અનીના હત્યારા વિશે ખોટાં તારણો પર આવ્યાનો નિષ્ણાત સાક્ષીનો એકરાર

Saturday 06th December 2014 05:11 EST
 
 

દેવાણીના વકીલ પીટર બોથા દ્વારા કડક ઉલટતપાસમાં એન્જલબ્રેખ્તે સ્વીકાર્યું હતું કે હત્યારાએ પાછળના ખુલ્લાં દરવાજામાંથી ગોળી મારી હોઈ શકે. તેણે એવી પણ કબૂલાત કરી હતી કે દંપતીની ટેક્સીનું મેઝરમેન્ટ લેવામાં તે નિષ્ફળ રહ્યા હતા અને અલગ જ કારમાં હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરવા ઉપરાંત, ઘટનાને ચાર વર્ષ વીતી ગયાં છતાં હોસ્પિટલમાં મોતના એક દિવસ અગાઉ જ મ્નજેનીના હાથની માપણી કરી હતી. અત્યાર સુધી એમ મનાતું હતું કે બ્રેઈન ટ્યુમરગ્રસ્ત મ્નજેનીએ જ અનીને ગોળી મારી હતી. જોકે, શ્રીયેન દેવાણીના વકીલોએ હત્યાની રાત્રિનું અલગ જ ચિત્ર દર્શાવતાં દાવો કર્યો હતો કે મ્નજેનીના પાર્ટનર મ્ઝિવામડોડા ક્વાબેએ કારની બહાર ઉભા રહી ક્લોઝ રેન્જથી ગોળી મારી હતી. ક્વાબેના ગ્લોવ્ઝમાંથી મળેલાં ગન પાવડરના અવશેષોએ આ દાવાને પુષ્ટિ આપી છે. શ્રીયેન વિરુદ્ધ પૂરાવા આપવાના બદલામાં ક્વાબે અને ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોની સજા ઘટાડવામાં આવી હતી.

ગે એસ્કોર્ટ લીઓપોલ્ડની જૂબાની અમાન્ય ગણાવાઈ

જર્મન માસ્ટર તરીકે ઓળખાતા સજાતીય એસ્કોર્ટ લીઓપોલ્ડ લેઈસ્સર દેવાણી મર્ડર ટ્રાયલમાં સાક્ષી તરીકે અમાન્ય ગણાયો છે. જજ જેનેટે ચુકાદો આપ્યો હતો કે શ્રીયેન દેવાણી સાથે લીઓપોલ્ડના સજાતીય સંબંધોની જૂબાની કેસ સાથે અપ્રસ્તુત છે. લીઓપોલ્ડે કોર્ટ સમક્ષ નામ અને કાર્ય વિશે પુષ્ટિ આપી હતી અને દેવાણી સાથે સંબંધો વિશે વાત કરી હતી. જજે કહ્યું હતું કે યુકેમાં ગે એસ્કોર્ટ તરીકે કામ કરતી વ્યક્તિને તે જાણતી ન હોય તેવી બાબતો વિશે પૂછી શકાય નહિ. આ ચૂકાદાથી પ્રોસીક્યુશન પક્ષને મોટો ફટકો પડ્યો છે.

દેવાણી હાઈજેકિંગના શિકાર જેવો લાગતો ન હતો

શ્રીયેન દેવાણીને હાઈજેક કરેલી કારમાંથી ફેંકી દેવાયા પછી તેને જોનારા પ્રથમ પોલીસ કર્મચારીઓમાંના એક પોલીસમેને જણાવ્યું હતું કે દેવાણી લૂંટનો શિકાર બન્યો હોય તેમ લાગતું ન હતું. તે ઘણો નર્વસ હતો. પોલીસ તેની પત્નીને બચાવવા શું કરી રહી છે તેવો સ્વાભાવિક પ્રશ્ન પણ તેણે કર્યો ન હતો, જે વિચિત્ર હતું. કોર્ટમાં જજ સમક્ષ જૂબાનીમાં સાર્જન્ટ કોર્નેલિયસ મેલેટે જણાવ્યું હતું કે દેવાણીના વસ્ત્રો સ્વચ્છ હતા તેમ જ તેને ઈજા થયાનું જણાતું ન હતું. કેપ ટાઉન નજીકની ખાયેલિસ્ટા ટાઉનશિપના અનુભવના આધારે કોઈ જાતની ઝપાઝપી વિના આ વ્યક્તિ લૂંટમાં સંકળાયો હોય તેમ લાગતું ન હતું. ટેક્સીમાંથી ફેંકી દેવાયા પછી દેવાણી મેલેટના પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો. સાર્જન્ટ મેલેટ દેવાણીને તેની લક્ઝરી હોટેલ કેપ ગ્રેસમાં પહોંચાડવા ગયો ત્યારે બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી.

અનીના મૃત્યુના છ જ દિવસ પછી શ્રીયેને ૫૦૦ લોકોને પાર્ટી આપી

હનીમૂન મર્ડરના આરોપી શ્રીયેન દેવાણીએ પત્ની અની દેવાણીની હત્યાના છ જ દિવસ પછી ૫૦૦ વ્યક્તિ માટે પિઝા પાર્ટી આપી હોવાનો આક્ષેપ અનીના પિતા વિનોદ હિન્ડોચાએ કર્યો છે. હિન્દુ ધર્મના રીતરિવાજ અનુસાર શોકના દિવસોમાં આવું કરાતું નથી. જોકે, શ્રીયેનનો દાવો હતો કે અનીને પિઝા પસંદ હોવાથી તેની યાદમાં તેણે આવી પાર્ટી આપી હતી. અની દેવાણી સાથે સગાઈ દરમિયાન પણ તેની વર્તણૂક હિટલર જેવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હિન્ડોચાએ પોલીસને જણાવ્યું હતું કે સંવનનના દિવસોમાં અની અને શ્રીયેન વચ્ચે ઝગડા થતાં હતાં. એક સમયે તેણે શ્રીયેનના વર્તનથી ત્રાસી તેને છોડી સ્વીડન પાછા ફરી જવાની પણ ધમકી આપી હતી તેમ જ લગ્ન પછી આગવી રીતે જીવશે તેમ પણ જણાવી દીધું હતું. હિન્ડોચાએ આક્ષેપ કર્યો હતો કે તેમના પરિવારને અનીને આખરી વિદાય આપવા તેના મૃતદેહ સાથે એકાંતમાં 30 મિનિટ ગાળવા દેવાનો પણ દેવાણીએ ઈનકાર કર્યો હતો. હિન્ડોચા પરિવારનો કોઈ સભ્ય હાજર રહેશે તો મેમોરિયલ સર્વિસ પણ અટકાવી દેવાની તેણે ધમકી આપી હતી.

