વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે ‘જીવંત પંથ’માં શરૂઆતનો ભાગ જ સમાવી શકાયો હતો. મારા સાથીદારોએ આવીને કહ્યું કે - સી.બી., ચાર ઇંચનો ઘેરાવો ધરાવતી ‘ડીશ’માં ૧૧ વાનગી તો કેમ કરી સમાવી શકાય?! આપણે તો હાજરજવાબી... તરત કહ્યું કે ‘ડીશ મોટી’ લો. મારું સુચન સાચું હતું, પણ તેમનો જવાબ તાર્કિક હતોઃ ગયા સપ્તાહે આપણે દિવાળી પ્રસંગે એક જ અંક બંધ રાખીને તેની આગળના અને પાછળના બધા અંકો રાબેતા મુજબ પ્રકાશિત કર્યા હતા. આ સંજોગોમાં માત્ર બે દિવસની ટુંકી મર્યાદામાં પાન વધારવાનું બહુ મુશ્કેલ છે. અને આપણા વાચકો પણ સમજુ છે...
વાચકોને મારા સાથીઓમાં વિશ્વાસ છે અને મારા સાથીઓને વાચકોમાં ભરોસો છે તે હું સુપેરે જાણું એટલે તેમની વાત સ્વીકારી. જબ મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી. ખેર, જાહેરખબર બાબતમાં થોડીક નબળાઇ અમે પણ અનુભવીએ છીએ. આથી જ તો મેં દિવાળી પૂર્વેના ‘જીવંત પંથ’માં આ વર્ષને પડકારરૂપ ગણાવ્યું હતું.
વીતેલા સપ્તાહે કરવાની વાતો ભલે આ સપ્તાહે રજૂ કરી રહ્યો હોઉં તેમાં તાજગી ટકોરાબંધ છે. લાભપાંચમે તમને લાભ કરાવવાનો ઇરાદો હતો. સપ્તાહનો ભલે વિલંબ થયો, પણ લાભ તો લાભ જ રહેવાનો ખરુંને? હા, વાત આરોગ્યને લગતી છે એટલે જરીક સ્પષ્ટતા કરી દઉં કે સાચવી-વિચારીને અમલ કરજો. કહ્યું કશું અને સમજ્યા કશું... એવું ન થાય તેની તકેદારી રાખવાનું સૌના હિતમાં છે.
દારે-સલામમાં મારા એક વડીલ મિત્ર હતા. મારાથી આશરે દસ-બાર વર્ષ મોટા. બહુ સજ્જન. શરીર એકવડું. કેટલાક તેમના શરીરની ટીકા કરે તો કેટલાક વળી તેમને શરીર ‘જમાવવા’ ટકોર પણ કરે. આ બધી વાત કરતાં પાછા ખાસ કહે - શરીર સારું કરવું હોય તો ભોજનમાં અડદ કે મગની દાળનો પૂરતો ઉપયોગ કરો તો ઓમેય કાઠું બાઝે. વળી, બીજા એક કાઠિયાવાડી લોહાણા મિત્ર વાતમાં ઉમેરણ કરતા કે અમારા કાઠિયાવાડમાં તો ઘરમાં નવીસવી વહુવારુ આવી હોય અને કદકાઠીએ નબળી હોય તો મોટેરાં તેને નિયમિત કોપરું અને ગોળ ખવડાવે, જેથી શરીર બંધાય. વડીલ મિત્રને આ કાયમની ટકટક હૈયે લાગી ગઇ. તેમણે ‘અમલ’ શરૂ કર્યો. તેમણે આ પૌષ્ટિક ભોજનસામગ્રી (અડદ અને મગની દાળ- ઘટ્ટ સૂપ જેવાં)નો એવો મારો ચલાવ્યો કે હોજરીએ બળવો પોકાર્યો. અને મિત્રને ઝાડા થઇ ગયા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે આરોગ્યની બાબતમાં સહુ કોઇની સલાહ સાંભળવી અવશ્ય, પણ તેનો અમલ પોતાના શરીરની તાસીરને ધ્યાનમાં રાખીને કરવામાં જ ડહાપણ છે.
