તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. આ 'જનમત'ને જીતવા માટે બધા જ પક્ષોના રાજકીય નેતાઅો એક થઇ ગયા અને સ્કોટલેન્ડની પ્રજાને મનાવવા માટે અવનવા વચનો આપ્યા. બીજી તરફ સ્કોટલેન્ડને મળતા લાભો જોઇને હવે ઇંગ્લીશ પ્રજાને પણ વધુ લાભ – ફાયદા જોઇએ છે.
સ્કોટલેન્ડનો ઇતિહાસ ખરેખર ખૂબજ ચેતનવંતો છે. સ્કોટલેન્ડ અલગ દેશ હતો પણ ૧૭૦૭માં સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડે સંધી કરી અને એક દેશ બન્યા હતા. આ સંધી સામે પણ બળવા થયા હતા જેમાંનો એક 'જેકોબાઇટ બળવો' તરીકે વિખ્યાત થયો હતો. બ્રિટનનો એક હિસ્સો ગણાતી આ સ્કોટીશ પ્રજા ખરેખર ખૂબજ બહાદુર, ચાલાક અને દરિયાખેડુ પ્રજા છે અને બ્રિટન જ્યારે સમગ્ર વિશ્વ પર રાજ કરતું હતુ ત્યારે આપણી આ સ્કોટીશ પ્રજાનું યોગદાન અદકેરૂ હતું.
- રશ્મિકાંત મહેતા, હેરો.
૦૦૦૦૦૦૦
નવરાત્રી વિશેષ
'ગુજરાત સમાચાર' દ્વારા તા. ૨૦ અને ૨૭ના અંકોમાં નવરાત્રી પર્વ પ્રસંગે વિશેષ પૂર્તિ બહાર પાડવામાં આવી હતી. ખરેખર આ સેવા તો 'ગુજરાત સમાચાર' જ આપી શકે. આ અંકમાં સમગ્ર યુકે અને ખાસ કરીને લંડનના વિિવધ વિસ્તારોમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજનો થઇ રહ્યા છે તેની ખૂબજ સુંદર માહિતી આપવામાં આવી. આ માહિતીને પગલે મારી દિકરીઅોને નવરાત્રી મહોત્સવ પ્રસંગે ક્યાં ક્યાં ગરબા ગાવા લઇ જવી તેના આયોજનમાં ખૂબજ મદદ થઇ. માતાજીની આરતી અને ગરબા મૂકીને આપે સોનામાં સુગંધ ભરી.
ખરેખર 'ગુજરાત સમાચાર' જ આવું સુંદર આયોજન કરી શકે અને તે માટે સૌ કાર્યકરોને અભિનંદન.
અજય ઠક્કર, ક્રોયડન.
૦૦૦૦૦૦૦
ડાયરેક્ટ ફ્લાઇટ માટેની લડત
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ બ્રિટનની જનતા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ માટે સુંદર લડત ચલાવાય છે. આ અગાઉ ૧૬,૦૦૦ કરતા વધારે લોકોએ પીટીશન પર સહીઅો કરીને તે ફોર્મ ભારતના નેતાઅોને મોકલી આપ્યા હતા. પરંતુ આપણા નરેન્દ્રભાઇ મોદીની સરકાર રચાઇ હોવા છતાં હજુ આપણને ન્યાય મળ્યો નથી.
આ રવિવારે જ ન્યુયોર્કના મેડિસન સ્કવેરમાં શ્રી મોદીજીએ અમેરિકન લોકોના લાભાર્થે અોન એરાઇવલ વિઝા આપવાની અને અોસીઆઇ-પીઆઇઅો અંગે જાહેરાત કરી. મને લાગે છે કે મોદી સાહેબે હવે આપણી ડાયરેક્ટ ફ્લાઇટની માંગણી અંગે વિચારીને ડાયરેક્ટ ફ્લાઇટ બને તેટલી જલદીથી શરૂ કરવાની જાહેરાત કરવી જોઇએ. મારા મતે તો વિઝા કે અોસીઆઇ-પીઆઇઅો જેટલો જ મહત્વનો પ્રશ્ન આપણી ડાયરેક્ટ ફ્લાઇટનો પણ છે.
આપણી લડતને ભાજપ અને કોંગ્રેસ પક્ષના બધા નેતાઅો સમર્થન આપી ચૂક્યા છે ત્યારે સમજાતું નથી કે જનતાના લાભનો આ નિર્ણય લેવા પાછળ ઢીલ કેમ થઇ રહી છે?
