સચિને તેના પુસ્તકમાં સનસનીખેજ ખુલાસો કરતાં જણાવ્યું છે કે કોચ ગ્રેગ ચેપલે વેસ્ટ ઇન્ડિઝમાં ૨૦૦૭માં રમાયેલા વર્લ્ડ કપના એક માસ પહેલાં આઘાતજનક સૂચન કરતા કહ્યું હતું કે મારે રાહુલ દ્રવિડ પાસેથી સુકાની પદ છીનવી લેવું જોઈએ. બાદમાં તેમણે સચિનને કહ્યું હતું કે આ પછી આપણે બન્ને સાથે મળીને વર્ષો સુધી ભારતીય ક્રિકેટ પર રાજ કરીશું. ઓસ્ટ્રેલિયન કોચ ચેપલે સચિનના નિવાસસ્થાનની મુલાકાત દરમિયાન આ ઓફર કરી હતી. માસ્ટરબ્લાસ્ટર બેટ્સમેને તેની આત્મકથા ‘પ્લેઇંગ માય વે’માં આ વાત કરી છે.
સચિને ૨૦૦૫થી ૨૦૦૭ સુધી ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવનાર ગ્રેગ ચેપલના વલણની આકરી ટીકા કરી હતી અને તેને રિંગ માસ્ટર જેવા ગણાવ્યા હતા, જેઓ પોતાના આઇડીયા ખેલાડીઓ પર લાદતા હતા. આ સમયે તેઓ એ વાતનું પણ ધ્યાન નહોતા રાખતા કે આ બધી બાબતો સાથે ખેલાડીઓ તાલમેલ સાધી શકશે કે કેમ.