સેન્ટ્રલ લંડનમાં જ્યુબિલી, વિક્ટોરિયા અને પિકાડેલી અને સેન્ટ્રલ તેમ જ સૌથી વ્યસ્ત નોર્ધર્ન લાઈન પર દર કલાકે આઠ ટ્રેન દોડાવાશે. શુક્રવાર -શનિવારની રાત્રિએ ૦૦.૩૦થી સવારના ૬.૦૦ દરમિયાન ૧૮૦,૦૦૦ પ્રવાસીઓ નાઈટ ટ્યૂબનો લાભ લેવાની આગાહી કરાઈ છે. ૨૪ કલાકની આ પરિવહન સેવાથી આગામી ૩૦ વર્ષમાં અર્થતંત્રમાં £૩૬૦ મિલિયનની તેજી સર્જાશે, જેનો મુખ્ય લાભ ક્લબ્સ, બાર, રેસ્ટોરાં, કેસિનો અને થિયેટર સહિતને મળશે. નવી ૨,૦૦૦ નોકરીનું સર્જન થશે.
• લાખો લોકોને હે ફીવરની તીવ્ર અસરઃ ઓટમ ઋતુમાં ફેલાતી વિશિષ્ટ પરાગરજની એલર્જીના કારણે લાખો લોકો ઉધરસ અને દમની બીમારી (હે ફીવર)થી પીડાઈ રહ્યાં છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આનો વિક્રમ નોંધાયો છે. નોર્થ અમેરિકામાં ઉગતાં રેગવિડ પ્લાન્ટ હે ફીવરના કારણ માટે કુખ્યાત છે. બ્રિટનમાં આ પ્લાન્ટ ભાગ્યેજ મળે છે. જોકે, યુનિવર્સિટી ઓફ લેસ્ટરના સંશોધકોએ આ દુર્લભ પ્રકારની પરાગરજનું વિક્રમી સ્તર શોધી કાઢ્યું છે, જે ચાર દાયકામાં પ્રથમ વખત હે ફીવર અને અસ્થમાની સ્થિતિ લાવવા માટે જવાબદાર હોઈ શકે છે. જો હળવી ઓટમ ઋતુ ચાલુ રહેશે તો નવી પરાગરજના કારણે લાખો લોકો આ બીમારીનો શિકાર બનશે તેવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી છે.
• બાળકની સફળતામાં પિતાની ચાવીરુપ ભૂમિકાઃ શાળામાં બાળકની સફળતા માટેનો યશ સામાન્ય રીતે માતાને આપવામાં આવે છે, કારણ કે બાળક સાથે માતા વધુ સમય વીતાવે છે. જોકે, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના નવા આંકડા દર્શાવે છે કે શાળામાં બાળકના પરફોર્મન્સને સવાલ છે ત્યાં સુધી માતાની સરખામણીએ પિતાની ભૂમિકા મોટી હોય છે. જે બાળકના પિતા ઓછાં શિક્ષિત હોય કે કશું જ ભણેલાં ન હોય તેમના બાળકો પણ અશિક્ષિત રહે તેવી શક્યતા ૭.૫ ગણી હોય છે. માતાની નબળી શૈક્ષણિક લાયકાતના કારણે બાળક અશિક્ષિત રહે તેવી શક્યતા ત્રણ ગણી જ હોય છે. જો પિતા લખી અને વાંચી શકતા ન હોય તો તેની અસર વધુ દેખાય છે.
• ચાન્સેલર ઓસ્બોર્ન ૫૫ ટકાનો ડેથ ટેક્સ રદ કરશેઃ પેન્શનરો તેમના વારસદારો માટે વધુ નાણા વારસામાં છોડી જઈ શકશે. એપ્રિલ ૨૦૧૫થી પેન્શન પોટ્સ પર ડેથ ટેક્સ તરીકે ઓળખાતા ૫૫ ટકાનો દર રદ કરવામાં આવશે. ચાન્સેલર ઓસ્બોર્ને જણાવ્યું હતું કે લોકો તેમની મહેનતની કમાણીના પેન્શન વારસદારોને કરમુક્ત વારસા તરીકે મૂકી જઈ શકશે. આ સાથે ટોરી પાર્ટીની કોન્ફરન્સ પહેલા અન્ય લોકપ્રિય પગલાં જાહેર થવાની પણ શક્યતા છે. બ્રિટિશરોને તેમની પેન્શન બચતોમાંથી એન્યુઈટી ખરીદવાની ફરજ પાડતાં નિયમો પણ ચાન્સેલરે રદ કર્યાં છે.