- રાજુ સોલંકી, ઇલફર્ડ
૦૦૦૦૦૦૦
ઇસ્લામીક સ્ટેટ સામે યુધ્ધ
અમેરિકા, ફ્રાન્સ અને સાથી અખાતી દેશોએ ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISના આતંકવાદીઅો પર હમણાં જ હવાઇ અક્રમણ કર્યું. હવે બ્રિટન પણ તેમાં જોડાયું છે. પરંતુ શું હવાઇ આક્રમણ માત્રથી આ આતંકવાદીઅોને ઠેકાણે લાવી શકાશે? તાજેતરમાં જ સમાચાર હતા કે અફઘાનીસ્તાનના સંગીન વિસ્તારમાં આતંકવાદીઅોનું જોર એટલું બધુ વધી ગયું છે કે હવે તેઅો 'સંગીન' વિસ્તારનો કબ્જો કરી લેશે એમ લાગે છે. સંગીન પર આટલા વર્ષો સુધી કબ્જો જાળવી રાખવા આપણા બ્રિટનના જ ૧૧૦ જેટલા સૈનિકો અને અન્ય સહાયકોના મોત નિપજ્યા હતા. હવે આપણું લશ્કર ખસતા જ ત્યાં પાછુ તાલિબાનનું શાસન સ્થપાશે. આવું જ ઇરાક અને લીબીયામાં થયું છે. બ્રિટનના લશ્કરી જનરેલ ચેતવણી આપી છે કે માત્ર હવાઇ હુમલા પૂરતા નથી. જમીન પર પણ યુધ્ધ લડવું પડે. પણ ઇરાક અને અફઘાનીસ્તાનમાં દુધના દાઝેલા આપણા નેતાઅો અને લશ્કર તે માટે તૈયાર નથી.
આપણે વડિલોને પૂરતા લાભો કે સુયોગ્ય સારવાર આપી શકતા નથી. બેનીફીટ્સ પર કાપ મૂકાયો છે ત્યાં આ યુધ્ધો વ્યાજબી હોવા છતાં ચિંતજનક લાગે છે.
અજીત પટેલ, કોવેન્ટ્રી.
અમેરિકામાં મોદી જીનું ઉષ્માભર્યું સ્વાગત
આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદીજી અમેરિકા પહોચી ગયા છે. નવરાત્રીના નવ દિવસના નકોરડા ઉપવાસ સાથે ખૂબ જ વ્યસ્ત એવો પાંચ દિવસનો પ્રવાસ છે. ન્યુયોર્કના મેડિસન સ્ક્વેરમાં તેમને સાંભળવા ૨૦,૦૦૦ લોકો તેમનું પ્રવચન સંભાળવા ઉમટી પડ્યા. તેમણે 'પર્સન અોફ ઇન્ડિયન અોરીજીન' લોકોને આજીવન વિઝા આપવાની અને અમેરિકન નાગરીકોને અોન એરાઇવલ વિઝા આપવાની જાહેરાતો કરી ખુશ કરી દીધા. સામે પક્ષે ભારતીયોએ પણ ઉત્સાહ - ઉમંગ સાથે ગગન ભેદી નારાઅો સાથે તેમનું જોરદાર સ્વાગત કર્યું. મોદીજીએ જન ભાગીદારી દ્વારા વિકાસનું સુત્ર આપ્યું.
મોદીજીએ યુએનની સામાન્ય સભામાં હિન્દીમાં સંબોધન કરી અનેક મહત્વના મુદ્દાને ઉજાગર કર્યા. આંતકવાદ સામે લડવા માટે વિશ્વના દેશો જી-એઇટ અને જી-ટ્વેન્ટી જેવા સંગઠનો બનાવ્યા છે તો શા માટે જી-ઓલ સંગઠન બનાવાતું નથી? તેવો વિચાર વહેતો કરી દુનિયાભરના નેતાઅોને વિચારતા કરી મૂક્યા. મોદીજીએ સાફ શબ્દોમાં કહ્યું કે ભારતના વડા પ્રધાન તરીકે 'મેં પ્રથમ દિવસે જ પાડોશી દેશો સાથે શાંતિ અને સદભાવના માટે મંત્રણા કરી છે, અમે પાકિસ્તાન સાથે દોસ્તી કરવા તૈયાર છીએ પરંતુ આંતકવાદના પડછાયા હેઠળ નહિ.'
ભરત સચાણીયા, લંડન.
