જો ખરેખર સોંઘવારી આવશે તો?

લલિત લાડ Friday 31st October 2014 07:08 EDT
 

મોદી સાહેબના ‘અચ્છે દિન’ આવી ગયા, પણ અમે ત્યાંના ત્યાં જ છીએ! છતાં અમે કલ્પના કરી રહ્યાં છીએ કે જ્યારે ખરેખરી સોંઘવારી આવશે ત્યારે ગરીબો તો ઠીક, બિચાર પૈસાદારોનું શું થશે હેં?

જુઓ થોડા કાલ્પનિક સીન...

ફાઇવ-સ્ટાર હોટેલના ભાવ ઘટશે

એક કિટી-પાર્ટીમાં મિસિસ નાણાવટી અને મિસિસ કંપાણી ભેગાં થઈ જશે. ‘હલ્લો મિસિસ નાણાવટી! કેમ છો? યુ લુક ગોર્જિયસ!’

‘ઓહ થેન્કસ મિસિસ કંપાણી. જોકે તમે પણ આજે સુંદર લાગો છો. આ સાડી ક્યારે લીધી?’

‘અરે જવા દોને મિસિસ નાણાવટી? આ તો જૂની સાડી છે. ત્રણ મહિના પહેલાં પહેરી હતી, પણ આજે ફરીથી પહેરવી પડી. શું થાય? શોપિંગનો ટાઈમ જ નથી મળતો.’

‘સાચી વાત છે. જુઓને મારે આ મારો દોઢ કરોડનો ડાયમન્ડ નેકલેસ પણ આજે બીજી વાર પહેરવો પડ્યો.’

‘હા. પણ તમે આમ સ્લિમ થઈ ગયાં હો એવું લાગે છે, મિસિસ નાણાવટી!’

‘ઓહ થેન્કસ. એક્ચ્યુલી છે ને, તે હું છેલ્લા એક મહિનાથી માત્ર સલાડ ખાઉં છું! તમે માનશો, ૩૦ દિવસમાં મારું વજન ૩૦૦ ગ્રામ ઘટી ગયું!’

‘અચ્છા?’

‘હા! જોકે તમારું ફિગરપણ સુધરી ગયું છે હોં... મિસિસ કંપાણી!’

‘ખરેખર? થેન્કસ ફોર ધ કોમ્પિલમેન્ટ્સ!’

‘તમે શું કર્યું? એક્સરસાઇઝ કરો છો?’

‘ના રે ભઈ? મને તો પ્રેશરનો પ્રોબ્લેમ છે. હું એક્સરસાઇઝ કરવા જાઉં તો મારું બી.પી. વધી જાય છે.’

‘અરેરે! તો?’

‘તો શું થાય? ફક્ત ફ્રૂટ જ્યુસ પીને ડાયેટિંગ કરવું પડે છે.’

‘અરેરે! પણ તમે ગુડ ન્યુઝ સાંભળ્યાં? ફાઇવ સ્ટાર હોટેલોની રેસ્ટોરન્ટોના ભાવ એકદમ ઘટી ગયા છે!’

‘ના હોય!’

‘હા, હા! પહેલા તો મેં પણ નો’તું માન્યું, પણ મારા સ્માર્ટ-ફોન પર ગઈ કાલે જ ન્યૂઝ ફ્લેશ આવ્યો. એમાં હતું કે તાજ ઇન્ટર કોન્ટિનેન્ટલવાળાઓએ ગુજરાતી થાળી ઇન્ટ્રોડ્યુસ કરી એને લીધે હવે ચાઇનીસ, મેક્સિકન અને મુગલાઈ ફૂડના ભાવ ઘટી ગયા છે!’

‘અરેરે! આ તો ત્રાસ થઈ જશે. હવે ફાઇવ સ્ટાર હોટેલોમાં પણ મિડલ કલાસ ફેમિલીઓ ઘૂસી જશે!’

રે-બેન ગોગલ્સના ભાવ અડધા થઈ જશે

કિરીટનું કોલેજનું નામ ‘કિટ્સ’ છે. તે જ્યારે રાતના બે વાગ્યે પોતાની મોટરસાઇકલ પર બેસીને ડિસ્કોથેકથી ઘરે જઈ રહ્યો હશે ત્યારે તેને રસ્તામાં જિપ્સી લઈને રખડી રહેલા ‘મિટ્સ’, ‘બિન્સ’ અને ‘ચેન્જી’ ઉર્ફે મિતેશ, બિનેશ અને ચરનજિત મળશે.

‘હાય! વોટ સીન યાર?’

‘જસ્ટ હોપિન અરાઉન્ડ મેન!’

‘ન્યૂ જિપ્સી?’

‘નો! ઓલ્ડ મેનની છે!’ ઓલ્ડ મેન એટલે પપ્પા.