સ્નેહા મશરુએ શ્રીયેન સાથે વાતચીતનું ખાનગી રેકોર્ડિંગ કર્યું

અની દેવાણીની પિતરાઈ બહેન સ્નેહા મશરુએ વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટ સમક્ષ જૂબાની આપતાં જણાવ્યું હતું કે અનીની હત્યા પછી શ્રીયેનની રુક્ષ વર્તણૂકથી તેને ચિંતા ઉપજી હતી અને શંકાના કારણે તેના વર્તન અને વાતચીતનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. સ્નેહાએ પોતાની શંકા પોલીસને પણ જણાવી હતી. સ્નેહાએ કેપ ટાઉન હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તેણે શ્રીયેનને મૃત અનીનાં હાથ પર બંગડીઓ પહેરાવવા માટે શારીરિક જોર અજમાવતા જોયો હતો. આ કોઈ શોકાતુર વ્યક્તિનું વર્તન ન હતું. મૃત અની પ્રત્યે તેનો કોઈ પ્રેમ દેખાતો ન હતો. આ ઘણું જ વિચિત્ર હોવાનું સ્નેહાએ કહ્યું હતું. હત્યાના થોડાં દિવસ પછી સ્નેહા મશરુ અને અનીનાં માતાપિતા શ્રીયેનને બ્રિસ્ટલમાં મળ્યાં હતાં. આ વખતે દેવાણીએ મોટા કાગળ પર પત્નીની અંતિમવિધિનું ભારે ચોકસાઈપૂર્વક આયોજન કરી લીધું હતું. ગાઢ પ્રેમ હોય તેવી પત્નીને ઘાતકી હત્યાના કારણે ગુમાવનાર વ્યક્તિ જેવું તેનું વર્તન ન હતું. તેને પોતાના દેખાવની ચિંતા હતી. આરોપીના કઠેડામાં જૂબાની ધ્યાનથી સાંભળતા દેવાણીએ પોતાની કેટલીક નોંધ પોતાની લીગલ ટીમને પણ મોકલી હતી.
ડિફેન્સ ટીમની વિનંતી અનુસાર પોલીસ સમક્ષ સ્નેહા મશરુનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય ન હોવાનો નિર્ણય જજે આપ્યો હતો, છતાં હનીમૂન પર દક્ષિણ આફ્રિકા આવેલી પિતરાઈ બહેન અનીએ મોકલેલાં કેટલાંક ટેકસ્ટ મેસેજીસ તેણે કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતાં. એક સંદેશામાં અનીએ લખ્યું હતું, મારે શું કરવું? તે સારો માણસ છે, પરંતુ મને તેની સાથે જરા પણ આનંદ અનુભવાતો નથી. સ્નેહાએ કોર્ટને જણાવ્યું હતું કે હનીમૂન પર જતાં પહેલા અની શ્રીયેન સાથે કશે જ જવા ઈચ્છતી ન હતી. તે ડાઈવોર્સ લેવાનો વિચારતી હતી. મેં તેને જવાબ લખ્યો હતો કે જો તેની સાથે નહિ રહેવાય તેમ તને લાગતું હોય તો તું પાછી ફરે ત્યારે આપણે તેને છોડી દેવાના વિકલ્પ વિશે વિચારીશું. બે જ દિવસ પછી તેને અનીની હત્યાના સમાચાર મળ્યા હતા. હત્યા પછી સ્નેહા સાથે ટેલીફોન વાતચીતમાં દેવાણીએ કહ્યું હતું કે તેની બહેને જ મોડી રાતે કેપ ટાઉનની બહાર ટાઉનશિપ ફરવા જવાનો આગ્રહ રાખ્યો હતો. કાર સાથે તેમનું અપહરણ કરાયા પછી અનીએ બૂમરાણ મચાવ્યું હોવાના કારણે જ તેની હત્યા થઈ હતી. હુમલાખોરોએ અનીને કોઈ નુકસાન નહિ કરવાની ખાતરી આપી હતી, પરંતુ અની શાંત ન રહેતાં તેમણે પાછળથી ઈરાદો બદલી  હત્યા કરી હતી. આ વાત અન્ય કોઈને ન કરવા પણ દેવાણીએ તેને કહ્યું હતું. 

અનીના હત્યારા ઝોલિલે મન્જેનીનું જેલમાં મોત

અની દેવાણીની હત્યા માટે જેલની સજા કરાયેલા એક હત્યારા ઝોલિલે મન્જેનીનું શનિવાર, ૧૮ ઓક્ટોબરે કેપટાઉનની ગૂડવૂડ જેલમાં મોત થયું હતું. તે બ્રેઈન ટ્યૂમરથી પીડાતો હતો. હત્યાની ટ્રાયલ દરમિયાન ૨૦૧૧માં તેની સર્જરી કરાઈ હતી. આ પછી તેને અનીને ગોળીથી ઠાર મારવાના ગુના માટે આજીવન કારાવાસની સજા થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં તબીબી કારણોસર તેણે કરેલી પેરોલની માગણી ફગાવી દેવાઈ હતી. અગાઉ, પ્રોસીક્યુટરોએ મન્જેનીના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ તેને સાક્ષી તરીકે નહિ બોલાવવા નિર્ણય લીધો હતો. જોકે, હત્યા ક્વાબેએ કરી હોવાનો આક્ષેપ બચાવપક્ષના વકીલોએ કર્યો છે. આ હત્યા સંદર્ભે અન્ય બે આરોપી ટેક્સી ડ્રાઈવર ઝોલા રોબર્ટ ટોન્ગો અને મ્ઝિવામાડોડા ક્વાબે જેલની સજા ભોગવી રહ્યા છે.


comments powered by Disqus