ભ્રષ્ટાચારના કેસમાં મુખ્ય પ્રધાન જયલલિતાને જેલમાંઃ રૂ. ૧૦૦ કરોડનો દંડ

Thursday 11th December 2014 11:06 EST
 
 

કોર્ટના નિર્ણયને પરિણામે તામિલનાડુની રાજનીતિ અને જયલલિતા સરકાર પર વ્યાપક પ્રભાવ પડશે. તેમણે મુખ્ય પ્રધાનનું પદ છોડીને પોતાના નજીકના સાથી નાણાં પ્રધાન ઓ. પન્નીરસેલ્વમને તામિલનાડુની ગાદી સોંપી છે. જયલલિતાનું ધારાસભ્ય પદ પણ રદ્ થયું છે. જો તેઓ હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે અને ત્યાં તે નિર્દોષ સાબિત થશે તો ત્યારપછી તેઓ ચૂંટણી લડી શકશે. જોકે, ત્રણ વર્ષથી વધુ સમયની જેલ સજા થઈ હોવાથી તેમને જામીનની સંભાવના નહીંવત છે.
પારાપન્ના અગ્રહરા જેલ કેમ્પસમાં બનાવવામાં આવેલી અસ્થાયી કોર્ટમાં નિર્ણય સાંભળવા જયલલિતા પોતે હાજર રહ્યાં હતાં. તેમના પર તેઓ જ્યારે ૧૯૯૧-૯૬ વચ્ચે પાંચ વર્ષ દરમિયાન પ્રથમ વખત તામિલનાડુનાં મુખ્ય પ્રધાન હતાં ત્યારે અજ્ઞાત સ્રોતો દ્વારા રૂ. ૬૬.૬૫ કરોડની સંપત્તિ ભેગી કરવાનો આરોપ છે. જયલલિતા ઉપરાંત તેમની સહેલી, ભત્રીજી-ભત્રીજો અને દત્તક પુત્ર પણ આ કેસમાં દોષિત ઠર્યા છે.
સુબ્રમણ્યમ સ્વામીની ઝુંબેશ
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ૧૯૯૬માં કોર્ટમાં એક ફરિયાદ કરી અને તેને કારણે જયલલિતા સામે તપાસ શરૂ થઇ. પછીથી એ આખો મુદ્દો ‘અપ્રમાણસરની સંપત્તિ કેસ’ તરીકે જાણીતો થયો. ૧૪ જૂન, ૧૯૯૬ના રોજ તત્કાલીન જનતા પાર્ટીના વડા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિન્સિપાલ સેશન્સ જજ સમક્ષ એક ફરિયાદ કરી હતી અને તેમાં આક્ષેપ કર્યો હતો કે જયલલિતા પાસે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ છે. સુબ્રમણ્યમની પાર્ટી હવે ભાજપમાં વિલીન થઇ ગઇ છે. સુબ્રમણ્યમની અરજી કામ કરી ગઇ. કોર્ટે આ ફરિયાદમાં તપાસ માટે વિજિલન્સ અને એન્ટિ કરપ્શન બ્યૂરોને તપાસનો આદેશ આપ્યો હતો. આથી પાંચ મહિના પછી પોલીસે એક ફરિયાદ નોંધી હતી અને તપાસ થઇ હતી. જેમાં હૈદરાબાદ સહિત અનેક સ્થળોમાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી સહિત તપાસ હાથ ધરાઇ હતી.
સ્ટારડમથી જેલડમ સુધી
કિશોરવયથી રૂપેરી પડદા પર ચમકનાર અને પછી એઆઈએડીએમકેના સ્થાપક એમ જી રામચંદ્રન ઉર્ફે એમજીઆરની છત્રછાંયા મેળવનાર જયલલિતા જયરામ તામિલનાડુના ત્રણ વખત મુખ્ય પ્રધાન બની ચૂક્યાં છે. તેમની ચાર દાયકાની રાજકીય કારકિર્દીમાં તેમણે અનેક ચડાવઉતાર જોયાં છે. તેમાં વધુ એક ઉમેરો ૧૮ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિ ધરાવવાના કેસનો થયો છે. ૬૬ વર્ષીય જયલલિતાએ ૧૫ વર્ષની વયે તેમની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. જ્યારે તેઓ વિદ્યાર્થિની હતાં ત્યારે તેમને અભ્યાસમાં ખૂબ રસ હતો. તમિળ ફિલ્મોમાં તેઓ સુપ્રસિદ્ધ અભિનેત્રીઓમાં સ્થાન પામ્યા હતાં. જયલલિતાએ કુલ ૨૮ ફિલ્મો એમજીઆર સાથે કરી હતી. એમજીઆર ત્યારે તમિલ ફિલ્મોના સુપરસ્ટાર હતા અને સન્માનીય ભારતીય રાજનેતા હતાં. તેમની સાથેના જોડાણ પછી જયલલિતા પણ રાજકારણમાં જોડાયાં. જ્યારે એમ કરૂણાનિધિના નેતૃત્વમાં રહેલા ડીએમકેમાંથી અલગ થઈને એમજીઆરે એઆઈએડીએમકેની સ્થાપના કરી ત્યારે ૧૯૮૩માં પાર્ટીના પ્રોપેગેન્ડા સેક્રેટરી તરીકે એમજીઆરે જયલલિતાને નિયુક્ત કર્યાં હતાં. ત્યારબાદ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. એમજીઆર જયલલિતાની અંગ્રેજી વાક્પટુતાથી પ્રભાવિત હતાં. એમજીઆર અને જયલલિતા વચ્ચે ત્યારપછી મતભેદો થયા હોવાની ચર્ચા જાગી હતી પણ જ્યારે એમજીઆર બીમાર પડ્યા અને અમેરિકા સારવાર માટે ગયાં ત્યારે ૧૯૮૪માં પાર્ટીના ચૂંટણી પ્રચારની જવાબદારી જયલલિતાએ ઉઠાવી હતી. જયલલિતા માટે દુ:ખદ સમય એ આવ્યો કે જ્યારે ૧૯૮૭માં એમજીઆરનું નિધન થયું. એમજીઆરની અંતિમવિધિ સમયે એમજીઆરની પત્ની જાનકીએ જયલલિતાનું અપમાન કર્યું હતું. ૧૯૮૯માં જયાનું જૂથ ચૂંટણીમાં વિજયી બન્યું અને જયલલિતા વિધાનસભામાં પ્રથમ વખત ચૂંટાયા હતાં. તેઓ વિપક્ષના નેતા બન્યા હતાં. જો કે જયાની પાર્ટીમાં બે ભાગ પડ્યાં હતા, જે તેમણે મહામહેનતે એક કર્યાં અને ત્યારથી તેઓ પાર્ટીના કોઈ નિર્વિવાદ નેતા બની રહ્યાં છે. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી ૧૯૯૧માં કોંગ્રેસ સાથે સહયોગ અને તેના કારણે મેળવેલી સહાનુભૂતિએ તેમને ભારે બહુમતી સાથે સત્તાપ્રાપ્તિ કરાવી હતી. જો કે ૧૯૯૧-૯૬ સુધીમાં પણ તેમના જીવનમાં અનેક ઘટનાઓ બની. તેમના વિશ્વાસુ શશીકલાના પરિવારનો વિવાદ તેમ જ જયલલિતાના પાલકપુત્ર વી એન સુધાકરનના અતિખર્ચાળ લગ્ન બાદ તેમણે અનેક ટીકાઓનો ભોગ બનવું પડ્યું હતું. ૧૯૯૬ની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી એઆઈએડીએમકેનો મૃત્યુઘંટ વાગી ગયો હતો. ૧૯૯૬માં તેમની આવક કરતાં વધુ સંપત્તિ તેમ જ અન્ય કેસોમાં ધરપકડ થઈ હતી. જયલલિતાએ ત્યારબાદ ભાજપ સાથે સહયોગ સાધ્યો અને એનડીએમાં સામેલ થયાં હતાં.
રાજ્યકક્ષાએ એઆઈએડીએમકેના લોખંડી મહિલા બનીને તેમણે ૨૦૦૧ની ચૂંટણીમાં ફરી સત્તા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તાન્સી કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને મુખ્ય પ્રધાન પદે ગેરલાયક ઠેરવ્યા હતાં અને ત્યારે તેમણે પોતાના વિશ્વાસુ ઓ. પન્નીરસેલવમને મુખ્ય પ્રધાન બનાવ્યા હતાં પણ વહીવટ પોતાના હાથમાં જ રાખ્યો હતો.


comments powered by Disqus