આ ઉપરાંત, લંડન અને સ્ટોક-ઓન-ટ્રેન્ટમાં ૧૯ નિવાસી, બિઝનેસ અને કોમ્યુનિટી પ્રીમાઈસિસની પણ તપાસ કરાઈ હોવાનું સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું. આ તપાસનું કેન્દ્ર અલ-મુહાજિરોન હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે જ ઈરાક અને સીરિયામાં ISIS વિરુદ્ધ કામગીરી માટે પશ્ચિમવિરોધી નવ ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે યુએસ/યુકે હવાઈ બોમ્બ હુમલાઓથી ઈસ્લામિક સ્ટેટનો નાશ કરી જ નહિ શકે, પરંતુ ફરી એક વખત નિર્દોષ સ્ત્રી-પુરુષો એને બાળકોની હત્યા કરશે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ધરપકડો અને તપાસ ઈસ્લામિક ત્રાસવાદ સંબંધિત તપાસના ભાગરૂપે છે, જાહેર સલામતીને તાકીદના જોખમ સંબંધિત નથી. ચૌધરી ઉપરાંત, કસ્ટડીમાં લેવાયેલી વ્યક્તિઓની વય ૨૨, ૩૧, ૩૧, ૩૨, ૩૬, ૩૮, ૩૯ અને ૫૧ વર્ષની છે. તેઓ પ્રતિબંધિત સંગઠનના સભ્ય હોવા સાથે આ સંગઠનને ટેકાની સાથે ત્રાસવાદને પ્રોત્સાહન આપતા હોવાની શંકા છે.
અગાઉ, સપ્તાહના આરંભે ચૌધરીએ એમ કહ્યાનું મનાય છે કે, સીરિયામાં પકડાયેલા સ્વયંસેવી સહાય કાર્યકર્તા એલન હેનિંગ પ્રત્યે તેને કોઈ સહાનુભૂતિ નથી. તેણે કહ્યું હતું કે કુરાનમાં બીન-મુસ્લિમો માટે દિલગીર થવાની પરવાનગી અપાઈ નથી. મને તેના પ્રત્યે કોઈ દિલગીરી નથી. ત્રાસવાદીઓની ભરતી માટેની પ્રચાર ફિલ્મમાં અંજેમ ચૌધરીના સંબોધનના ફૂટેજનો ઉપયોગ કરાયો છે. ચૌધરી ૨૦૧૦માં પ્રતિબંધિત કરાયેલા અલ-મુહાજિરોન સંગઠનનો સહ-સ્થાપક છે. સંગઠને અનેક વખત નામ બદલ્યાં છે. અગાઉના ૧૨ વર્ષમાં યુકેમાં ત્રાસવાદ બદલ દોષિત ઠરાવાયેલા ઈસ્લામિક કટ્ટરવાદીઓના ૧૮ ટકા આ જૂથ સાથે સંકળાયેલા હતા. ફ્યુસિલિયર લી રિગ્બીની ઘાતકી હત્યા માટે જેલની સજા પામેલા માઈકલ એડબોલાજો અને માઈકલ એડબોવાલે સહિત સંખ્યાબંધ ઉદ્દામવાદી યુવાનો ચૌધરીના સંપર્કમાં રહેતા હતા.