તેણે હત્યાના માર્ગો જાણવા સંખ્યાબંધ વેબસાઈટ્સ ફેંદી કાઢી હતી. તેને ‘બ્રેકિંગ બેડ’ સીરિયલના અંતિમ એપિસોડમાંથી ઝેર મારફત હત્યાની પ્રેરણા મળી હતી. ૬૦ વર્ષીય મેજિસ્ટ્રેટ માતા મીના પટેલે નિરજ કાકડ સાથે લગ્નની મનાઈ ફરમાવ્યા પછી હત્યાનો વિચાર બળવત્તર બન્યો હતો. કુંતલ પટેલ સૌપ્રથમ વખત ૨૯ સપ્ટેમ્બરે વિટનેસ બોક્સમાં જુબાની આપવા આવી હતી.
લાગણીથી ગળગળાં સાદે કુંતલે જ્યુરી સમક્ષ જણાવ્યું હતું કે, ‘મારી માનસિક હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. મને આત્મહત્યા અને મારી માતાની હત્યાના જ વિચારો આવતાં હતાં.’ શા માટે કાતિલ ઝેર મેળવ્યું તે પ્રશ્નના જવાબમાં કુંતલે કહ્યું હતું કે,‘મારો ઈરાદો આત્મહત્યા કે માતાની હત્યા માટે એબ્રિન ખરીદવાનો હતો. ડ્રિન્કમાં મેળવીને પીવાથી વ્યક્તિને ફ્લુ થાય અને થોડાં દિવસમાં તેનું મોત થાય તેમ હું માનતી હતી.’
ભાવનાત્મક અને શારીરિક શોષણથી ત્રાસીને કુંતલે માતાની હત્યાનો નિર્ણય લીધો હતો. બચાવપક્ષના વકીલ પીટર રોલેન્ડ્સના પ્રશ્નના ઉત્તરમાં કુંતલે જણાવ્યું હતું કે,‘માતાનાં મોત પછી મારી જિંદગી ધૂળધાણી થઈ હોત અને કદાચ મેં પણ આપઘાત કરી લીધો હોત.’