વડીલો સહિત સહુ વાચક મિત્રો, પુનઃ નૂતન વર્ષાભિનંદન. આપ સહુને વિક્રમ સંવત ૨૦૭૧ના. આજે સોમવારે ભાઇ નીલેશ પરમાર (અમદાવાદ ઓફિસના બ્યૂરો ચીફ)ની કલમ મારફતે આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યો છું. આવતીકાલે મંગળવારે લાભપાંચમનું પર્વ આપણે સહુ ઉજવીશું. ગયા મંગળવારે, ૨૧ ઓક્ટોબરે ધનતેરસના પાવક દિને આપણે સહુએ ધન પણ ધોયું જ હશે. ધનતેરસ અને લાભપાંચમનું પર્વ આપ સહુની જેમ હંમેશા મારો પરિવાર ઉજવતો આવ્યો છે, પણ અમારા માટે પર્વનું સવિશેષ મહત્ત્વ છે. ધનતેરસ મારા માતુશ્રીની અને લાભપાંચમ મારા પિતાશ્રીની જન્મતિથિ છે. માતૃભક્તિ અને પિતૃતર્પણ વિશે હું હંમેશા કંઇક અવઢવમાં રહું છું. કેટલાક વાચકોએ તો વળી પૂછ્યું પણ છે કે તમારી આ લેખમાળામાં પિતાશ્રી વિશેનો ઉલ્લેખ જવલ્લે જ જોવા મળે છે. એવું કેમ? કહેવાય છે કે પિતા-પુત્રનો નાતો માતા-પુત્રના નાતા કરતાં કંઇક અલગ પ્રકારનો હોય છે. તમે દુનિયામાં ક્યાંય પણ જૂઓ... અરે, તમારા પરિવારમાં જ જૂઓને સમજાઇ જશે.
પુત્રી-પિતા અને માતા-પુત્રના સંબંધનું સમીકરણ હંમેશા મજબૂત જ જોવા મળશે. માનવજીવનમાં જ નહીં, પશુપંખીઓમાં પણ આ વલણ જોવા મળશે. થોડા દિવસ પૂર્વે નેશનલ જ્યોગ્રાફિકની NetGeo Wild ટીવી ચેનલ પર Wild Africaનો એક કાર્યક્રમ નિહાળી રહ્યો હતો તેમાં પણ આ જ વાત હતી. બે સિંહ-બંધુઓની જીવનશૈલીની વાત કરતા આ પ્રોગ્રામમાં પણ આવું જ કંઇક નિરખવા મળ્યું.
કોઇ પણ સંતાન, માતા-પિતાનું સહિયારું સર્જન છે. એ અર્થમાં જોઇએ તો કોણ વધુ વ્હાલું એ વિવાદનો પ્રશ્ન બની શકે.. માલ-મિલ્કત કે વ્હાલ-મિલ્કત પર કોનો હકદાવો વધુ તેના જેવી આ વાત કહેવાય. પિતા પાસેથી જો સંતાન વિરાસતમાં જીડીપી ઇન્ડેક્સ પદાર્થપાઠ ભણતું હોય છે તો માતૃપક્ષ તેને હેપીનેસ ઇન્ડેક્સ (વેલનેશ)ના પાઠ ભણાવતો હોય છે. સુખ અને સંપત્તિ આખરે તો એક સિક્કાની બે બાજુ જેવા જ ગણવા રહ્યા. અરે... મારા વ્હાલાઓ, આ બધામાં હું ક્યાં હલવાઇ ગ્યો. ચાલો, મૂળ વાત પર પાછો ફરું.
વીતેલું પખવાડિયું આપણા સહુ કોઇ માટે ઉત્સવભર્યું રહ્યું. લાભપાંચમ હોય કે ધનતેરસ, સહુ કોઇ તેને શુભ મૂહુર્ત ગણાવે છે. ૧૮ નવેમ્બર, ૧૯૬૬નો એ દિવસ પણ લાભપાંચમનો જ હતો. દારે-સલામના શિવ મંદિરમાં સાંજની આરતી કરીને હું એરપોર્ટ પર પહોંચ્યો. અને એર ઇટાલિયાના વિમાનમાં સવાર થઇને બીજા દિવસે, ૧૯ નવેમ્બરે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ ઉતર્યો. ત્યાંથી કોચમાં બેસીને વિક્ટોરિયા કોચ ટર્મિનસ પહોંચ્યો ત્યારે બે મિત્રો મને આવકારવા ઉભા હતા - એક મનુભાઇ ઠક્કર, અને બીજા રસિકભાઇ લવિંગિયા.
હું મુહૂર્ત કે કમૂહુર્ત, ભૂત-પલિત કે પિશાચમાં લગારેય માનતો નથી, તો પછી લાભપાંચમે જ કેમ આફ્રિકાથી બ્રિટન આવવા રવાના થયો હતો? કેટલાક તો વળી એવું કહે છે કે તમે આ સપરમો દિવસ નક્કી કરીને બ્રિટન આવવા નીકળ્યા તેથી જ આજની સુખ-સંપત્તિ-સિદ્ધને વર્યા છો. (લે કર વાત! લાભ પાંચમે સ્થળાંતર કરવાવાળાઓ માટે હવે વિમાનો ખૂટશે!) હું દરેકની માન્યતા તો ન બદલી શકું, પણ મારા તરફે એટલું અવશ્ય કહી શકું કે દરેક ભારતીયના જીવનમાં અમુક સંસ્કાર ગળથૂંથીમાં જ ઘૂંટાઇ ગયા હોય છે. પ્રમાણિકપણે કહું તો મુહૂર્ત કાઢવામાં કે શુભ-કાળ ચોઘડિયામાં માનતો ન હોવા છતાં બ્રિટન-પ્રસ્થાન માટે મેં આ દિવસ પસંદ કર્યો હતો.
આપ સહુ પણ કદાચ પંડિત જવાહરલાલ નેહરુના જીવનકવન સાથે સંકળાયેલી એક બાબત વિશે અવશ્ય જાણતા જ હશો. તેઓ પૂરા નાસ્તિક હતા. આમ છતાં વસિયતનામામાં, અંતિમ ઇચ્છા વ્યક્ત કરતાં, શું લખ્યું હતું? મારા શરીરને અગ્નિદાહ આપ્યા પછી બચેલી રાખ અને અસ્થિઓને ભારતની પવિત્ર નદીઓમાં વહાવી દેજો. તેઓ ભલે નાસ્તિક હતા, પણ બાળપણમાં કદાચ તેમણે ગંગા, જમના, સરસ્વતી જેવી પવિત્ર નદીઓનું મહિમાગાન કરતો શ્લોક સાંભળ્યો હશે. અને સમજ્યા હશે કે આ નદીઓના જળમાં અસ્થિવિસર્જન થાય તો આત્માને મોક્ષપ્રાપ્ત થાય છે.
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરિ સરસ્વતિ ।
નમર્દે સિંધુ કાવેરિ જલેડસ્મિન્ સન્નિધિં કુરુ ।।
મારા વ્હાલા વાચકો, બહુ નમ્રભાવે સ્પષ્ટતા કરું છું કે હું આ ઉદાહરણ ટાંકીને મારી જાતને લગારેય પંડિત નેહરુ સાથે સરખાવતો નથી. આ તો મારી વાતને સરળતાથી સમજાવવા માટે જ આ દૃષ્ટાંત ટાંક્યું છે.
આજે પહેલી વખત પિતૃતર્પણનો એક પ્રસંગ ટાંકી રહ્યો છું. આમ તો મને લાગે છે કે ‘મારે પણ કંઇક કહેવું છે.’ અથવા બીજા શબ્દોમાં કહું તો ‘આ પથ્થરની પણ આગવી કથા છે’. હું આ વિશે ઘણું લખવા ધારું છું, પણ ક્યારે? એ માટે મુહૂર્ત જોવા જવું પડે! અને હું ક્યાં મુહૂર્ત જોવામાં માનું છું?! હું તો મારું કોઇ પણ કામ પંચાક્ષરી મંત્ર - (ૐ નમઃ શિવાય)ના ઉચ્ચાર સાથે શરૂ કરી દઉં. મંત્ર બોલું એટલે પે’લો ભોળો દેવ કંઇક (અરે બધી જ) સગવડ કરી આપે. આ મુદ્દે પણ તેઓ આજે નહીં તો કાલે કંઇક મેળ કરી જ આપશે. આશા અમર છે તેવું કંઇ અમસ્તું નથી કહેવાયું!
૧૯૫૧માં ભાદરણના મહાકાળેશ્વર મંદિરના પ્રાંગણમાં મારા પૂજ્ય પિતાશ્રીએ તે જમાનામાં કંઇક અનોખું કહેવાય તેવું આયોજન હાથ ધર્યું હતું. તેમનો વિચાર એવો હતો કે જે શ્રદ્ધાળુઓ હિમાલય નથી જઇ શકતા તેમને ભાદરણ-બેઠાં હિમાલય દર્શન કરાવવા. આ માટે તેમણે મંદિરની બાજુમાં જ લગભગ ૪૦ ફૂટ ઊંચી હિમાલયની પ્રતિકૃતિ બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું. (તમે અમદાવાદ-ગાંધીનગર હાઇ-વે પર વૈષ્ણોદેવી મંદિરની પ્રતિકૃતિ નિહાળી હશે... તેવી જ કંઇક આ યોજના હતી.) કેટલાકને આ હાસ્યાસ્પદ લાગ્યું હતું, પણ પિતાશ્રી તેમના વિચારમાં અડગ હતા. સાચું કહું તો, તે જમાનામાં આ નિર્ણય કરીને મારા પિતાશ્રીએ જોખમનું પડીકું ખોલી નાંખ્યું હતું. આર્થિક રીતે પણ બહુ જ ઘસાઇ ગયા હતા. પણ તેમનો આ નિર્ણય મને એક આજીવન અને અમૂલ્ય ભેટ આપતો ગયો. કઇ રીતે? વાંચો આગળ...
મંદિરના પ્રાંગણમાં જ એક તરફ સ્મશાન છે. આજે તો આજુબાજુની જગ્યાનો ભરપૂર વિકાસ થઇ ગયો હોવાથી આ સ્થળ સ્હેજેય ડરામણું લાગતું નથી, પણ તે સમયે આસપાસમાં ઝાડીઝાંખરા. મંદિર અને સ્મશાનને લગોલગ ઘટાદાર પીપળો. અંધારું ઉતર્યે તો કોઇને પણ ત્યાં જતાં ગભરામણ થાય. પાસે સ્મશાન હતુંને?! આ હિમાલય ‘સર્જન’ દરમિયાન એક વખત માલસામાનની દેખરેખ માટે ત્યાં રાત્રિરોકાણ કરવાની જરૂરત ઉભી થઇ. એક તો સ્મશાન અને તેમાંય પાછું રાત્રિરોકાણ. વળી કાળીચૌદશનો દિવસ. કયો ભાયડો તૈયાર થાય? પિતાશ્રીએ ફરમાન કર્યું - ચંદ્રકાન્ત, કોઇ તૈયાર થતું નથી એટલે હવે તારે જ આ ચોતરે રાતવાસો કરવો પડશે. ત્યારે મારી ઉંમર માંડ ૧૪-૧૫ વર્ષ. ગભરામણ તો થાય જ ને?! બાપુજીએ આદેશ આપ્યો. પિતાનો કડપ બહુ ભારે. પણ મારી વાત સાંભળીને જરા મરકીને કહ્યું, ‘અલ્યા, ડરવાનું શું હોય? આવડો મોટો શંકર મહાદેવ અહીં બેઠો છે... તને કંઇ નહીં થાય. ભૂત-પિશાચ કે પલિત જેવું દુનિયામાં કંઇ હોતું જ નથી, અને છતાંય મન નો’જ માનતું હોય, અને ડર લાગતો હોય તો ૐ નમઃ શિવાયના જાપ કરતો રહેજે...’ પિતાની શીખ સાથે પહોંચી ગયો ચોતરે. આખી રાત રહ્યો. ઊંઘ ભાગ્યે જ આવી હશે, પણ આખી રાત મંત્રજાપ કરતો રહ્યો. સવાર પડ્યે બ્રહ્મજ્ઞાન લાધ્યું - આ ભૂત-પલિત-ડાકણ-શાકણ તો નર્યા મનના વ્હેમ.
તે દી’ની ઘડીને આજનો દી’. માણસ હોય કે ભૂત-પલિત જેવા માણસો - કોઇનાથી ડર્યો નથી. લાભપાંચમની પૂર્વસંધ્યાએ પિતૃતર્પણના એક
અંશ તરીકે મારા જીવનપ્રસંગનો આ અંશ અહીં રજૂ કર્યો છે. (ક્રમશઃ)
