ફેસબુક પર સ્ત્રીઓ અને બાળકોની હત્યાનો ઉપદેશ

Monday 01st December 2014 11:26 EST
 

બ્રિટનમાં પ્રતિબંધિત ઓમર બાકરી Isilના જેહાદીઓ દ્વારા વિરોધીઓની હત્યાને પણ સમર્થન આપે છે. તેણે ફેસબુક પેજ પર ઘરનો ટેલિફોન નંબર આપવા સાથે હિંસક જેહાદ માટે ધાર્મિક તર્કો પણ આપ્યા છે. બાકરીના પ્રભાવ હેઠળના ઘણા બ્રિટિશરો Isilના જેહાદીઓ સાથે રહીને લડે છે.

પ્રિન્સ ચાર્લ્સની તાજપોશીમાં કુરાન વાંચવા બિશપની હિમાયત

પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી સર્વિસનો આરંભ કુરાન વાંચનથી થવો જોઈએ તેમ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વરિષ્ઠ અને ઉદારવાદી બિશપ લોર્ડ હેરિસ ઓફ પેન્ટ્રેગાર્થે કહ્યું છે. આ શુભચેષ્ટા મુસ્લિમોમાં દેશે ગળે લગાવ્યાની લાગણી જન્માવશે. તેમણે કહ્યું હતું કે ચાર્લ્સની તાજપોશી બીનખ્રિસ્તી ધર્મોના નેતાઓને નવા રાજાને તેમના આશીર્વાદ આપવાની તક આપશે. જોકે, આ વિચારની ટીકા કરતા લોકોએ ચર્ચે પોતાની જ પરંપરાઓ અને સંસ્થાઓમાં વિશ્વાસ ગુમાવી દીધો હોવાનું જણાવ્યું હતું.

પ્રસિદ્ધ ડિટેક્ટિવ નવલકથાકાર પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધન

સંખ્યાબંધ ડિટેક્ટિવ નવલકથાઓ માટે પ્રસિદ્ધિને વરેલાં લેખિકા અને બેરોનેસ ઓફ જેમ્સ હોલેન્ડ પાર્ક પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે પોલીસમેન અને કવિ આડમ ડેલગ્લીશના પાત્રને નવલકથાઓમાં ચમકાવ્યું હતું. ઓક્સફર્ડ ખાતેના નિવાસે તેમણે ૨૭ નવેમ્બર, ૨૦૧૪ના રોજ અંતિમ શ્વાસ લીધાં હોવાનું પરિવારે જણાવ્યું હતુ.

બ્રિટિશ મધ્યમ વર્ગમાં આલ્કોહોલથી મૃત્યુનું વધતું પ્રમાણ

બ્રિટનમાં આલ્કોહોલના સેવનથી મૃત્યુનો દર વધી રહ્યો હોવાની ચેતવણી લાન્સેટ કમિસને આપી છે. ફિનલેન્ડ સિવાય યુરોપમાં બ્રિટન એક માત્ર આવો દેશ છે. ૧૯૭૦ પછી લિવરના રોગનું પ્રમાણ પાંચ ગણું થયું છે. મધ્યમ વર્ગીય લોકોમાં શરાબપાનનું વધતું પ્રમાણ બ્રિટનને યુરોપમાં આલ્કોહોલ સંબંધિત રોગોમાં રાજધાની બનાવી રહ્યું છે ત્યારે ડોક્ટરો દ્વારા લિવર સ્કેનિંગ કરવામાં આવે તેવી ભલામણ પણ કમિશને કરી છે. વરિષ્ઠ ડોક્ટરો કહે છે કે લોકો આલ્કોહોલને લાઈફસ્ટાઈલ પસંદગી તરીકે નિહાળી રહ્યા છે.


comments powered by Disqus