સંતરામ મહારાજનો ૧૮૪મો સમાધિ મહોત્સવઃ નડિઆદના સંતરામ મહારાજનો ૧૮૪મો સમાધિ મહોત્સવ અને બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજની પુણ્યિતિથિના ઉપક્રમે ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ભવ્યાતિભવ્ય સત્સંગના કાર્યક્રમોનું આયોજન થયું છે. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં પૂ. આચાર્ય શ્રીમતસ્વામી મેઘાનંદપુરીજીના અધ્યક્ષપદે શાકરભાષ્ય પારાયણાંજલિ અને શ્રીમદ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય ઉપર વિદ્વાન સંતોના પ્રવચનો યોજાશે.
અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ હવે યુનિવર્સિટી બનશેઃ અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસસ્થિત કિડની ઇન્સિટટ્યૂટને સ્ટેટ યુનિવર્સિટીનો દરજ્જો આપીને સ્વાયત્ત બનાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સંસ્થાને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. ગ્રાન્ટ અને દાનના સહારે સંસ્થાએ વિશ્વભરમાં એવી નામના મળવી કે તેનું નામ દુનિયાની સૌથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતી સંસ્થામાં આવી ગયું. સંસ્થાની ઉત્તમ કામગીરીને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન આંદીબહેન પટેલ અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કિડની ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો. એચ. એલ. ત્રિવેદીની સંસ્થાને યુનિવર્સિટી બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટેનું ખાસ વિધેયક આગામી વિધાનસભામાં લાવવામાં આવશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. કિડની હોસ્પિટલમાં અત્યારે દર વર્ષે લગભગ ૩૫૦થી ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. ૪૦થી ૫૦ દર્દીઓના લીવર પ્રત્યારોપણ તથા ૨૫૦થી ૩૦૦ સ્ટેમસેલ પ્રત્યારોપણ જુદા જુદા રોગ માટે થાય છે.