૨૦૨૬માં બધાં ક્યાં હશે?

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 09th March 2016 03:13 EST
 
 

અમને તો સાયન્સ ફિક્શન જેવી લાગે એવી ચકાચક દુનિયામાં રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ફ્યુચર તો છોડો ‘પાસ્ટ’ જ હજી ખતમ થાતો નથી એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

૨૦૨૬ વાત કરીએ તો આટલાં વર્ષો પછી તો અમે બધા ત્યાંના ત્યાં જ હોઈશું જ્યાં વર્ષો પહેલાં હતા! પરંતુ આ બધા મહાનુભાવો ક્યાં હશે? જુઓ એક ફ્લેશ-ફોરવર્ડ...

જયલલિતા

જયલલિતા નવા નવા રેકોર્ડ તોડશે. અમ્માનું વજન હાથીના બચ્ચાના સરેરાશ વજન કરતાં ૨૫ કિલો વધારે હશે. સિંગાપોરના સેન્તોસા આઈલેન્ડના પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલયમાં પરમેનન્ટલી રહેવા માટે જયલલિતાને આમંત્રણ મળશે! જયલલિતા હા પાડશે. પણ એક જ શરતે. ઈન્ડિયાથી સિંગાપોર શીપિંગ કરીને પોતાને લઈ જવાનો કોન્ટ્રાક્ટ પોતાને જ મળવો જોઈએ!

દરમિયાનમાં જયલલિતા પાસે એટલી બધી સાડીઓ થઈ ગઈ હશે કે તામિલનાડુના કુલ ક્ષેત્રફળ કરતાં સાડીઓનું ક્ષેત્રફળ વધી જશે!

લાલુ યાદવ

લાલુ યાદવ પોતાના આઠમા નંબરની દીકરીનાં લગ્ન એટલી ધામધૂમથી કરશે કે આખા બિહારના અર્થતંત્રમાં તેજી આવી જશે! બધા જ નિમંત્રિત વીઆઈપીઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સ્ટેજ પર ઉતરશે. આના કારણે એટલાં બધા હેલિકોપ્ટરો ઊડતાં દેખાશે કે નવાઝ શરીફ ફરિયાદ કરશે કે બિહારમાં લગ્નને બહાને લશ્કરી કવાયત ચાલી રહી લાગે છે!

લાલુ યાદવ તે વરસે એક અંગ્રેજી ડિક્શનરીનું વિમોચન પણ કરશે!

સોનિયા ગાંધી

સોનિયા ગાંધીનું હિન્દી આ દસ વરસમાં એટલું સુધરી જશે કે તે વાજપેયીની જેમ શુદ્ધ હિન્દીમાં ભાષણ કરતાં કહેશે, ‘પિછલે દસ વર્ષ કે કઠિન સંઘર્ષ ઔર નિયમિત અભ્યાસ કે પશ્ચાત આજ મૈં આત્મવિશ્વાસ કે સાથ કહ સકતી હૂં કિ મેરા હિન્દી અટલ બિહારી વાજપેયી જૈસા હો ચુકા હૈ, પરંતુ મેરે હૃદય મેં ગ્લાનિ કેવલ ઈસી બાત કો લેકર હૈ કિ આજ ભારત કી રાષ્ટ્રભાષા હિન્દી નહીં, અંગ્રેજી હો ગઈ હૈ!’

લાલ કૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી પણ અનોખો રેકોર્ડ કરશે. ૧ લાખ ૮૬ હજાર માઈલની રથયાત્રા કરવાનો રેકોર્ડ!

વાત એમ બનશે કે ક્યારે મોદી હટે, ને ક્યારે હું વડા પ્રધાન બનીને પેલી ૧૨ કરોડની બીએમડબલ્યુ કારમાં બેસું તેની રાહ જોતાં જોતાં વરસો નીકળી જશે. છેવટે જ્યારે મોદી જશે ત્યારે ભાજપની સત્તા પણ જતી રહી હશે. એટલે અડવાણી રાણા પ્રતાપની જેમ હાથમાં તલવાર લઈને સોગંદ લેશે કે જ્યાં લગી હું વડો પ્રધાન બનીને બીએમડબલ્યુમાં ન બેસું ત્યાં લગી હું રથયાત્રા કરતો રહીશ!

ટાટા કન્વર્ટીબલને રથમાં કન્વર્ટ કરીને તેના વડે ૧ લાખ ૮૬ હજાર માઈલની યાત્રા કર્યા પછી પણ ૨૦૨૬માં અડવાણીની રથયાત્રા ચાલુ જ હશે!

જ્યોર્જ બુશ

બુશ ત્યાં સુધીમાં ગાંડા થઈ ગયા હશે, અને અમેરિકામાં ઘેર ઘેર ભટકતા હશે. બધાનાં ઘરે જઈને તે કહેતા હશે, ‘તમે તમારા ઘરમાં હથિયારો સંતાડી રાખ્યાં છે! મને જોવા દો નહિતર હું તમારી બારીઓના કાચ ફોડી નાંખીશ!’

સદ્દામ હુસૈન

૨૦૨૬માં સદ્દામ હુસૈનનો સાતમો ડુપ્લિકેટ સંતાતો ફરતો હશે. (એને ડર હશે કે અમેરિકા મને પણ ફાંસીએ ચડાવી દેશે!)

માયાવતી

માયાવતી ૨૦૧૭માં હજી ટૂંકા વાળ કપાવશે. ૨૦૨૦માં એનાથી પણ ટૂંકા વાળ કપાશે. ૨૦૨૨ મૂંડો કરાવી નાંખશે અને ૨૦૨૬માં તે કોઈ બનાવટી ચોટલા બનાવનારને પરણી જશે.

આમીર ખાન

દેશમાંથી હડે હડે થઈ ચૂકેલો આમીર ખાન તેની પહેલી અને એક માત્ર ફિલ્મ ‘લગાન’ વડે લાઈમલાઈટમાં રહેવા માટે ફાંફા મારતો હશે. ‘લગાન’ની ક્રિકેટ ટીમ ધોતિયાં પહેરીને સ્વિત્ઝર્લેન્ડની ટીમ સાથે બરફના મેદાનમાં રમશે, પાંદડા પહેરીને આફ્રિકાના આદિવાસીઓ સાથે જંગલોમાં રમશે અને સાડી પહેરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે ગરબાના ગ્રાઉન્ડમાં મેચો રમશે... જેથી ‘લગાન’ બ્રાન્ડ સાંઠીકડાંના પેડ, ધોકા જેવા બેટ અને બળતણનાં લાકડાં જેવા સ્ટમ્પનું વેચાણ વધે અને સાથે સાથે ‘વર્સ્ટ’ ફિલ્મ ફ્રોમ થર્ડ વર્લ્ડ કન્ટ્રી’નું ઓસ્કર નોમિનેશન મળે!

સલમાન ખાન

૨૦૨૬ સલમાન આખેઆખો બદલાઈ જશે. તેના માથા પરથી બધા વાળ ખરી જશે અને છાતીમાં ઊગી જશે. આંખો ઊંડી ઊતરી જશે અને ફાંદ ફૂલી જશે. તે શમ્મી કપૂર જેવી દાઢી વધારશે અને શમ્મી કપૂર જેવા જ રંગીન ઝભ્ભા પહેરતો થઈ જશે અને આ બધાનું કારણ ઐશ્વર્યા હશે. કારણ કે તેણે ઐશ્વર્યા સાથે લગ્ન કરી લીધાં હશે.

(ઐશ્વર્યા સાથે પરણવાથી કોઈ આટલી હદે બરબાદ કેમ થઈ જાય તે જાણવા માટે માત્ર અભિષેકની કરિયર જોવાની જરૂર નથી... આગળ ઐશ્વર્યાનું મેટર વાંચો.)

ઐશ્વર્યા રાય

ફ્રાન્સ, જર્મની અને અમેરિકાના વૈજ્ઞાનિકો ઐશ્વર્યાના શરીરનો અભ્યાસ કરીને તેને અમર બનાવવા માટેની ફોર્મ્યુલા શોધવા તનતોડ મહેનત કરી રહ્યા હશે, કારણ કે ૨૦૨૬ સુધીમાં એ વૈજ્ઞાનિકોને ખબર પડી ચૂકી હશે કે ઐશ્વર્યા પ્લાસ્ટિકની બનેલી છે! (બિચારા સલમાનને ૨૦૦૯માં ખબર પડેલી.)

એકતા કપૂર

‘સાસ ભી કભી બહુ થી’ ત્યારે પણ ક્યાંક ચાલતી હશે. ૨૦૨૬માં તેની સ્ટોરી અચાનક ૧૪૦ વરસ આગળ વધી જશે અને તુલસીની વહુની, વહુની, વહુની વહુની, વહુની.... સાસુની, સાસુની, સાસુની, સાસુની, સાસુનો રોલ ખુદ તુલસી જ કરતી હશે!

તુલસી ઉપરાંત એ સિરિયલમાં ફૂદીનો, ધાણા, મેથીની ભાજી અને મીઠો લીમડો નામનાં પાત્રો પણ બહુ લોકપ્રિય થઈ ગયાં હશે.

•••

લ્યો બોલો, તમે ૨૦૨૬માં શું કરતા હશો? કારણ કે અમે તો આંયાં જ હોઈશું! ઝીંકે રાખો બાપલ્યા, આયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter