મંગળ મિશનઃ ભારતનો અંતરિક્ષમાં હાઇજમ્પ

Thursday 11th December 2014 10:48 EST
 

ભારતીય વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ થકી અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે હરણફાળ નથી ભરી, પણ હાઇજમ્પ માર્યો છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. મંગળ મિશન સફળતાપૂર્વક પાર પાડવાની સિદ્ધિ અત્યાર સુધી રશિયા, અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇયુ)ના નામે હતી. હવે તેમાં ભારતનું નામ ઉમેરાયું છે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પ્રથમ એશિયાઇ દેશ હોવા ઉપરાંત તેણે પ્રથમ પ્રયાસે જ આ સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં ૫૧ મંગળ યાન પૃથ્વી પરથી છોડાયા છે, જેમાંથી માત્ર ૨૦ મિશન સફળતાને વર્યા છે. આમાંથી એક પણ મિશન પ્રથમ પ્રયાસે સફળ થયું નથી. અમેરિકાની ‘નાસા’ને પણ છ નિષ્ફળતા બાદ સફળતા વરી છે તે ઉલ્લેખનીય છે. ભારતે કેટલા ખર્ચમાં આ મિશન પાર પાડ્યું છે તેના આંકડા પણ જાણવા જેવા છે. ‘નાસા’એ માર્સ મિશનની સફળતા માટે ૬૭૧ મિલિયન ડોલર ખર્ચ્યા છે, જ્યારે ભારતે માત્ર ૭૪ મિલિયન ડોલરમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. અવકાશ ક્ષેત્રે ભારતની આ સર્વોચ્ચ સિદ્ધિનો યશ જાય છે ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’) અને તેની સાથે જોડાયેલા વિજ્ઞાનીઓના કૌશલ્યને.
૨૦૧૨ના સ્વાતંત્ર્ય પર્વે તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહે ભારતના ‘મંગળ મિશન’ની ઘોષણા કર્યાના ફક્ત સવા વર્ષમાં ‘ઇસરો’એ પ્રોજેક્ટ સાકાર કર્યો છે. ૨૦૧૩ની પાંચમી નવેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી યાન મંગળ ગ્રહ ભણી રવાના થયું. અને ૩૮૦ દિવસમાં ૫.૬૦ કરોડ કિલોમીટરનું અંતર કાપીને મંગળ ગ્રહની પરિભ્રમણ કક્ષામાં પહોંચી ગયેલું યાન આજે સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.
ભારતે ભલે બહુ જ કરકસરપૂર્ણ બજેટમાં આસમાનને આંબતી આ સિદ્ધિ હાંસલ કરી હોય, પણ ટીકાકારોનો એક વર્ગ એવો સવાલ ઉઠાવે છે કે ભારત જેવા ગરીબોના દેશ માટે મંગળ મિશન પાછળ રૂ. ૪૫૦ કરોડનો ખર્ચ કરવો કેટલા અંશે યોગ્ય છે? જોકે આ પ્રશ્ન ઉઠાવતાં તેઓ એ ભૂલી જાય છે કે અંતરિક્ષ કે વિજ્ઞાન ક્ષેત્રે થયેલો આ ખર્ચ વાસ્તવમાં એક પ્રકારનું રોકાણ છે. જેના થકી ભારતને અનેકગણું વળતર મળવાના ઉજળા સંજોગો છે. થોડાક મહિનાઓ પૂર્વે જ ‘ઇસરો’એ એક સાથે પાંચ વિદેશી ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી આપ્યા હતા. આના બદલામાં તેણે વિદેશી હૂંડિયામણ સ્વરૂપે તગડી ફી મેળવી હતી. આ તો આર્થિક હિતની વાત થઇ. પરંતુ આ માર્સ મિશન દ્વારા આપણને મંગળ પર કોઇ જીવનું અસ્તિત્વ છે કે નહીં તેનો ખ્યાલ આવશે, સાથે સાથે જ ત્યાં માનવ વસવાટ શક્ય છે કે કેમ તેનો પણ તાગ મળશે. આમ મંગળના અનેક રહસ્યો ભારતને જાણવા મળશે, જે સમગ્ર વિશ્વને એકયા બીજા પ્રકારે ઉપયોગી બની શકે છે. આનું મૂલ્ય રૂપિયામાં આંકવું શક્ય નથી. મંગળ યાન નિમિત્તે ‘ઇસરો’ને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુદની ક્ષમતા સિદ્ધ કરવાની તક મળી છે. છેલ્લાં છ દસકામાં ‘ઇસરો’ના પડકારભર્યા પ્રવાસમાં આ એક ઐતિહાસિક સીમાચિહન છે તેમાં કોઇ બેમત નથી.


    comments powered by Disqus