‘હોમ સેફ સેલ્ફી’ અભિયાન નાઈટક્લબમાંથી બૂકિંગ અને લાયસન્સ વિનાની મિનિકેબમાં ઘેર જવામાં લૂંટ અને સેક્સ્યુઅલ હુમલા સહિતના જોખમ અંગેની ચેતવણીઓ ફેલાવી શકે છે. મિનિસ્ટર્સ દ્વારા ટેક્સી કાયદાઓ હળવાં કરવાની યોજનાથી બાળકો માટે યૌનશોષણનું જોખમ વધી જશે, તેવાં લોકલ ગવર્મેન્ટ એસોસિયેશનના રિપોર્ટ પછી આ અભિયાનનો આરંભ કરાયો છે.
• સ્કોટલેન્ડના સમાચાર જાણી ક્વીન ખુશ ખુશ થઇ ગયાઃ સ્કોટલેન્ડે જનમતમાં આઝાદી નકારી હોવાના સમાચાર ટેલિફોન પર જાણીને ક્વીન એલિઝાબેથે આનંદોલ્લાસભર્યા ઉદગાર વ્યક્ત કર્યા હતા. વડા પ્રધાન ડેવિડ કેમરને આ જાણકારી આપી હતી. જોકે કેમરનની આ ટીપ્પણી રાણીની રાજકીય તટસ્થતા માટે ક્ષોભજનક બની રહે તેવી શક્યતા હોવાથી વડા પ્રધાન પોતાની આ ટીપ્પણી અંગે રાણીની માફી માગે તેવી ધારણા છે. કેમરન ન્યૂ યોર્કના પૂર્વ મેયર માઈકલ બ્લૂમબર્ગ સમક્ષ આ ટીપ્પણી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. બ્રિટનની રાજકીય પરંપરા અનુસાર પ્રધાનોએ રાણી સાથેની તમામ ચર્ચાઓ ગુપ્ત રાખવાની હોય છે.
• બ્રાઇટનનો જેહાદી હવાઈહુમલામાં મોતને ભેટ્યોઃ બ્રાઈટનનો ૧૯ વર્ષીય ટીનેજર ઈબ્રાહીમ કામારા સીરિયા પર યુએસના હવાઈ હુમલામાં મોતને ભેટનારો પ્રથમ બ્રિટિશ જેહાદી બન્યો છે. ૨૩ સપ્ટેમ્બરની રાત્રે સીરિયાના બીજા નંબરના મોટા શહેર અલેપ્પો પર હવાઈ બોમ્બ હુમલામાં મોતને ભેટેલાં પાંચ બ્રિટિશરોમાં ઈબ્રાહીમ પણ હતો. આ જેહાદીઓ અલ-કાયદાની એક શાખા જબાત અલ-નુસરા સાથે સંકળાયેલા હતા.
• ઈરાકમાં બોમ્બ કાવતરું, બ્રિટિશર સામે આરોપઃ સાત વર્ષ અગાઉ ઈરાકમાં સાથી દળોના સભ્યોની હત્યાના કાવતરા બદલ અનીસ આબિદ સરદારને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. નોર્થવેસ્ટ લંડનના વેમ્બલીના નિવાસી અનીસની ધરપકડ પોલીસે કરી હતી. આ યોજનામાં સજ્જાદ નબિલ સાલીહ અલ એસ અદનાન પણ સંકળાયો હતો. એફબીઆઈ દ્વારા સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર-ટેરરિસ્ટ નિષ્ણાતોને સંબંધિત પૂરાવામાં સહભાગી બનાવ્યાં હતા.
• અબુ કતાદા ત્રાસવાદી ષડયંત્રમાંથી મુક્તઃ ઉદ્દામવાદી ઈસ્લામિક ઉપદેશક અબુ કતાદાને જોર્ડનની કોર્ટે ત્રાસવાદી હુમલાઓનાં ષડયંત્રમાં મુક્ત જાહેર કર્યા છે. તેની સામે પૂરાવાઓ અપૂરતાં હોવાનું કોર્ટે જણાવ્યું હતું. આઠ વર્ષના કાનૂની યુદ્ધ પછી જોર્ડનમાં ત્રાસવાદના આરોપોનો સામનો કરવા કતાદાનું બ્રિટનથી પ્રત્યાર્પણ કરાયું હતું. જોકે, હોમ સેક્રેટરી થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે કતાદા યુકેમાં પાછો નહિ ફરી શકે. અબુ કતાદા રાષ્ટ્રીય સલામતીને જોખમરુપ હોવાનું યુકેની અદાલતોએ સ્પષ્ટ કરેલું જ છે.
• શરાબપાન કર્યું તો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ ક્લેઈમનું નાહી નાખોઃ રજાઓ માણવા ગયેલા લોકોને અકસ્માત થાય કે બીમાર પડે ત્યારે તેમના ટ્રાવેલ ઈન્સ્યુરન્સના ક્લેઈમ્સ માત્ર બે આલ્કોહોલિક ડ્રિન્ક લીધાં હોવાના કારણે નકારી દેવાય છે. દક્ષિણ વિસ્તારના ગ્રાહકો રજાઓ માણવા જતી વખતે સૌથી વધુ શરાબપાન કરતા હોય છે. આવા લોકો શરાબપાનનો ખરાબ ઈતિહાસ ધરાવતા હોવાનું કારણ પણ વીમા કંપનીઓ આગળ ધરી દે છે. ગ્રાહકોની ફરિયાદો પર લવાદી નિર્ણય આપતી ધ ફાઈનાન્સિયલ ઓમ્બડ્ઝ્મેન સર્વીસે ચેતવણી આપી છે કે વીમા કંપનીઓ ક્લેઈમ્સની ચૂકવણી કરવામાંથી છટકી જવા ‘આલ્કોહોલ એબ્યુઝ’ના આક્ષેપો ગ્રાહકો સામે કરતી રહે છે.
• પાસપોર્ટ ઓફિસ થેરેસા મેના સીધા અંકુશ હેઠળ મૂકાશેઃ ઉનાળામાં ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ઈસ્યુ કરવામાં પાસપોર્ટ ઓફિસ દ્વારા લાંબા વિલંબની અરાજકતા બદલ પાસપોર્ટ ઓફિસના ચીફ એક્ઝીક્યુટિવ પોલ પઘે મોટી કિંમત ચૂકવવી પડશે. તેઓ વાર્ષિક £૧૦૪,૦૦૦ની નોકરી ગુમાવશે કારણ કે પાસપોર્ટ ઓફિસને અલગ સંસ્થા તરીકે નાબૂદ કરીને હોમ સેક્રેટરી થેરેસા મેના સીધા અંકુશ હેઠળ મૂકવામાં આવશે. હોમ સેક્રેટરીએ પાર્લામેન્ટમાં આ પગલાંની જાહેરાત કરી હતી.