જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનારી શ્રીલંકાની ટીમનો દાવ ૩૯.૨ ઓવરમાં ૧૯૪ રનમાં જ સમેટાઇ ગયો હતો. આ સાથે જ ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે છઠ્ઠી નવેમ્બરે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે.
ભારત માટે શિખર ધવન અને અજિંક્ય રહાણેએ ઓપનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી. બન્ને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે ૨૩૧ રન નોંધાવ્યા હતા. બન્ને ઓપનરે મેચમાં સદી નોંધાવી હોય તેવો ભારત માટે આ ત્રીજો બનાવ હતો. અગાઉ સચિન અને સૌરવ ગાંગુલીએ બે વખત એક જ મેચમાં સદી નોંધાવવાનો વિક્રમ કર્યો છે. ધવને ૧૦૭ બોલમાં ૧૪ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૧૧૩ અને રહાણેએ ૧૦૮ બોલમાં ૧૩ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે ૧૧૧ રન કર્યા હતા. રૈનાએ ૩૪ બોલમાં બાવન કર્યા હતા.
૩૬૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાની શરૂઆત નબળી હતી. સ્ફોટક ઓપનર તિલકરત્ને દિલશાન ૧૮ રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ ૬૧ રનના સ્કોરે શ્રીલંકાએ સિનિયર બેટ્સમેન કુમાર સંગાકારાની વિકેટ ગુમાવી હતી. તેણે ૧૩ રન કર્યા હતા. મહેલા જયવર્દનેએ ઝડપી ઇનિંગ રમીને ૩૬ બોલમાં ૪૩ રન કર્યા હતા. જોકે તે અક્ષર પટેલની બોલિંગમાં કોહલીને કેચ આપી બેઠો હતો. જયવર્દને આઉટ થયા બાદ અન્ય કોઈ બેટ્સમેન લાંબી ઇંનિગ્સ રમી શક્યો નહોતો અને સમગ્ર ટીમ ૧૯૪ રન કરીને આઉટ થઈ હતી. ઇશાન્ત શર્માએ ૩૪ રન આપીને ચાર વિકેટ લીધી હતી.