તા. 22 જુલાઇ 2023થી 28 જુલાઇ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 21st July 2023 05:12 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સમયની સકારાત્મકતાનો લાભ લઈને બાકી કામકાજ પૂર્ણ કરી શકો છો. આવકની દૃષ્ટિએ અઠવાડિયું તમારા માટે લાભદાયક રહેશે. ભવિષ્યની યોજનાઓ ઉપર પણ અમલ કરી શકશો. વ્યવાસાયિક અને અંગત સંબંધોનો તાલમેલ બનાવી રાખવા વધુ મહેનત કરવી પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય થોડો પ્રેશરવાળો અનુભવાય. સ્વાસ્થ્યની રીતે કોઈ ખાસ પ્રોબ્લેમ્સ રહેશે નહીં.

• વૃષભ (બ,વ,ઉ)ઃ મિલકત સંબંધિત કોઈ કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય તો આ સપ્તાહ દરમિયાન ઉકેલ મળશે. જોકે થોડીઘણી નુકસાની પણ સહન કરવી પડે. વ્યવસાય-નોકરીમાં કોઈ પણ નવા પ્રોજેક્ટ્સ કે રોકાણો માટે સમય સારો છે. આથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડોક તણાવ જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારું લક્ષ્ય નક્કી કરી એકાગ્રતા સાથે આગળ વધશો તો કામ કરવામાં સાનુકૂળતા રહેશે. આનંદપૂર્વક લક્ષ્યાંક હાંસલ કરી કરી શકશો. પરિવારના સભ્યોનો સાથસહકાર પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાય થકી માન-સન્માન મેળવશો. રિલેશનશીપને લગતા નિર્ણયો લેતાં સમયે વડીલોની સલાહ અચૂક સાંભળશો. સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યાઓ સતાવે. નાના પ્રવાસ - યાત્રાથી વાતાવરણ ખુશમિજાજ બને.
• કર્ક (ડ,હ)ઃ યોગ્ય સલાહ અને મદદથી જીવનમાં આગળ વધો. કોઇ કૂટેવ દૂર કરવી હશે તો તમારી સંગતમાં પણ ફેરફાર લાવવા જરૂરી રહેશે. કેવા વ્યક્તિઓ સાથે વ્યવહાર કરો છો એ પણ મહત્ત્વનું રહેશે. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર રહેશે નહીં. વ્યવસાયિક કામગીરીમાં ટાર્ગેટ પૂરા કરવા માટે મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનાવીને એ રીતે જ કામ કરવાની ટેવ પાડો. નોકરીમાં કામને લઈને ભાગદોડમાં વધારો થાય.
• સિંહ (મ,ટ)ઃ જે મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધી રહ્યા છો તો હવે એમાં સફળતા મેળવી શકશો. મનની મુરાદો પૂરી થતી જણાય. આર્થિક પ્રગતિ થતી જોવા મળે. લાંબા સમયથી અટકેલા લાભ હવે મેળવી શકશો. જમીન-મકાનને લગતા વિવાદો હવે દૂર થાય. નોકરિયાત વર્ગને બઢતીના ચાન્સીસ રહેશે. વિદ્યાર્થીઓ ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કામ કરવામાં થોડી સુસ્તી અનુભવશો. કોઇ પણ મુદ્દે ભાવુક બનીને નિર્ણય લેવાનું ટાળશો, નહીં તો તમારે જ સહન કરવું પડશે. વ્યવસાયિક રીતે પણ દરેક કાર્યોમાં જોઈજાળવીને આગળ વધવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરી તૈયારી રાખવી. અસમંજસની સ્થિતિમાં કોઈ યોગ્ય સલાહકારની મદદ લઈ આગળ વધવું. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા સતાવશે.