‘તારી કને ફેગ્સ છે?’ ફેગ્સ એટલે સિગારેટ.

‘લાસ્ટ વન. કિટ્સ તું લકી છે...’ કિટ્સ ઉર્ફે કિરીટ સિગારેટ સળગાવશે. ચેન્જી તને કહેશે, ‘ગિવ મી અ ડ્રેગ, યાર.’ ડ્રેગ એટલે કશ.

બિન્સ કિટ્સને જરા મસ્કો મારી પૂછશે, ‘કિટ્સ, આઇ નીડ સમ ડો.’ ડો એટલે પૈસા.

‘કેટલા?’

‘વન થાઉ.’ થાઉ એટલે થાઉઝન્ડ, હજાર.

‘વન થાઉ?’ ના યાર. હુ નવા રે-બેન માટે સેવ કરી રહ્યો છું. સેવ એટલે બચાવવું. બચત.

‘પણ રે-બેન પ્રાઇસિસ તો ગગડી ગઈ! તને ખબર નથી? હવે રે-બેન હાફ પ્રાઇસમાં મળે છે.’ મિટ્સ ગુજરાતીમાં સમાચાર આપશે.

‘હાફ પ્રાઇસ? વાઉ! એનો મતલબ કે હવે હું મારા ચાર દિવસના પોકેટ-મનીમાંથી રે-બેન બાય કરી શકીશ? વાઉ!’

પોકેટ-મની એટલે ખિસ્સાખર્ચી. જે પપ્પા ઉર્ફે ઓલ્ડ મેન દર મહિને તેમના દીકરાઓને આપે છે તે. કિટ્સ ઉર્ફે કિરીટ ખુશ થઈ જશે. તે કહેશે, ‘તો તો હું રે-બેન બે ગોગલ્સ બાય કરીશ. એક દિવસે પહેરીશ, બીજા રાત્રે!’

બિસ્કિટો સસ્તાં થશે

‘શું કહ્યું, બિસ્કિટો? સસ્તાં થશે? મિસિસ કંપાણી આ તે કંઈ ગુડ ન્યુઝ કહેવાય. બિસ્કિટો તો મિડલ-કલાસના લોકો ખાતા હોય છે. અને એક વાર તો મેં એક ભિખારીને પણ બિસ્કિટ ખાતાં જોયેલો! બિસ્કિટો સસ્તાં થાય એમાં આપણે શું, મિસિસ કંપાણી?’

‘મિસિસ નાણાવટી, તમે બરાબર સાંભળ્યું નહીં, સાદાં બિસ્કિટો નહીં, કૂતરાને ખાવાનાં બિસ્કિટો હવે સોંઘાં થશે!’

‘અં...હં! અચ્છા એમ? આ ગુડ ન્યુઝ કહેવાય. પણ મિસિસ કંપાણી, આમ જોવા જાવ તો આ કંઈ બહુ સારા સમાચાર ન કહેવાય.’

‘કેમ?’

‘હવે તો આપણા ડ્રાઇવરો પણ કૂતરા પાળતાં થઈ જશે!’

‘ઓ માય ગોડ! તો પછી આપણે શું પાળીશું?’

‘પાન્ડા!’ એ હજી મોંઘા છે!’

એરકંડિશનરોના ભાવ ઊતરી જશે

અત્યારે જે રીતે કાર, મોબાઇલ ફોન કે ક્રેડિટ કાર્ડના સેલ્સમેનો ફોન ઉપર એપોઇન્ટમેન્ટ લીધા વિના સીધા બંગલે આવી જાય છે, તે રીતે સવાર સવારના એરકંડિશનરનો એક સેલ્સમેન સાહેબના બંગલે પહોંચી ગયો હશે.

સાહેબ બ્રશ કરતાં કરતાં બહાર આવશે ત્યાં તો સેલ્સમેન ચાલુ પડી જશે, ‘જુઓ સર, અમારાં એરકંડિશનરોમાં પાંચ મોડલો છે.’

‘મોડલબોડલની વાત છોડો. કિંમત બોલો, કિંમત,’ સાહેબ અકળાઈને કહેશે, ‘તમારી પહેલાં ત્રણ જણા આજે આવી ગયા છે.’

‘મારી પહેલાં ત્રણ જણ? હજી તો સવારના આઠ જ વાગ્યા છે!’ સેલ્સમેન ડઘાઈ જશે.

‘જુઓ ભઈ, એ.સી. વેચવું હોય તો મહેનત કરવી પડે. સવારે સૌથી પહેલો આવનાર સેલ્સમેન કાલે રાતના ઝાંપાની બહાર જ સૂઈ રહેલો!’ સાહેબ કંટાળા સાથે કહેશે, ‘હવે તમે કંઈ ડિસ્કાઉન્ટ-બિસ્કાઉન્ટ આપવાના હોય તો બોલો.’

‘ડિસ્કાઉન્ટ? અરે સાહેબ! અમે લોકો તો બે એ.સી.ની ખરીદી પર ત્રીજું એ.સી. મફત આપીએ છીએ!’

‘અચ્છા?’ સાહેબ મહેરબાની કરતા હોય તેમ કહેશે, ‘તો ત્રીજું એ.સી. રસોડામાં ફિટ કરાવી દો.’

‘અને પહેલાં બે?’

‘એક બેબીના બાથરૂમમાં અને એક બાબાના બાથરૂમમાં!’

સેલ્સમેન બિચારો ઓર્ડર નોંધતો હશે ત્યારે સાહેબ સહજતાપૂર્વ પૂછશે, ‘અચ્છા, અમારે આખો બગીચો એરકંડિશન્ડ કરાવવો હોય તો કેટલામાં પતે?’

નવી-નવી સમાધાન યોજનાઓ આવશે

‘તમે સરકારની ટીકા નકામી કરો છો સાહેબ. જોયું નહીં? હમણાં જ પેલી કર-સમાધાન યોજના આવી ગઈ. એમાં કેવી સમજાવટથી જૂના ટેક્સના હિસાબોની માંડવાળ થઈ ગઈ?’

‘હા, પણ એમાં મને શું ફાયદો?’

‘અરે સાહેબ, હજી નવી-નવી યોજનાઓ આવી રહી છે. દાખલા તરીકે આ જુઓ - દેવાળું સમાધાન યોજના! આમાં જે જે કંપનીઓએ શેરહોલ્ડરોના પૈસાનું કરી નાખ્યું છે એમને કાયદેસર રીતે દેવાળું ફૂંકવાની સગવડ કરી આપવામાં આવશે!’

‘હા. પણ એમાં મારે શું?’

‘તો લો, આ બીજી યોજના - પ્રોવિડન્ટ ફંડ સમાધાન યોજના! આમાં રિટાયર થયેલા અને છૂટા કરાયેલા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ આરામથી અદ્ધર કરી શકાય એવી છૂટછાટો છે!’

‘હા. પણ એમાં મારે શું?’

‘ધીરજ રાખો સાહેબ, જુઓ આ બિલ્ડર સમાધાન યોજના! આમાં જે જે બાંધકામ ગેરકાયદેસર રીતે થયાં છે તેને સાવ મામૂલી ફી લઈને કાયદેસર કરી આપવામાં આવશે! બોલો, હવે ખુશ?’

‘ના રે ભઈ, હજી મને ફાયદો થાય એવું કંઈ નથી.’

‘એવું છે? તો આ ભેળસેળ સમાધાન યોજના સાંભળો. આમાં તમે જો તેલ-ઘઉંથી માંડીને દારૂ કે દવાઓમાં ભેળસેળ કરી હોય તો એમાં પણ સમાધાન કરી નાખવામાં આવે છે! અને જી સાંભળો, લોન સમાધાન યોજના! આમાં ૧૦ લાખથી માંડીને ૧૦ કરોડ રૂપિયાની લોન લેનારને તેમના દેવાં માફ કરી દેવાયાં છે.’

‘અરે યાર... પણ આમાં મને શું ફાયદો? મેં કોઈ લોન નથી લીધી, હું બિલ્ડર નથી, કરિયાણાંનો વેપારી નથી, કંપનીનો માલિક નથી, શેરબજારનો સટોડિયો નથી... તો મને ફાયદો શું થયો?’

‘એમ? તો તમે શું ધંધો કરો છો?’

‘હું ગુંડાઓ રાખું છું, હપતા ઉઘરાવું છું, ધમકી આપીને નાણાં પડાવું છું, અપહરણો કરાવું છું, સોપારી લઈને ખૂનો કરાવું છું, સ્મગલિંગ, હેરાફેરી... આવા સીધાસાદા ધંધા કરું છું. પણ હમણાં હમણાં પોલીસોએ એન્કાઉન્ટર કરી મારા છ માણસોને મારી નાખ્યા!’

‘એવું છે? તો એનું પણ સમાધાન કરીએ. તમારા છ માણસો મરી ગયાને? ને તમે -’

‘હું પોલીસના છ ઇન્સ્પેકટરોને મારી નાખું? બરાબર છે?’

‘અરે, ના ના! આમાં પોલીસને ક્યા વચ્ચે લાવો છો? તમે એક સમાધાન કરો. છ ચોકુ ચોવીસ નિર્દોષ માણસોને મારી નાખો! બરાબર છે?’

•••

લો બોલો! આવી સસ્તાઈ અને સસ્તાઈભરી સ્કીમો કંઈ મોદી-સાહેબ લાવી શકવાનાં છે? પણ આ તો અમસ્તાં સપનાં... એટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે.


    comments powered by Disqus