આ ત્રાસવાદીઓ બ્રિટન માટે પણ જોખમરુપ છે. બીજી તરફ, હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટિશ સાંસદોએ ૫૨૪ વિરુદ્ધ ૪૩ મતથી ઈરાકમાં લશ્કરી કાર્યવાહીની તરફેણમાં મત આપ્યો હતો. હવે બ્રિટન ઈરાકમાં ISISના ત્રાસવાદીઓ સામે હવાઈ હુમલામાં સામેલ થશે. કેમરને ઈરાકમાં હુમલાની મંજૂરી મેળવવા પાર્લામેન્ટની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.
કોમન્સની ચર્ચામાં કેમરને ચેતવણી પણ આપી હતી કે આ મિશન મહિનાઓ નહિ, પરંતુ વર્ષો સુધી ચાલશે. લેબર પાર્ટીના ૨૪ સહિત કુલ ૪૩ સાંસદોએ ઈરાકમાં લશ્કરી કાર્યવાહી વિરુદ્ધ મત આપ્યો હતો. જોકે, કોમન્સના ઠરાવમાં મતદાન વિના પડોશી સીરિયામાં લશ્કરી કાર્યવાહી નકારી દેવાઈ હતી. આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ પણ ઈરાકમાં લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું છે.
બ્રિટિશ સાંસદોએ લશ્કરી હસ્તક્ષેપ માટે છ કલાકની લાંબી ચર્ચાના અંતે ૫૨૪ વિરુદ્ધ ૪૩ મતથી ઈરાકમાં લશ્કરી કાર્યવાહીની તરફેણ કરી હતી. જોકે, પડોશી સીરિયામાં લશ્કરી કાર્યવાહી આગળ વધારવા અંગે સાંસદો વિભાજિત રહ્યાં હતાં. લેબર નેતા એડ મિલિબેન્ડે આગ્રહ રાખ્યો હતો કે આ માટે સુએન સિક્યુરિટી કાઉન્સિલ ઠરાવ કરે તે જરુરી છે. જોકે આવા કોઈ પણ ઠરાવને ચીન અને રશિયા વીટો કરશે તે નિશ્ચિત છે. હવે યુએસ, ફ્રાન્સ અને આરબ દેશોના યુદ્ધવિમાનો સાથે રોયલ એર ફોર્સના છ ટોર્નેડો યુદ્ધવિમાન પણ સામેલ થશે.
દરમિયાન, યુનાઈટેડ નેશન્સમાં પણ જેહાદ માટે વિદેશ મુસાફરી કરવાને ક્રિમિનલ અપરાધ બનાવવા રાષ્ટ્રોને હાકલ કરતો ઠરાવ પસાર કરાયો છે.