• તુલા (ર,ત)ઃ નકારાત્મક વિચારોને ખંખેરીને, થોડું મનન-ચિંતન કરીને યોગ્ય દિશામાં આગળ વધો. ભવિષ્યની ચિંતા કર્યા વગર તમારા વર્તમાને ઉજ્જવળ બનાવશો તો ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ થશે. આર્થિક રીતે યોગ્ય બજેટ બનાવીને કામગીરી કરવી જરૂરી. કરિયરને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની સાથે ચર્ચા-વિચારણા કરવાથી ફાયદો થાય. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડી વધુ કાળજી જરૂરી.
• વૃશ્ચિક (ન,ય)ઃ ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. જે તમને ભરપૂર ઊર્જા અને આત્મવિશ્વાસ આપી રહી છે. આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો સફળતા તમારા કદમ ચૂમશે. જોકે તમારો આત્મવિશ્વાસ અભિમાનમાં ન બદલાય જાય તેનું પણ ખાસ ધ્યાન રાખશો. આર્થિક રીતે અણધારી સફળતા હાંસિલ થાય. નોકરી-વ્યવસાયમાં તમારી કાર્યપદ્ધતિના વખાણ થતાં જોઈ શકશો. ભાગીદારીથી ફાયદો મેળવી શકશો. નવા રોકાણો પણ થાય. જમીન-મકાનની ખરીદીની ઈચ્છા પૂર્ણ થતી જોઈ શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન તમારા કાર્યોમાં સફળતા મેળવશો. તમારા ઉત્સાહમાં વધારો જોવા મળશે. આધ્યાત્મિક કાર્યો તરફ તમારું મન પરોવાય. કરિયરને લગતો કોઈ નવો અવસર પ્રાપ્ત થાય, જેના કારણે તમારો સમય વ્યસ્ત પસાર થાય. પારિવારિક જવાબદારીમાં વધારો જોવા મળશે. પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી શકશો. આર્થિક બોજો હળવો થાય. વ્યવસાય-ઉદ્યોગમાં પ્રગતિ થાય.
• મકર (ખ,જ)ઃ કોઈના પણ કારણે ગેરમાર્ગે દોરવાઈ ન જાવ તેનું ખાસ ધ્યાન રાખવું સલાહભર્યું રહેશે. તમારા કામમાં થોડી વધુ સ્ફુર્તિ લાવવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય. સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હશે તે હવે દૂર થાય. નોકરીમાં પ્રગતિકારક તકો હાથમાંથી સરી ન જાય તેનું ધ્યાન રાખજો. મકાન-મિલકત અંગેની કોર્ટ-કાર્યવાહીમાં તમારા પક્ષમાં ચુકાદો આવવાથી ટેન્શનમાં મુક્તિ મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ નવા નવા વિષયો પ્રત્યે જાણકારી મેળવવાની ધગશ અને મહેનત સફળતા હાંસલ કરવામાં સહાયક બની રહેશે. નાણાકીય રીતે કોઈની સાથેની લેવડદેવડમાં ફસાઈ જવાનું જોખમ હોવાથી ધ્યાન રાખવું જરૂરી. નોકરીમાં પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સહકર્મચારીની મદદ આવશ્યક થઈ પડશે. વ્યવસાયિક કાર્યોમાં ભાગીદારીથી ફાયદો જોવા મળે. લગ્નજીવનને સફળ બનાવવા માટે થોડું સહન કરવાનું રાખશો તો ફાવશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણા લાંબા સમયથી જે કાર્યોની પૂર્તતા ઇચ્છતા હતા તે હવે પૂર્ણ થાય. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જે તમારા માટે યાદગાર બની રહેશે. આર્થિક રીતે નહીં નફો નહિ નુકસાનની સ્થિતિ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા નિર્ણયો થકી ઘણા પોઝિટિવ બદલાવ જોઈ શકશો. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકો કાર્ય સંબંધિત ગેરસમજ સંબંધમાં પણ ખટરાગ ઊભી કરી શકે છે જેથી ધ્યાનમાં આગળ વધવું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter