સાયબર યુગનું ‘શોલે’!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 23rd March 2016 08:56 EDT
 
 

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

સામાન્ય રીતે કોઈ પિક્ચર સુપરહીટ જાય કે તરત તેની પેરોડી લખવામાં આવે છે, પરંતુ ‘શોલે’ની પેરોડી છેક ચાળીસ વરસ પછી પણ કરી શકાય છે. જરા વિચારો, આજના ઈન્ટરનેટના સાયબર યુગમાં ‘શોલે’ બને તો કેવું હોય?....

દૃશ્ય-૧

રેમગઢના લોકો ત્રાસી ગયા છે, કારણ કે ગડબડસિંહ નામનો એક હેકર રેમગઢના લોકોની વેબસાઈટોમાં ઘૂસ મારીને તેમનાં બધાં ઈ-મેઈલ એકાઉન્ટો અને ઈ-ટ્રાન્ઝેક્શનોમાંથી ચોરી કરતો હોય છે. રેમગઢનો ઠાકુર નામનો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ગડબડસિંહથી તંગ આવીને વીરુ અને જય નામના બે પાયરસી ચેમ્પિયનોને બોલાવે છે. વીરુ અને જય ઉપર માઈક્રોસોફ્ટ કંપનીએ કેસો કરેલા છે, પણ બંને ભાગતા કરે છે.

ઠાકુર આ બંને જણાને પહેલી વાર એક સાયબર કાફેમાં મળ્યા હતા, જ્યાંથી આ બંને જણે ઠાકુરને ‘ટેલિફોની’ દ્વારા છેક લંડનમાં મફતના ભાવે વાતચીત કરાવી આપી હતી. પણ અત્યારે વીરુ અને જય જેલમાં છે. તેઓને જેલમાં કયા કારણે જવું પડ્યું હતું? ફ્લેશ-બેકની ચાંપ દાબવાથી તેમની હિસ્ટ્રી મળશે.

દૃશ્ય-૨

વીરુ અને જયનો ફ્લેશબેકઃ

આ બંને ગઠિયાઓ બાઝી ડોટકોમ ઉપર એક આરબ શેખને આખેઆખું ઈન્ડિયા વેચવાનો સોદો કરી રહ્યા હતા. તે વખતે આ ગઠિયાઓ એક સરકારી સ્કીમના ઈન્ટરનેટ કાફેમાં બેઠા હતા, પરંતુ ત્યાં બીએસએનએલની સર્વિસ એટલી ભંગાર હતી કે સોદો થાય એ પહેલાં જ બધાં કમ્પ્યુટરો હેન્ગ થઈ ગયાં!

છેવટે વીરુ અને જય સાયબર કાફેના કેશ કાઉન્ટર ઉપર ધાડ પાડે છે અને ત્યાંથી ૧૨૭ રૂપિયા ૭૫ પૈસાની હાર્ડ કેશ લૂંટીને ભાગી જાય છે. ભાગતાં ભાગતાં તેઓ તેમનું ફેવરીટ કમ્પ્યુટર સોંગ ગાઈ રહ્યા છેઃ

‘યે ‘ડોસ-કી’ હમ નહીં છોડેંગે.... તોડેંગે પાસવર્ડ મગર, તેરી ચેટ ના છોડેંગે...’

દૃશ્ય-૩

વીરુ કહે છે, ‘ગડબડસિંહ આપકો મિલ જાયેગા. મગર પૈસા ક્યા મિલેગા?’

ઠાકુર કહે છે, ‘હું તમને એક વરસનો ફ્રી ઈન્ટરનેટ ટાઈમ આપીશ. ૪૦ એમબીની ફ્રી સ્પેસ આપીશ અને રિલાયન્સના મોબાઈલની સ્કીમ આપીશ.’

જય અને વીરુને લાગે છે કે આ તો બનાવવાની વાતો કરે છે એટલે ઠાકુરના ગયા પછી તેઓ ઠાકુરના જ ઈ-એકાઉન્ટમાં ઘૂસીને લૂંટ કરવાનું નક્કી કરે છે. ઠાકુરના ઈ-એકાઉન્ટમાં ઘૂસવા માટે તેઓ જાતજાતના પાસવર્ડ અજમાવી રહ્યા છે. ‘આઈ હેટ ગડબડ,’ ‘ગડબડ કી બજા,’ ‘બેડ-ગડબડ’, ‘ગડબડ?’ ‘ફૂદીન હરા’ વગેરે... પરંતુ એકેય પાસવર્ડ લાગતો નથી.

ત્યાં ઠાકુરની વિધવા વહુ જાવા ભાદુરી આવી પહોંચે છે. તેને જોતાંની સાથે જ જય બોલી ઊઠે છે, ‘વાહ ક્યા વિન્ડો હૈ, આઈ મિન, ક્યા વિડો હૈ!’

જાવા ભાદુરી તેમને અસલી પાસવર્ડ આપે છેઃ ‘મેરી ઉંગલી દે દે!’ પાસવર્ડનો અસલી મતલબ સમજ્યા વિના બંને જણા ઠાકુરના ઈ-એકાઉન્ટમાં ઘૂસ મારે છે, પરંતુ તેમને વોર્નિંગ વાંચવા મળે છે કે ‘તમારું છેલ્લાં બે વરસનું પેમેન્ટ બાકી છે, એ ભરો પછી જ તમારો એકાઉન્ટ ચાલુ થશે!’

દૃશ્ય-૪

છતાં જય પેલી વિન્ડો સોરી, વિડોના પ્રેમમાં પડી ગયો છે. એટલે તેઓ ઠાકુરની સોપારી લઈ લે છે. જય પોતાના પ્રોગ્રામ વડે ગડબડસિંહનો ઈ-મેઈલ એકાઉન્ટ બ્લોક કરી નાંખે છે. જોકે ગડબડના છેલ્લા ઈ-મેઈલ પર જયની નજર પડે છે ત્યારે તે ચોંકી જાય છે. ગડબડસિંહ જાવા ભાદુરી પાસે ઈ-મેઈલ દ્વારા બ્લાઈન્ડ ડેટ માગતો હતો!

છેવટે ગડબડ આ કારસ્તાનની છંછેડાઈ જાય છે. તે એના ઓપરેટરોને પૂછે છે, ‘કિતને કમ્પ્યૂટર થે?’

‘દો સરકાર... મગર પેન્ટિયમ - એઈટ!’

‘ઔર તુમ્હારે કિતને થે?’

‘તીન... મગર થ્રી એઈટ સિક્સ!’

‘ફિર ભી વાપસ આ ગયે? ક્યા સોચ કર વાપસ આયે? કે ગડબડ તુમ્હે ફ્રી ઈન્ટરનેટ ટાઈમ દેગા? ઈસ કી સજા મિલેગી, બરોબર મિલેગી!’ એમ કહીને ગડબડસિંહ પેલા ત્રણ જણાના કમ્પ્યુટરોમાં એવો વાયરસ ઘુસાડી દે છે કે ત્રણેની હાર્ડ ડીસ્ક જામ થઈ જાય છે. છેલ્લે ગડબડસિંહ ડાયલોગ મારે છે ‘અબ તક તુમ્હારે કમ્પ્યૂટર હેંગ હોતે થે, અબ તુમ ભી હેંગ હો જાઓ!’

દૃશ્ય-૫

રેમગઢમાં એક સીટી બસ ફરતી હોય છે. એ બસની રૂપાળી ડ્રાઈવરનું નામ છે બસ-આન્ટી! વીરુ આ બસ-આન્ટીના પ્રેમમાં પડી જાય છે. તે તેની સાથે નેટ પર ચેટ કરવા માગે છે, પણ બસ-આન્ટીને ઈન્ટરનેટનો કક્કો પણ આવડતો નથી.

આથી વીરુ ચાન્સ મારીને બસ-આન્ટીને સાયબર કાફેના એક ખૂણામાં લઈ જઈને સર્ફિંગ કરવાનું શીખવવા લાગે છે. બસ-આન્ટી કમ્પ્યૂટરની બાબતમાં સાવ બાઘી છે. વીરુ તેને પોતાના ખોળામાં બેસાડીને કહે છે, ‘જો આને લેપટોપ મોડેલ કહેવાય.’

દૃશ્ય-૬

વીરુ અને બસ-આન્ટી એકબીજાના પ્રેમમાં પડી જાય છે. પરંતુ બસ-આન્ટીની માઉસીને આ ‘બેડ-કનેક્શન’ લાગે છે. માઉસી વીરુને ‘એક્સેસ ડિનાઈડ’ કહી દે છે એટલે વીરુ રેમગઢના ઊંચામાં ઊંચા મકાન પર ચઢી જાય છે. એટલું જ નહિ તે ધાબા પર ગોઠવેલા ડીશ-એન્ટેના પર લટકી પડે છે અને ધમકી આપે છે. ‘માઉસી... અગર તુમને બસ-આન્ટી કા હાથ મેરે હાથ મેં નહીં દિયા તો મેં તુમ્હારી સાઈટ પર કોર્ટ કેસ ‘સુ’ કર દૂંગા. ઈસ સે તુમ્હારી સાઈટ ‘સુ-સાઈટ’ હો જાયેગી. ફિર તુમ જેલ મેં બેઠક કર પી.સી.ઈંગ કરતી રહેના...’

દૃશ્ય-૭

ગડબડસિંહના આખા ઈન્ટરનેટ નેટવર્કમાં વાયરસ ઘૂસાડવા માટે વીરુ અને જય છ છ રાતના ઉજાગરા કરીને ૨,૫૯,૦૦૦ લાઈનનો પ્રોગ્રામ બનાવે છે. સવાર પડવા આવી છે. ઠાકુર આવીને પૂછે છે, ‘તુમને ક્યા કિયા હૈ?’

વીરુ કહે છે ‘બસ આખો વાયરસ પ્રોગ્રામ તૈયાર છે. તમે આ એક ચાંપ દાબીને આખો પ્રોગ્રામ સેવ કરી નાંખો.’

પણ ઠાકુર આંગળી દબાવતા નથી. એટલામાં રેમગઢનો પાવર સપ્લાય અડધી સેકન્ડ માટે ખેંચાઈ જાય છે. પાછો પાવર આવે ત્યાં સુધીમાં આખો પ્રોગ્રામ ઊડી જાય છે અને કમ્પ્યૂટર એકડે એકથી રિ-સ્ટાર્ટ થઈ રહ્યું છે!

વીરુ અને જય ગાંડા થઈ જાય છે ‘ઠાકુર.. તમે સેવની ચાંપ કેમ ન દબાવી?’

ઠાકુર તેના બંને હાથની કપાયેલી આંગળીઓ બતાવીને કહે છે, ‘ગડબડને મેરી સારી ઊંગલીયાં કાટ દી હૈ, મેં સિર્ફ સ્પેસ-બાર દબા સકતા હૂં!’

દૃશ્ય-૮

રેમગઢના સૌથી હોંશિયાર પ્રોગ્રામરને સિલીકોન વેલીમાં નોકરી મળે છે. તે પોતાના સ્કુટી પર બેસીને એરપોર્ટ પર પોતાની ફ્લાઈટ પકડવા જતો હોય છે ત્યાં રસ્તામાં ગડબડસિંહના ઓપરેટરો તેને આંતરીને પકડી લે છે. છોકરાને ગડબડસિંહ પાસે લાવીને ઓપરેટરો પૂછે છે, ‘બોસ, ઈસ કા ક્યા કરેં?’

ગડબડ કહે છે, ‘ઈસ કે બ્રેઈન મેં સે સારી મેમરી ડિલીટ કર દો.’

પરંતુ જીવતાજાગતા માણસના મગજમાંથી મેમરી કાઢી શી રીતે નાંખવી? છેવટે ગડબડસિંહ કહે છે ‘એક કામ કરો. ઈસ કા બ્રેઈન-વોશ કર ડાલો.’

આ કામ સહેલું હતું. ગડબડના ચમચાઓ નરેન્દ્ર મોદીનાં ભાષણોની ટેપ લઈ આવે છે અને પછી છોકરાના કાને હેડ ફોન ફીટ કરીને ફુલ-વોલ્યુમમાં સેંકડો વાર વગાડે છે. બિચારા છોકરાની તમામ મેમરી વોશ થઈ જાય છે.

જ્યારે તે ગામડામાં પાછો આવે છે ત્યારે વારંવાર એવું બબડ્યા કરે છે કે ‘કોમ્પ્યુટર કેવું હોય?’ ‘શું તે કેલ્ક્યુલેટરનું બચ્ચું કહેવાય?’ કે ઈનલેન્ડ લેટરનો ભાઈ કહેવાય? ના ના, કદાચ એ કન્ડક્ટરનો કાકો હશે!’

આ સાંભળીને બસ-આન્ટી બોલી ઊઠે છે, ‘જોયું? છોકરાને એપ્ટેકનો કોર્સ કરાવો કે સરકારી એમસીએસનો, પૈસાનું પાણી જ થતું હોય છે!’

છોકરાના પપ્પા એ. કે. હંગ હોય છે (કારણ કે એમનું કોમ્પ્યુટર દર ત્રીજી મિનિટે હેંગ થઈ જાય છે) તે આવીને કહે છે, ‘ઈતના સન્નાટા ક્યું હૈ ભાઈ!’ મેરા એમપીથ્રી ભી નહીં બજ રહા!’

દૃશ્ય-૯

આખરે ક્લાઈમેક્સમાં ગડબડસિંહના માણસો બસ-આન્ટીના ફોટાને સ્પેશિયલ ઈફેક્ટ કરીને પોર્નોગ્રાફીની સાઈટ પર ચડાવી દે છે. આ જોઈને વીરુ આગબબૂલો થઈને ગડબડસિંહના છૂપા સાયબરડ્રોમ પર હુમલો કરે છે. પણ તે પકડાઈ જાય છે. ગડબડસિંહના માણસો જાવા ભાદુરીના ફોટા પણ એ જ રીતે પોર્નોસાઈટ પર ચડાવે છે. પણ જય આ ફોટા જોઈને ગડબડના અડ્ડા પર હુમલો કરવાને બદલે જાવા ભાદુરીની પાછળ ઘેલો થઈને ગાવા લાગે છે, ‘રૂપ તેરા મસ્તાના...’

હવે ઠાકુરને થાય છે કે મારે જ કંઈક કરવું પડશે. તે ગડબડસિંહના બધા જ માણસોના ઈ-મેઈલ એડ્રેસ પર એક સરકારી જાહેરખબર ફોરવર્ડ કરે છે. એ જાxખ એવી હોય છે કે સરકારને એક નવા ડિપાર્ટમેન્ટમાં એક સાથે ૩૦૦ જણાને ભરતી કરવાના છે. અનુભવ થોડો હોય તો પણ પગાર ચિક્કાર મળે અને નોકરીમાં જોડાયા પછી કામ કંઈ જ નહિ કરવાનું! ગડબડના માણસો રાતોરાત નોકરી લેવા માટે નાસી જાય છે!

હવે ઠાકુર ગડબડસિંહના અડ્ડામાં આવે છે. બિચારો ગડબડ બેહાલ થઈ ગયો છે. તે પૂછે છે ‘મેરે સબ હેકર્સ કહાં ચલે ગયે?’

‘ગવર્મેન્ટ કે એન્ટી-સાયબર-ક્રાઈમ ડિપાર્ટમેન્ટમેં!’ ઠાકુરના ચહેરા પર વિજયનું સ્મિત આવે છે.

•••

લ્યો બોલો, સાઈબર-ક્રાઈમું કેટલા વધી ગ્યા છે! પણ અમારા ઈન્ડિયામાં તો એમ જ હાલવાનું! લ્યો ત્યારે, ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter