ઈયુ નિયમો અનુસાર વિદેશી કામદારે નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો ચૂકવ્યો હોય અને તે વતન પાછો ફર્યો હોય ત્યારે સભ્ય દેશે તે કામદારના વતનના દેશને જોબસીકર્સ એલાવન્સ જેવાં ચોક્કસ લાભની ચૂકવણી ભરપાઈ કરી આપવાની રહે છે. બ્રિટન જણાવે છે કે બેનિફિટ્સ માટે લાયકાત મેળવવા કામદાર યુકેમાં રહ્યો હોય અને બેકાર હોય તેમ જ પૂરતાં પ્રમાણમાં નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો ચૂકવાયો હોય તો જ તેના માટે નાણાં ચૂકવી અપાશે.
• એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ અંગે ચિંતાઃ કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં જણાવાયું છે કે જીપી દ્વારા અપાતાં સાતમાંથી એક એન્ટિબાયોટિક પ્રીસ્ક્રિપ્શન નિષ્ફળ જાય છે. આના પરિણામે, એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ અંગે ચિંતા સર્જાઈ છે. અગાઉ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા પણ જીપી ઝાઝો વિચાર કર્યા વિના એન્ટિબાયોટિક્સ લખી આપતા હોવાનું જણાવાયું હતું. સંશોધકોએ ૧૯૯૧થી ૨૦૧૨ના ગાળામાં પ્રારંભિક સંભાળના ૧૧ મિલિયન એન્ટિબાયોટિક પ્રીસ્ક્રિપ્શન્સ પર નજર રાખી હતી. એન્ટિબાયોટિક્સ નિષ્ફળ જવાનો દર આ ગાળામાં વધ્યો હતો અને હજુ વધી રહ્યો છે.
• ઈયુમાંથી બહાર નીકળવા જનમત માટે અભિયાનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને યુરોપીય યુનિઅનમાંથી બહાર નીકળવાના મતદાન માટે અભિયાનનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ઈયુમાં બ્રિટનના સભ્યપદ અંગે મહત્ત્વના સુધારા કરાવવામાં તેઓ નિષ્ફળ જશે તો જનમત શક્ય છે. ટોરી પાર્ટીના બીજા સાંસદ Ukipમાં જોડાયા પછી કટોકટી નિવારવાના ભાગરુપે કેમરને જણાવ્યું હતું કે બ્રસેલ્સ સાથે મુક્ત સંબંધોની વાટાઘાટમાં ઈમિગ્રેશન નિયમોમાં સુધારા કેન્દ્રસ્થાને રહેશે. જનમત અગાઉ બ્રિટનને છૂટછાટો માટે અન્ય રાષ્ટ્રો સહમત થવાનો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.