હવે ડાબેરી અને જમણેરી નિરીક્ષકો તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના ભાવિ નેતા તરીકે નિહાળી રહ્યા છે. ટોરી પાર્ટીના નેતાપદે વારસાગત સંપત્તિ અને ઓક્સબ્રિજ પ્રિવિલેજ સાથેના કેમરન અને ઓસ્બોર્નથી તદ્દન વિપરીત જરુરિયાતમાં સાજિદ બંધબેસતા છે. તેઓ નીચેથી ઉપરની સીડી પર સ્વબળે આગળ આવ્યા છે. તેઓ સ્પષ્ટ વિચારો ધરાવે છે. કેમરનના સૂચન અનુસાર જનમત હોય તો ઈયુમાંથી બહાર નીકળવામાં બ્રિટનને જરા પણ ડર ન હોવો જોઈએ તેમ તેઓ માને છે. તેમના માતાપિતા ૧૯૬૧માં પાકિસ્તાનથી ખિસ્સામાં માત્ર એક પાઉન્ડ સાથે બ્રિટન આવ્યા હતા, પરંતુ આજે જાવિદ મિનિસ્ટર છે.
૧૯૬૯માં જન્મેલા વચેટ દીકરા સાજિદે ૨૦ વર્ષની બેન્કિંગ કારકિર્દીમાં સારા નાણાં પણ બનાવ્યા હતા. આ પછી, તેમણે ૨૦૧૦માં પ્રથમ વખત બ્રોમ્સગ્રોવના કન્ઝર્વેટિવ સાંસદ તરીકે પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. માર્ગારેટ થેચરને ધ્રૂવતારો માનીને ચાલતા સાજિદની પ્રગતિ પ્રભાવક છે. ટ્રેઝરીમાં ઈકોનોમિક સેક્રેટરીથી ફાઈનાન્સિયલ સેક્રેટરી સુધી મજલ પછી આ એપ્રિલમાં ૪૪ વર્ષની વયે તેમને કલ્ચર સેક્રેટરી બનાવાયા હતા. ચાન્સેલર અથવા વડા પ્રધાન બનવાનું તેમનુ સ્વપ્ન હોઈ શકે છે.

