વેલ્સ ખાતે ગવર્નર કાર્નીએ કહ્યું હતું કે, ‘અર્થતંત્રને સામાન્ય બનાવવાની ઘણી શરતો સંતોષાઈ છે ત્યારે વ્યાજ દરોને સામાન્ય બનાવાય તે સ્થિતિ પણ નજીક આવી છે. ભવિષ્ય અંગે તો અનિશ્ચિતતા હંમેશા રહે જ છે ત્યારે વ્યાજ દર વધવાનો આરંભ થવાની ધારણા તમે રાખી શકો છો. તેનો સમય ડેટા પર આધારિત રહેશે.’ બ્રિટનમાં છેક માર્ચ ૨૦૦૯થી વ્યાજ દર ૦.૫ ટકાના વિક્રમી નીચાં સ્તરે રહ્યાં છે, પરંતુ મધ્યસ્થ બેન્ક હવે વ્યાજ દર વધારવા તરફ આગળ વધી રહી છે. નવ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીના બે સભ્યોએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તત્કાળ ૦.૭૫ ટકાનો વધારો કરવાનો મત આપ્યો હતો.