ભારતીય પાયલોટ પુજ્જીની પ્રતિમાનું અનાવરણ

Tuesday 02nd December 2014 08:31 EST
 
 

ફાઈટર પાયલોટ પુજ્જીની ૭૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે નિર્મિત આઠ ફીટની કાંસ્ય પ્રતિમા યુરોપમાં ભારતીય યુદ્ધનાયક માટે આવું પ્રથમ સ્મારક છે. ઈન્ડિયન એર ફોર્સના ૨૪ અધિકારી ૧૯૪૦માં બ્રિટનના રોયલ એર ફોર્સ સાથે મળી હવાઈ યુદ્ધમાં જોડાયા હતા. સ્કવોડ્રન લીડર પુજ્જીએ યુરોપમાં બે જર્મન ફાઈટર્સને તોડી પાડ્યા હતા અને ત્રણને નુકસાન પહોંચાડ્યું હતું. તેમના વિમાનને ઈન્ગ્લિશ ચેનલ અને મિડલ ઈસ્ટમાં તોડી પડાયું હતું. તેમના સહિત નસીબવાન ૧૬ ભારતીય હીરો વતન પરત થયા હતા અને તેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસ પણ એનાયત થયો હતો. તેઓ ૧૯૭૪માં યુકેમાં સ્થાયી થયા હતા અને ૨૦૧૦માં ૯૨ વર્ષની વયે તેમનુ નિધન થયું હતું. RAF ના એર વાઈસ માર્શલ એડવર્ડ સ્ટ્રીંગરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ૧૭,૦૦૦થી વધુ ભારતીય RAFમાં જોડાવા તૈયાર થયા હતા અને ઈન્ડિયન એર ફોર્સના ૨૫,૦૦૦ ભારતીયો યુદ્ધમાં લડ્યાં હતાં.

પ્રિન્સ ફિલિપને રીજન્ટ બનાવવા ક્વીનનો હસ્તક્ષેપ

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના શાસનના આરંભે તેમનું નિધન થાય તો રાજ્ય કારભાર સંભાળવા ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપનું નામ મૂકાવ્યું હતું. આના પરિણામે પ્રિન્સેસ માર્ગારેટ સંબંધે વિવાદ સર્જાય તેમ હોવાનો ભય મિનિસ્ટર્સને હોવાનું દસ્તાવેજોમાં જણાવાયું હતું. એલિઝાબેથ દ્વિતીયની ક્વીન તરીકે જુલાઈ ૧૯૫૩માં તાજપોશી પછી લખાયેલા સરકારી દસ્તાવેજો અનુસાર પ્રિન્સ ચાર્લ્સ શાસન ચલાવવા જેટલા મોટા થાય ત્યાં સુધી તેમના પતિ રીજન્ટની કામગીરી સંભાળે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. આના પરિણામે, રીજેન્ટ તરીકે ક્રમમાં આવતાં પ્રિન્સેસ માર્ગારેટને ચાર્લ્સના પિતા દ્વારા સુપરસીડ કરાયા હતા. આ પગલાને શાહી પરિવારના તમામ સભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે.


comments powered by Disqus