૦૦૦૦૦૦
દિકરી, વ્હાલનો દરિયો
દીકરીને હૈયાનો હાર, હૃદયના ધબકારા અને દીકરો આંખોની કીકી. દીકરીને કાંઈ થાય તો મા-બાપનું બી.પી. વધી જાય અને ક્યારે હૃદય બેસી જાય તે પણ ખબર પડતી નથી. દીકરીને કાંઈ થાય તો મા-બાપને મોતીયો આવ્યો તેવું લાગે છે.
આ બધું જોતાં અને સમજતા મા-બાપના મનમાં એક કોમ્પલેક્ષ ઘર કરી જાય છે અને દીકરા-દીકરી ઉપર એક એવો હક્ક જમાવવાની કોશિશ થાય છે કે તેમના જીવનમાં અડચણો જાણતા અજાણતા ઊભી થાય છે અને મા-બાપથી જુદા રહેવાનું થાય છે.
ઘણી વખતે એવું બને છે કે પોતાનું વર્ચસ્વ અને હક્ક જમાવવા મા-બાપ, દીકરા-જમાઈ અને દીકરા-વહુ વચ્ચે ઝઘડો ઊભો થાય તેવું કરે છે અને તેનું ફળ પામવા માટે રાહ જુએ છે. ક્યારેક કટુવચન બોલી મા-બાપ દિકરા-વહુ કે દિકરી-જમાઇને ન બોલવાનું બોલી દે છે.
આવા સ્વાર્થી અને લાલચુ મા-બાપને ઘડપણમાં જોવાવાળું કે સંભાળ રાખવાવાળું કોઈ હોતું નથી. જમાનો બદલાયો છે ત્યારે થોડું જીવવું હોય તો બધી માથાકૂટ છોડી દેવી જોઇએ. દીકરા-વહુ, દીકરી-જમાઈ પોતાની ફરજ સમજે અને મા-બાપે પણ સ્વાર્થ બાજુએ મૂકી પોતાની ફરજ સમજવી જોઈએ.
- કૌશીકરાય દવે, લેસ્ટર
000000000
શ્રી મોદીનો ગરબો
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને એમણે લખેલ ગરબા પર ગુજરાતની નારીઓને ગાતી અને ઘૂમતી જોઈ. તેમના ગરબામાં જન્મભૂમિ અને દેશભક્તિની ભાવના ભારોભાર વર્ણવી છે. આ ગરબો સાંભળીને મને મારા નાના શ્રી ન્હાનાલાલ દલપતરામ કવિએ લખેલું કાવ્ય, ‘ગુર્જરી વંદના’ યાદ આવ્યું. આશા છે કે રસિક વાંચકોને આ બંને ગરબો અને કાવ્ય ગમશે. એમણે જાણે ગુજરાતની ભૂમિને પગલે પગલે પીધી છે. શ્રી મોદીનો ગરબો આ મુજબ છે.
ઝીલે એનો ગરબો, ને ગાય એનો ગરબો
ગરબો ગુજરાતનો, ગરબીની રાત છે.
સંસ્કૃતિનો ગરબો ને પ્રકૃતિનો ગરબો
વાંસળી છે ગરબો ને મોરપીંછ ગરબો.... ગરબો ગુજરાતનો
સત્ય છે ગરબો ને અક્ષત છે ગરબો
ગરબો માતાજીની કંકુ રળિયાત છે.... ગરબો ગુજરાતનો
શક્તિ છે ગરબો, ને ભક્તિ છે ગરબો
ગરબો નારીના ફૂલની એ છાંટ છે.... ગરબો ગુજરાતનો
મારા નાનાની 'ગુર્જરી વંદના' અત્રે પ્રસ્તુત છે.
અજબ દુનિયાની વાડીમાં અજબ આ ગુર્જરી કુંજો
સિંહો જ્યાં ઘૂઘવે વનમાં, હુંકારે હાથીડા ધનમાં,
જલધિ દે થાળ મોતીનાં... ગજબ આ
સજન સાગર વડા ખેડે
ચડે શીશુ લાકડી ઘોડે.
રમણી ગરબે ઘૂમે કોડે.... અજબ આ
કનૈયો આવી જ્યાં વસિયો
જીત્યો વણશસ્ત્ર રણરસિયો
ગીતા ઉદબોધીને હસિયો.... અજબ આ.
- કાન્તાબહેન પ્રભાકાંત પટેલ, ઓકવુડ.
000000000