મારા શરીરની જ વાત કરું લ્યોને... મારું શરીરયંત્ર પૂરપાટ ચાલે છે - ઓફિસમાં, બહાર, નાના-મોટા પ્રવાસ વગેરે બધું ગણીને દિવસમાં લગભગ દસેક કલાક તેનો કસ કાઢું છું. આ બધું કર્યા પછી પણ શારીરિક - માનસિક સુખ-સંતોષનો અનુભવ કરું છું. સાચું કહું તો ઊંડો ઊંડો આનંદ પણ થાય છે કે પરમ કૃપાળુ પરમાત્માની કેવી અદભૂત કૃપા છે કે શરીરને સતત સક્રિય રાખે છે. બસ, એક ડાયાબિટીસ છે - તેને મિત્રની જેમ સાચવી જાણું છું. દર છ મહિને જીપી સાથે રૂટિન ચેક-અપ કરાવી લેવાનું. હવે તો જીપી પણ મિત્ર બની ગયા છે. તેમનું નામ છે ડો. જોનાથન્ ટોમ્લીન્સન્. આપણા સમાચાર સાપ્તાહિકમાં અગાઉ તેમના ફોટો પણ છપાઇ ચૂક્યા છે. કર્મયોગ હાઉસમાં યોજાયેલી ડાયાબિટીસ શિબિરમાં પણ તેઓ હાજરી આપી ચૂક્યા છે. આવા જ બીજા એક ડોક્ટર મિત્ર-માર્ગદર્શક છે - ડો. જયેન્દ્ર કોટક (રાજકોટવાળા). તેઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપી ચૂક્યા છે. - ડાયાબિટીસ ભીતિ નિવારણ અભિયાન તે આનું નામ, બાપલ્યા!
થોડાક સપ્તાહ પૂર્વે ડો. ટોમ્લીન્સનને મળ્યો ત્યારે મારી એક ફરિયાદ હતી - આમ જૂઓ તો શરીર બધી રીતે સક્રિય છે, પણ ક્યારેક ક્યારેક થાક અનુભવું છું. ડોક્ટર હંમેશા દર્દીની ફરિયાદ સાંભળીને ગંભીર થઇ જાય, પણ આ તો જોનાથન્ ટોમ્લીન્સન્. મારી ફરિયાદ સાંભળીને હસી પડ્યા. મને આશ્ચર્ય તો થયું, પણ તેમની વાત સાંભળ્યા પછી મનેય લાગ્યું કે તેમની વાતમાં દમ તો છે. તેમની વાતનો સાર કંઇક આવો હતો - સી.બી. મશીનને પણ ક્યારેક આરામ આપવો પડે. બેટરી ચાર્જ કરવી પડે. તમે શરીરરૂપી યંત્રની પૂરતી સારસંભાળ લો છો, ખાણીપીણીનું ધ્યાન રાખો છો, જીવનશૈલી પણ હકારાત્મક છે, તેથી તેની ઉર્જા એકંદરે સારી છે, પરંતુ તેને પૂરતો આરામ પણ આપો. ૩૦ વર્ષે પૂર્વે તમે ૪૭ વર્ષના હતા અને ૪૦ વર્ષ પૂર્વે તમે ૩૭ વર્ષના હતા ત્યારે શરીર જેવું કામ આપતું હતું તેવું જ કામ આજે પણ આપે તેવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. થાકો ત્યારે આરામ કરી લેવો એ જ તમારા દર્દની દવા.
અને વાચક મિત્રો સાચું કહું તો ભાવતું’તું ને વૈદ્યે કીધું જેવી આરામ કરી લેવાની વાત મેં બરાબર ગાંઠે બાંધી લીધી છે. પરંતુ હું આરામ કઇ રીતે કરું છું તે પણ જણાવવાની રજા લઉં.
પલંગ પર ચત્તાપાટ સૂઇ જવાનું. આંખો બંધ. શરીર એકદમ ઢીલુંઢફ છોડી દેવાનું. યોગમાર્ગદર્શક મનિષાબહેન વાળા આને શવાસન તરીકે ઓળખાવે છે, પણ મેં તેમાં ઉમેરણ કર્યું છે. થોડી વાર શવાસન કર્યા બાદ ડાબા પડખે ફરવાનું. આઠ વખત ઊંડા શ્વાસ લેવાના. શ્વાસ એકદમ ધીમે-ધીમે ઊંડા ખેંચીને લેવાના અને ૐ નમઃ શિવાય મંત્રજાપ શ્રદ્ધાપૂર્વક ધીમે ધીમે કરતા રહેવાના. થોડીક ક્ષણો શ્વાસોચ્છ્શ્વાસ રોકી દેવાના. પછી હળવેથી શ્વાસ છોડવાનો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મનમાં મંત્રજાપ સતત ઘૂંટતો રહેવાનો. પછી જમણે પડખે ફરીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું. ફરક માત્ર એટલો કે આ વખતે ૧૬ વખત ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના. આ પછી હળવેથી ચત્તા થવાનું અને શ્વાસોચ્છ્શ્વાસની અગાઉની જ પ્રક્રિયાને અનુસરવાની. આ વખતે ૩૨ વખત શ્વાસ લેવાનો અને છોડવાનો. આ તમામ વખતે મંત્રજાપ સહજ રીતે ચાલુ જ રહે. ૧૦-૧૫ મિનિટમાં આરોગ્ય ટનાટન! (પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું.)
ભારતના પ્રથમ ગુજરાતી વડા પ્રધાન મોરારજીભાઇ દેસાઈ પણ આ પ્રકારે વામકુક્ષી કરતા હોવાનું મેં નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત એક પુસ્તકમાં દિનકર મહેતાના લેખમાં વાંચ્યું હતું. ખેર, મારો તો સિદ્ધાંત છે કે આપણા શરીરને અનુકૂળ આવે તે કરવું - પછી મોરારજીભાઇએ આમ કર્યું છે કે મનિષાબહેને તેમ કહ્યું છે તે વાતે કોઇ ઝાઝી નિસ્બત ન રાખવી. આ એક જાતઅનુભવની વાત છે. શરીરને થાક લાગવા માટે અનેક કારણો જવાબદાર હોય શકે છે. આથી તમારા જોખમે આ પ્રયોગનો અમલ કરવો. શરીરને ચેતનવંતુ રાખવાના આ ઉપાય માટે નથી તમારે કંઇ આપવાનું, અને ના તો મારે કંઇ લેવાનું છે. તમને લાગતું હોય કે આમ કરવાથી ફાયદો થશે તો અમલ કરજો, નહીં તો હરિ હરિ...
આ વીતેલા પખવાડિયામાં સાચે જ અસંખ્ય વાચક મિત્રોએ સવિશેષ ખૂબ પ્રેમ અને ઉષ્મા આપ્યા છે.
૧૬, ૧૭ અને ૧૮ ઓક્ટોબરે લંડનના આંગણે યોજાયેલા રિજનલ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ખૂબ પ્રવૃત્ત રહ્યો. ભારત સરકારના વરિષ્ઠ મહિલા પ્રધાન સુષ્માબહેન સ્વરાજ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને મળીને જૂની યાદો તાજી થઇ. ૧૧ વર્ષ પૂર્વે (૨૦૦૩માં) દિલ્હીમાં યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના ભાગરૂપે વરિષ્ઠ પત્રકાર એમ. જે. અકબર અને મેં સાથે મળીને એક પ્રેસ મીટનું આયોજન કર્યું હતું. તે વેળા સુષ્માબહેન વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ વિભાગના પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા હતા. તે સમયથી તેઓ મને સહેજસાજ જાણે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના આ કે આગામી અંકમાં તમને રિજનલ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો અહેવાલ વાંચવા મળશે.
૧૮ ઓક્ટોબરે, શનિવારે સાંજે શાંતા(બા) ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા એક પ્રેરણાદાયી પ્રીતિભોજન સમારંભમાં હાજરી આપવાનો અવસર સાંપડ્યો. વેમેડ પીએલસીના ભીખુભાઇ અને વિજયભાઇ તેમ જ તેમના બહેન મંજુલાબહેને તેમના માતુશ્રીના નામ સાથે એક ભવ્ય આરોગ્ય કેન્દ્રના નિર્માણનું આયોજન હાથ ધર્યું છે. વિજયભાઇ આ સમારંભમાં સૂચિત આરોગ્ય કેન્દ્ર માટે ચારેક લાખ પાઉન્ડનું જંગી ભંડોળ એકત્ર કરી શક્યા. સખાવતી કાર્યો માટે વિજયભાઇ હંમેશા મોકળા મને સહાય કરતા રહ્યા છે ત્યારે તેઓ હાકલ કરે ને ભંડોળ ન મળે તેવું તો બને જ નહીંને? બન્ને ભાઇઓ ખૂબ ઉદાર છે. ગયા વર્ષે દિવાળીએ શાંતાબાને પગે લાગવા મેનેજિંગ એડિટર કોકિલાબહેન સાથે તેમના નિવાસસ્થાને ગયો હતો. આ વખતે પણ દિવાળીના સપરમા દિવસોમાં તેમનો હાથ મારા માથે ફર્યો તેને મારું સદભાગ્ય સમજું છું.
આ દિવસોમાં વિવિધ રાજકીય પક્ષો અને મોટા ગજાના ઉદ્યોગ ગૃહો દ્વારા યોજાયેલી પાર્ટીઓમાં મ્હાલવાનો પણ મને અવસર સાંપડ્યો. પીવાની આદત નથી, અને ભોજન સપ્રમાણ લઉં છું તેથી અનેક પાર્ટીઓમાં હાજરી આપવા છતાં તંદુરસ્તી ટનાટન છે. ૨૧ ઓક્ટોબર, મંગળવારે બ્રેન્ટના બ્લુ રૂમ રેસ્ટોરાંમાં લિબડેમ પક્ષે મને આમંત્ર્યો હતો. તેમની ઇચ્છા હતી કે પ્રવર્તમાન રાજકીય માહોલ વિશે હું મારા પ્રતિભાવો રજૂ કરું. અને ભાઇ, સલાહ આપવી તો મને બહુ ગમે હોં... તેમની ઇચ્છાને ધ્યાનમાં રાખીને મારી જવાબદારી યથાયોગ્ય રીતે નિભાવી. આ અંગે વિગતવાર અહેવાલ તમને એશિયન વોઇસમાં વાંચવા મળશે.
૨૩ ઓક્ટોબરે, ગુરુવારે દિપોત્સવની સાંજે અનુપમ મિશનમાં હરિદર્શનનો લાભ મળ્યો. પૂ. જશભાઇ સાહેબ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા તેને બોનસ ગણું છું.
૨૪ ઓક્ટોબરે, શુક્રવારે, નૂતન વર્ષના શુભ દિવસે BAPS નિસ્ડન સ્વામીનારાયણ મંદિરમાં આરતી કરવાનો મહામૂલો લાભ મળ્યો. BAPS અને તેના જેવી સફળ સંસ્થાઓએ એરેન્જમેન્ટ અને મેનેજમેન્ટના તાલીમ વર્ગો શરૂ કરવા જોઇએ તેવી જાહેર વિનતી કરું છું.
આ જ દિવસે બપોરે કર્મયોગ હાઉસમાં લોર્ડ મેઘનાદ દેસાઇ પધાર્યા હતા. પાર્લામેન્ટ સ્કવેરમાં સ્થપાનારી ગાંધીજી પ્રતિમા અંગે વિગતવાર ચર્ચાવિચારણા કરી. લોર્ડ દેસાઇ ગાંધીજીની પ્રતિમા સ્થાપવા માટે સરકાર દ્વારા રચાયેલી સમિતિના વડા તરીકે કાર્યભાર સંભાળે છે.
સાંજે હિન્દુજા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી મિલન યોજાયું હતું. સૌથી ધનાઢય ભારતીય તરીકે નામના ધરાવતા હિન્દુજા ભાઇઓ હિન્દુ હોવાનું ગૌરવ અનુભવે છે. ૨૦૦ જેટલા આમંત્રિતો પૂરતા મર્યાદિત આ સમારંભમાં વિધવિધ ક્ષેત્રની ટોચની હસ્તીઓ ઉપસ્થિત હતી. ભોજન સંપૂર્ણ શાકાહારી હોવાથી સાનંદ પ્રભાવિત થયો.
આ દિવસો દરમિયાન આ સિવાય પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનું બન્યું. પરંતુ અહીં એક વાત ખાસ નોંધનીય છે. બ્રિટનના હિન્દુ, જૈન કે શીખ સમુદાયમાં જોવા મળતી ચેતના પ્રભાવશાળી છે. આ લેખમાં કેટલાકનો ઉલ્લેખ કર્યો છે તો કેટલાકનો ઉલ્લેખ નથી કરી શક્યો. પણ પાયાના સ્તરે જે કંઇ કામ થઇ રહ્યું છે તે નોંધનીય છે. નાના-મોટા સહુ કોઇ પોતપોતાની ક્ષમતા-સજ્જતા અનુસાર સેવાકાર્યોમાં અનુદાન આપતા જોવા મળે છે. કારપાર્કની સેવા હોય કે કિચન સેવા હોય, મંદિરની અંદર સેવા હોય કે મંદિરની બહાર, હોલમાં સેવાની વાત હોય કે બહારના ભાગે... હજારો ભાઇઓ-બહેનો શ્રમદાન કરવા ખડેપગે ઉભેલા જોવા મળે છે - અને તે પણ હસતા મોંએ. આ ભાઇઓ-બહેનો આપણા સમાજની શોભા છે. આપણા ભવિષ્યની એક ઊજળી ઓળખ છે. (ક્રમશઃ)