અમેરિકાની ધરતી પર ભાગ્યે જ કોઇ ભારતીય નેતાને મળ્યા હશે તેવા આદર-સત્કાર તેમણે મેળવ્યા. ‘કેમ છો, પ્રાઇમ મિનિસ્ટર?’ કહીને નરેન્દ્ર મોદીને આવકારનારા પ્રમુખ બરાક ઓબામાએ ભારત સાથે અનેકવિધ ક્ષેત્રે સહકાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બન્ને દેશના વડાઓએ ‘ચલેં સાથ-સાથ’ સંયુક્ત નિવેદન દ્વારા મજબૂત દ્વિપક્ષીય સહયોગનો પાયો નાખ્યો છે. આ જાહેરાતો-નિવેદનો નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેની રાજદ્વારી સફળતા દર્શાવે છે, તો અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોએ તેમની વ્યાપક જનસમર્થન ધરાવતા નેતા તરીકેની છાપને વધુ બળવત્તર બનાવી છે. ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા મેડિસન સ્કવેરમાં આયોજીત સમારંભમાં તેમને જોવા-સાંભળવા ૧૮ હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. અને હા, આ સમારંભ માટે ધસારો એટલો હતો કે આયોજકોને એન્ટ્રી પાસનો ડ્રો કરવો પડ્યો હતો!
આ પૂર્વે, યુનાઇટેડ નેશન્સ (યુએન) સંબોધનમાં, ભારતની વસુધૈવ કુટુંબકમની પરંપરા યાદ અપાવનાર મોદીએ મેડિસન સ્કવેરમાં સવા કલાકના સંબોધનમાં હજારો ભારતીય-અમેરિકનો સાથે સીધો સંવાદ કર્યો. યુએનમાં તેમણે - કાશ્મીરમાં જનમત લેવાનો રાગ આલાપનાર - પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને પરખાવ્યું કે યુએનમાં કાશ્મીર મુદ્દો ઉછાળ્યે કંઇ નહીં વળે. ભારત પડોશી દેશ સાથે સારા સંબંધ ઇચ્છે છે, મંત્રણા કરવી હશે તો આતંકવાદને બાજુએ મૂકવો પડશે. મોદીનો આ દૃઢોચ્ચાર ભારતની શક્તિ-સામર્થ્યને છાજે તેવો હતો. યુએનના સંબોધનમાં ધીરગંભીર જણાયેલા મોદી મેડિસન સ્કવેરમાં બરાબર ખીલ્યા હતા. કેટલાક માધ્યમોએ આ સમારંભમાં મોદીના સંબોધન માટે વાપરેલા ‘રોકસ્ટાર પર્ફોમર્ન્સ’ શબ્દો એકદમ ઉચિત જણાય છે. તેઓ શબ્દશઃ છવાઇ ગયા હતા - માત્ર મેડિસન સ્કવેર અરેનામાં જ નહીં, બહાર જ્યાં જાહેર સ્થળો પર સમારંભનું પ્રસારણ થતું હતું ત્યાં પણ ભારતીયો તેમને સાંભળવા ટોળે વળ્યા હતા.
વડા પ્રધાને પીઆઇઓ (પર્સન્સ ઓફ ઇંડિયન ઓરિજિન) કાર્ડધારક એનઆરઆઇને આજીવન વિઝાનું વચન આપીને વતનનું ઋણ ફેડવાનું વચન મેળવ્યું. ભારતને વિકાસપંથે દોરી જવાના ઉદ્દેશથી શરૂ કરાયેલા ‘મેક ઇન ઇંડિયા’ પ્રોજેક્ટમાં તમામને જોડાવાનું આહવાન કરવાની સાથોસાથ તેમણે ગાંધીજીના સ્વચ્છતાના સંદેશથી માંડીને ગંગાના શુદ્ધિકરણની પણ વાતો કરી. હંમેશની જેમ યુવાશક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરતાં એવી લાગણી પણ વ્યક્ત કરી કે યુવા પેઢી દેશ અને દુનિયાને બદલવાનું સામર્થ્ય ધરાવે છે. તેમના પ્રવચન દરમિયાન અરેના સતત તાળીઓના ગડગડાટથી ગૂંજતું હતું, જે દર્શાવતું હતું કે સ્થળ-કાળ-દેશ કોઇ પણ હોય, મોદી લોકોને પોતાની સાથે જોડાવામાં માહેર છે. લોકોને એમના શબ્દોમાં સચ્ચાઇ લાગે છે, ભરોસો બેસે છે. વડા પ્રધાને કહ્યું કે એમની સરકાર પાસે દેશ-વિદેશમાં વસતાં ભારતીયોને બહુ અપેક્ષા છે અને એ અપેક્ષામાં ખરા ઉતરવાનો અમારો પ્રયત્ન રહેશે. કશું ખોટું નહીં થવા દઇએ... તેમણે આ વચન તો આપ્યું છે, પણ તેને સાકાર કરવામાં કોઇ ચૂક ન થઇ જાય તેની પૂરતી કાળજી રાખવી પડશે.
