાનની લગ્નવિષયક બાબતોમાં આનંદના સમાચાર મળશે. પારિવારિક જીવનમાં પણ ખુશીનો માહોલ સર્જાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આપની શારીરિક-માનસિક મનોદશા ઉલ્લાસભરી રહેશે. તમે તમારી જાતને તમામ પ્રકારના તણાવથી દૂર રાખવામાં સમર્થ હશો. નાણાકીય રીતે આ સમય ઘણો સારો રહેશે. એક બાજુ તમે ખર્ચાઓ પણ ઓછાં કરશો તો બીજી તરફથી આવકના નવા સ્રોત પણ ઊભા કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં તમારી કામગીરીની સરાહના થાય. ધંધા-ઉદ્યોગો માટે પણ આ સમય મજબૂતીવાળો બને. પરિવારના સભ્યો સાથે વધુમાં વધુ સમય વિતાવી શકશો. જેના કારણે આંતરિક શાંતિનો અહેસાસ થાય. પ્રવાસની ઇચ્છાઓ પૂર્ણ થાય.

• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય આપના માટે કોર્ટકચેરી અથવા તો સરકારી કામગીરીને લઈ અવરોધો ઊભા કરવશે. દાંમ્પત્યજીવનમાં પણ થોડી વધુ કાળજી રાખવી પડે નહીં તો તિરાડની ખાઈ વધતી જોવા મળે. સમય વધુ સંઘર્ષ અને ઓછી સફળતાવાળો પુરવાર થાય. નાણાકીય રીતે સ્થિતિ યથાવત્ રહેશે, પરંતુ જો આપ કાળજી નહીં રાખો તો દેવામાં ફસાઈ શકો છો. શેર-સટ્ટા, લોટરીથી દૂર રહેવું. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો હાથ ઊંચા કરી દે એવી પરીસ્થિતિના નિર્માણની શક્યતાઓ રહેશે.

• મકર (ખ,જ)ઃ આ સમય આપના માટે શુભદાયી ફળ આપનારો સાબિત થાય. સંતો-મહાપુરુષો સાથેનું મિલન આપને નવી દિશા - નવો રાહ ચિંધશે. ધાર્મિક ક્ષેત્રે વધુ શ્રદ્ધા અને વિશ્વાસ પ્રેરતો સમય. વડીલોનો સાથ-સહકાર પણ લાભકર્તા રહેશે. જોકે ખોટા અને દેખાડો કરનારા લોકોથી સાવધ રહેવું જરૂરી. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં નવા કાર્યોના આરંભ સાથે સફળતા પ્રાપ્ત કરી શકશો. આવકના નવા માર્ગ પણ મેળવી શકાય. કુટુંબના માંગલિક પ્રસંગોને કારણે વ્યવસ્તતા વધશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ મિત્રો તથા સ્વજનો તરફથી અવરોધો ઊભા થતાં જણાય. કોઈની પણ સાથે અતિવિશ્વાસુ બની સાહસ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. દામ્પત્યજીવનની કડવાશ દૂર થતી જોવા મળે. ઉચ્ચ કોટીની વ્યક્તિઓ સાથીની મુલાકાત લાભકારક પુરવાર થાય. નાણાકીય મામલે સરળતા વર્તાય. લાંબા સમયથી અટવાયેલાં નાણાં પરત મળે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશનની ઇચ્છાઓ સાકાર થાય. વ્યવસાય-ધંધામાં રાહત સાથે સાથે નવા રોકાણો પણ શક્ય બને.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ શારીરિક તંદુરસ્તીની બાબતે આ સમય થોડી વધુ ચિંતા રખાવશે. કાર ડ્રાઇવિંગ તથા અન્ય મશીનરીને લગતા કામકાજોથી વધુ કાળજી રાખવી જરૂરી. ખોટા વ્યસનોથી દૂર રહેશો તો આપના માટે ફાયદાકારક રહેશે. બિનજરૂરી વાદવિવાદમાં ન પડલા સલાહભર્યું રહેશે. નોકરીના ક્ષેત્રમાં આપના વિરોધીઓ સામે ટકી રહેવા માટે ખૂબ પરિશ્રમ માંગી લેતો સમય. સંતાનોની ચિંતા થોડી હળવી થતી જોવા મળે. વ્યવસાય ક્ષેત્રે કોર્ટ-કચેરીના કાર્યોનો અહીં ઉકેલ જોવા મળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter