ઐશ્વર્યા સાથે જેમ્સ બોન્ડ

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 16th March 2016 09:24 EDT
 
 

ઈયાન ફ્લેમિંગ નામના બડા રૂમાની લેખકના દેશ ઉર્ફે બ્રિટનમાં બેસીને જેમ્સ બોન્ડની લેટેસ્ટ ફિલ્મની રાહ જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં બોન્ડ-ભાઈનું એક ચુંબન માંડ ત્રણ સેકન્ડ માટે કટ થઈ જય એમાં તો ઈન્દ્રની અપ્સરા લૂંટાઈ ગઈ હોય એવા નિસાસા નાંખતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

વચમાં એવી વાત ઊડેલી કે જેમ્સ બોન્ડની નવી ફિલ્મમાં ઐશ્વર્યા રાય હશે! ત્યારે બધા એવી કલ્પનાઓ કરી રહ્યા હતા કે જેમ્સ બોન્ડની ફિલ્મમાં ઐશ્વર્યાનો રોલ કેવો હશે? તે ટુ-પીસ બિકીની પહેરશે કે નહિ? પણ યાર, જરા એમ તો વિચારો, કે ઐશ્વર્યા સાથે ફિલ્મમાં કામ કરતી વખતે જેમ્સ બોન્ડના શું હાલ થશે?

અસંખ્ય કોડ નંબરો

જેમ્સ બોન્ડને તેની ‘એમ’ નામની જાડી બુઢ્ઢી બોસ એક ગુપ્ત જગ્યાએ ગોઠવેલી એક ગુપ્ત મિટિંગમાં કહી રહી હશે, ‘બોન્ડ, તારું નેક્સ્ટ મિશન ઈન્ડિયામાં છે અને એ દેશમાં તારે ઐશ્વર્યા રાય નામની એક ખૂબસુરત છોકરી સાથે કામ પાડવાનું રહેશે.’

‘ઓહ ઐશ્વર્યા! એશ!’ બોન્ડ રોમેન્ટિક થઈને બોલવા લાગ્યો, ‘હું એ જ ઘડીની રાહ જોઈ રહ્યો છું, જ્યારે ઐશ્વર્યા મારી સામે હશે અને એની ભૂરી આંખોમાં આંખો પરોવીને હું કહેતો હોઈશ... માય નેઈમ ઈઝ બોન્ડ. જેમ્સ બોન્ડ!’

‘ચલ ચલ, ડાયલોગ બાજી રહેવા દે. આમેય તને આ એક ડાયલોગ સરખી રીતે બોલતાં આવડે છે. બાકીના તમામ ડાયલોગ ગોખાવતાં ગોખાવતાં બધાંનો દમ નીકળી જાય છે.’ બુઢ્ઢી ‘એમ’ તેના સફેદ વાળને સરખા કરતાં આગળ આવી અને બોન્ડના હાથમાં કાગળિયાંઓની એક થપ્પી પકડાવી દીધી. ‘હમણાં તો આ રાખ તારી પાસે.’

કાગળોમાં ઢગલાબંધ આંકડા લખેલા હતા. ‘વાઉ! આ શું છે? નવી જાતના સાંકેતિક કોડ નંબર છે? મારે તેને ઉકેલવાના છે? વાઉ!’

‘દેશી ગલૂડિયાંની જેમ વાઉં વાઉં ના કર!’ ડોશીએ તેને ટપાર્યો. ‘આ બધા મોબાઈલ નંબર્સ છે.’

‘કોના? ઈન્ડિયામાં આપણી જાસૂસીની જાળ પાથરીને બેઠેલા ઈન્ટરપોલના એજન્ટોના?’

‘ના ડફોળ,’ બુઢ્ઢીએ કડક થતાં કહ્યું ‘આ તો મુન્ના મોબાઈલ, પપ્પુ પેજર, સલીમ લંગડા, મોહન ચીકના, નદીમ કૌવા, રાજન ચીકના, ઈબ્રાહિમ ગોટલી, સલીમ બાટલી, દાઉદ ડિમ્પલ અને ઉસ્માન સિમ્પલના મોબાઈલ નંબરો છે!’

‘ઈબ્રાહિમ ગોટલી, સલીમ બાટલી... આ બધા કોણ છે?’

‘મુંબઈના ટપોરીઓ છો! અને ભાઈલોગના ખાસ આદમીઓ છે. જો તારે ઈન્ડિયામાં જઈને ઈન્ડિયાની હીરોઈન સાથે શૂટિંગ કરવું હોય તો આ બધાઓ સાથે પટાવીને કામ લેવું પડશે!’

જેમ્સ બોન્ડ તો ચક્કર ખાઈ ગયો. સાલું, ઈન્ડિયાની એક હીરોઈન સાથે કામ કરવામાં આટલા બધા ફાલતુ લોકોને સાચવવાના? પછી અચાનક તેને યાદ આવ્યું, ‘અરે, પેલા સલમાન ખાનનું શું છે? એનો નંબર આમાં છે કે નહીં?’

‘ના, સલમાન તો જાતે જ તને ફોન કરશે! ધમકી આપવા! દિવસમાં ૪૮ વખત!’

મેડમ સાથે મિટિંગ

જેમ્સ બોન્ડને હવે ચટપટી થઈ રહી હતી કે ક્યારે શૂટિંગ શરૂ થાય અને ક્યારે હું ઐશ્વર્યા પર લાઈન મારવાનું ચાલુ કરું. આફ્ટર ઓલ એ મિસ વર્લ્ડ છે યાર!

પણ હજી તો સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી હતી. જેમ્સ બોન્ડ સ્ક્રિપ્ટ રાઈટરોને જાતજાતની રીતે મસકા મારી રહ્યો હતો કે ‘જિગર, આપણું જરા જોજો હોં! થોડા નાહવાના સીન... થોડા ચુંબન સીન...’

પણ મારા બેટા સ્ક્રિપ્ટ રાઈટરો બોન્ડને ભાવ જ નહોતા આપતા. ત્યાં તો અચાનક પ્રોડયુસરનો ફોન આવ્યો. ‘બોન્ડ, તાત્કાલિક મુંબઈની ઓબેરોય-શેરેટન હોટેલમાં પહોંચી જા. ત્યાં તારી મેડમ સાથે સ્પેશિયલ મિટિંગ છે!’

બોન્ડની ખુશીનો પાર નહોતો. આખરે ઐશ્વર્યા સાથે મુલાકાત થશે ખરી! મુંબઈ એરપોર્ટ પર ઊતરતાંની સાથે જ તેણે પ્રોડ્યુસરના ઈન્ડિયન આસિસ્ટન્ટ ગેંદામલ જાંઘિયાનીને પૂછ્યું, ‘યાર સાચું કહે, મેડમે સામે ચાલીને આ મિટિંગ ગોઠવી છે?’

‘ઓફ કોર્સ વડી સાંઈ.’ ગેંદામલ બોલ્યા, ‘મેડમ કો આપસે વન-ટુ-વન મિટિંગ કરને કા હૈ!’

‘વન-ટુ-વન? મતલબ કે મેડમ અને હું એકલાં જ?’

‘ઓફ કોર્સ વડી સાંઈ,’ ગેંદામલ હસીને બોલ્યા, ‘મૈડમ કો આપસે ભોત ઈમ્પોટેન્ટ બાત કરને કા હૈ નીં?’

જેમ્સ બોન્ડને ગેંદામલનું અંગ્રેજી જરાક ખૂંચ્યું પણ છતાંય ચહેરા પર સ્માઈલ રાખીને પૂછ્યું, ‘યાર ગેંદામલ, તમને શું લાગે છે? ઐશ્વર્યા મને આ રીતે એકાંતમાં શા માટે મળવા માંગે છે?’

‘ઐશ્વર્યા?’ ગેંદામલ ગૂંચવાયા. ‘ઐશ્વર્યા નહિ, વડી સાંઈ! આપસે તો મેડમ બાત કરેંગી.’

‘મેડમ... ઐશ્વર્યા... એક જ વાત છે ને?’

‘નહીં જી!’ ગેંદામલે કહ્યું, ‘બેબી અભી આપ સે નહીં મિલેંગી. પહેલે મેડમ મિલેંગી.’

બોન્ડ હવે ગૂંચવાયો ‘બેબી?’ આમાં બેબી ક્યાંથી આવી, શું ઐશ્વર્યાએ પણ પેલી સુસ્મિતા સેનની જેમ કોઈ બેબી દત્તક લીધેલી છે?

‘આપ સમઝા નહીં વડી સાંઈ!’ ગેંદામલે ચોખવટ કરી, ‘ઈન્ડિયા મેં હીરોઈન કો બેબી કહતે હૈ ઔર હિરોઈન કી મમ્મી કો મૈડમ બોલતે હૈ!’

મેડમ સાથે સ્ટોરી સેશન

જેમ્સ બોન્ડના આખા મૂડની પથારી ફરી ગઈ, ‘અબે ગેંદામલ, મને છેક હોલિવૂડથી રાતોરાત પ્લેનમાં બેસાડીને મુંબઈ બોલાવ્યો, તે આ ઐશ્વર્યાની બુઢ્ઢી મમ્મીને મળવા માટે?’

‘એકચ્યુલી ક્યા હૈ વડી સાંઈ,’ ગેંદામલે ચોખવટ કરી. ‘મેડમ આપસે ઈશ્ટોરી સેશન કરના ચાહતે હૈ!’

‘સ્ટોરી સેશન?’ બોન્ડ ભડક્યો, ‘તારી મેડમને સ્ટોરીમાં શું સમજ પડે?’

‘ક્યા બાત કરતે હો વડી સાંઈ?’ ગેંદામલે મેડમની વકીલાત કરી. ‘હમારી મૈડમ બોત અચ્છી સ્ટોરી લિખતી હૈ જી. વો પિક્ચડ નંઈ આઈ થી, દિલ કા રિસ્તા? વો પિક્ચર કા આખ્ખા ઈશ્ટોરી હમારા મૈડમ કા હી થા નીં?’

‘હા હા દિલ કા રીશ્તા.... યાદ આવ્યું’ બોન્ડે કહ્યું ‘એ ફિલ્મ તો ઐશ્વર્યાની મમ્મીએ જ પ્રોડ્યુસ કરેલી ને?’

‘હાં વહી!’ ગેંદામલ હસ્યા ‘સબ સે પહેલે તો મૈડમ વો પિક્ચડ કા આખ્ખા ઈશ્ટોરી આપ કો સુનાયેંગા!’

‘અરે બાપ રે!’ બોન્ડ ભડક્યો. ‘એ પિક્ચર તો મહા ફ્લોપ હતું!’

‘ઈસીલિયે ના?’ ગેંદામલે કહ્યું, ‘પિક્ચડ કિસીને નંઈ દેખ્ખા ઈસી લિયે તો મૈડમ સબ કો ઉસકા ઈશ્ટોરી સુનાતા હૈ નીં?’

જોકે, પછી જેમ્સ બોન્ડે ઉસ્તાદી કરી. હોટેલમાં જતાંની સાથે કહ્યું કે, ‘મેં તો ‘દિલ કા રીશ્તા’ ચાર વાર જોયું છે!’

‘અયય્યો, રીયલ્લી?’ મેડમ ખુશ થઈ ગયાં. ‘તુમ ફોર ટાઈમ્સ ક્યોં દેખાજી? અમારા પિચ્ચર વંડરફુલ થા ઈસ લિયે?’

‘ના ના, એ વખતે હું ઈન્સોમેનિયાની ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો.’ (ઈન્સોમેનિયા એટલે ઊંઘ ન આવવાની બીમારી)

મેડમને એ જોકમાં ઝાઝી સમજ ન પડી એટલે તે બોન્ડની નવી ફિલ્મની પોતે બનાવેલી વાર્તા સંભળાવવા લાગ્યાં, ‘ઉસ મેં ક્યા હોતા જી, કે હમારા બેબી ઈન્ડિયા કા હેન્ડ્રેડ પરસેન્ટ ભારતીય સન્નારી હોતા જી, ઔર તુમ ફારીન સે ઉસ કો ઢૂંઢને કે વાસ્તે આતા જી. લેકીન યેન્ડ મેં (એન્ડ મેં) ક્યા હોતા જી, કે યુ યેન્ડ બેબી આર બ્રધર એન્ડ સિસ્ટર! તુમ દોનો ભાઈ-બહેન નિકલતા જી!’

બોન્ડનો જીવ ખાટો થઈ ગયો. ભાઈ-બહેન?

‘વોટ એ વન્ડરફૂલ આઈડિયા, નો?’ મેડમ બોલી રહ્યાં હતાં. ‘જસ્ટ લાઈક ‘હરે રામા, હરે ક્રિશ્ના’ એન્ડ ‘જોશ’ બોથ પિક્ચર્સ વેરી-વેરી સુપ્પર હીટ! યુ નો.’

ખરેખર સ્ટોરી શું છે?

હવે જેમ્સ બોન્ડની ખોપડી હટી ગઈ. સીધા હોલિવૂડમાં જતાંની સાથે તેણે પ્રોડ્યુસરના ટેબલ પર મુઠ્ઠી પછાડીને પૂછ્યું, ‘આખરે આ ફિલ્મની વાર્તા શું છે?’

ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટરોએ બોન્ડને આપેલી વાર્તા સંભળાવી. ‘દરેક બોન્ડ ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ એક એવો ખતરનાક વિલન છે જે આખી દુનિયાને ખતમ કરવાનો પ્લાન ઘડીને બેઠો છે. એ વિલન ઈન્ડિયાના ચાલુ યાદવ જેવો ખંધો અને લુચ્ચો રાજકારણી છે.’

‘અને દુનિયાને ખતમ કરવા માટે તેની પાસે કયું હથિયાર છે?’

‘ભ્રષ્ટાચાર!’ લેખકોએ કહ્યું, ‘ચાલુ યાદવ નામના આ કૌભાંડી નેતાએ એક એવા ચેપી રસાયણની શોધ કરી છે, જેના વિષાણુઓ હવામાં પણ ચેપ ફેલાવી શકે છે. આ વિષાણુયુક્ત હવા શ્વાસમાં જતાં જ તે સીધી મગજને અસર કરે છે અને માણસો દહાડે-દહાડે વધુ ને વધુ ભ્રષ્ટાચારી બનવા લાગે છે.’

‘માણસો ભ્રષ્ટાચારી બને તેમાં દુનિયાને શું ખતરો હોઈ શકે?’

‘તમે સમજતાં નથી.’ સ્ક્રિપ્ટ રાઈટરોએ સમજાવ્યું, ‘આજે અમેરિકા, યુરોપ કે બીજા પ્રગતિશીલ દેશોમાં ભ્રષ્ટાચારી લોકો નથી, પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર આટલો ઝડપથી ફેલાવા લાગશે તો બધા દેશના અર્થતંત્રો ભાંગી પડશે!’

‘તો શું થયું?’ બોન્ડે સવાલ કર્યો, ‘ભારતમાં તો વરસોથી ભ્રષ્ટાચાર છે. શો ફેર પડ્યો?’

‘એ જ વાત છે ને?’ સ્ટોરીનું સસ્પેન્સ હવે આવ્યું, ‘વિદેશીઓ તો ભ્રષ્ટાચારમાં નવા નિશાળિયા જેવા હશે, જ્યારે ઈન્ડિયનો તો આના કારણે એવા ખડ્ડુસ થઈ જશે કે આખી દુનિયામાં બેફામ ભ્રષ્ટાચાર કરીને એ લોકો જ રાજ કરતા થઈ જશે!

ન્યૂડ સીનનું શું?

‘આ સ્ટોરી તો જાણે સમજાઈ ગઈ.’ બોન્ડે કહ્યું, ‘પણ આમાં પેલા બધા ન્યૂડ સીન શી રીતે આવશે?’

‘અરે બહુ બધા ન્યૂડ સીન જોવા મળશે!’

‘કેવી રીતે?’

‘આપણે ઈન્ડિયામાં ઐશ્વર્યા રાય સાથે શૂટિંગ કરવા જઈશું કે તરત જ આપણી ચારેબાજુ શિવ સેના અને બજરંગ દળના ટોળાંબંધ સ્વયંસેવકો માત્ર ચડ્ડી પહેરીને દેખાવો કરવા આવી પહોંચશે!’

•••

લ્યો ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનવાળી આ ફિલ્મ તમારે ન્યાં આવે ત્યારે જોઈને અમને કે’જો કે કેવી લાગી! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter