'ફિલ્મી ગીતો પર રમાતા ગરબા એટલે રાસ-ગરબા સાથે કરાતો એક જાતનો વ્યભીચાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાસ-ગરબામાં ફીલ્મી ગીતો અને તેની ટ્યુનનું ચલણ ખૂબજ વધી ગયું છે. મારા મતે તો જેમની પાસે પારંપરિક ગરબાનો જાદુ પાથરવાની શક્તિ નથી તેવા લોકો આવા ફીલ્મી ગીતો પર ગરબા રમાડે છે. મારી ગરબા રમતા અને ગવડાવતા સૌ કોઇને નમ્ર વિનંતી છે કે તેઅો આવો વ્યભીચાર ન કરે' એમ વડોદરાના 'યુનાઇટેડ વે'ના વિખ્યાત ગરબા ગાયક શ્રી અતુલ પુરોહિતે એક મુલાકાતમાં 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.
આજકાલ રાસ-ગરબા ગાતો એક પણ યુવાન એવો નહિં હોય જેણે વડોદરાના 'યુનાઇટેડ વે' અને 'અતુલ પુરોહિત'નું નામ સાંભળ્યુ નહિં હોય. જી હા, અતુલ પુરોહિત આ વખતે યતિ ઇવેન્ટ્સ દ્વારા તા. ૧૯-૨૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલ 'નવરાત્રી પહેલાની રાત્રી'ના કાર્યક્રમ માટે લંડન આવ્યા હતા. આ કાર્યક્રમને અત્યાર સુધી યોજાયેલા ગરબા કાર્યક્રમોમાં સૌથી સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો.
હવે 'કાકા'ના હુલામણા નામથી યુવાનોમાં લોકપ્રિય અતુલભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે 'રાસ ગરબા માટે અત્યાર સુધીમાં હું કેનેડા, અોસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકાની યાત્રા કરી ચૂક્યો છું અને મારી સૌને એક જ વિનંતી છે કે તમે ગુજરાતી ભાષા અને આપણી પરંપરા જાળવી રાખો. અંગ્રેજીની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ કરો પણ આપણી ભાષાના ભોગે તો નહિં જ. બીજાની મા ગમે તેટલી સુંદર હોય પણ આપણી માતાને આપણે ભૂલી શકીએ નહિં.'
છેલ્લા ૨૨ વર્ષથી વડોદરાના 'યુનાઇટેડ વે' સાથે સંકળાયેલા અતુલભાઇના જણાવ્યું હતું કે 'યુનાઇટેડ વે'ના ગરબામાં એક સાથે ગરબા ગાનારા લોકોની સંખ્યા એક સમયે ૪૨,૦૦૦ પર પહોંચી હતી જે એક વિશ્વ વિક્રમ છે અને ગિન્નેસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ લેવાઇ છે. અહિં પારંપરિક રીતે ગોળ કુંડાળામાં ફરીને લોકો ગરબા રમે છે અને એકની અંદર બીજુ એમ ઘણી વખત તો ૫૦ જેટલા કુંડાળા સર્જાય છે. મારો લંડન ખાતે આ પ્રથમ કાર્યક્રમ હતો પરંતુ લંડન વાસીઅોની લાગણી અને આનંદ જોઇને મને ખૂબજ મઝા આવી છે. 'ગુજરાત સમાચાર' આ કાર્યક્રમમાં મીડીયા પાર્ટનર હતું તે તમારી સમાજ પરત્વેની સેવા દર્શાવે છે.'