વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડતા પેન્ટાગોનના આ રિપોર્ટને સ્વાભાવિકપણે જ પાકિસ્તાને ફગાવી દીધો છે, પણ ભારતે પેન્ટાગોનના રિપોર્ટને આવકારતાં એવો પ્રતિભાવ આપ્યો છે કે હવે આંતરરાષ્ટ્રીય સમુદાયો પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનની સંડોવણી સ્વીકારતા થયા છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે પેન્ટાગોનના રિપોર્ટથી એ છતું થાય છે કે સમગ્ર દુનિયામાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાની ભૂમિકા રહેલી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ બાબત સ્વીકારી છે તે નોંધનીય છે.
પેન્ટાગોનના રિપોર્ટમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાન અને ભારત પર ડોળો માંડીને બેઠેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેસીને પોતાના બદઇરાદા પાર પાડી રહ્યા છે. આ લોકોનો મુખ્ય ઉદ્દેશ અફઘાનિસ્તાન અને પ્રાદેશિક સ્થિરતાને હચમચાવી નાખવાનો છે. અફઘાનિસ્તાનમાં પોતે ગુમાવેલું વર્ચસ્વ પાછું મેળવવા માટે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનો ઉપયોગ કરી રહ્યું છે એટલું જ નહીં, તે પોતાનાથી વધુ સજ્જ અને કેળવાયેલી ભારતીય સેનાનો સામનો કરવા માટે આ આતંકવાદી જૂથોનો ઉપયોગ કરી રહ્યું છે.
કોંગ્રેસમાં રજૂ કરેલા રિપોર્ટમાં પેન્ટાગોને એવી નોંધ પણ કરી છે કે છેલ્લા છ મહિનામાં અફઘાનિસ્તાનમાં બદલાયેલી પરિસ્થિતિને આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો છે.
મોદીના વિરોધમાં હેરાતમાં હુમલો
પેન્ટાગોનના આ રિપોર્ટમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનના હેરાતમાં ભારતીય કોન્સ્યુલેટ પર થયેલો હુમલાનો સાચો ઉદ્દેશ તો નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકે શપથગ્રહણ સામે વિરોધ દર્શાવવાનો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મે મહિનામાં મોદીના વડા પ્રધાન પદે શપથગ્રહણના ત્રણ દિવસ પૂર્વે જ હેરાત સ્થિત ભારતીય કોન્સ્યુલેટ પર ચાર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે નરેન્દ્ર મોદી હિન્દુ સંગઠનો સાથે નજીકના સંબંધો ધરાવતા હોવાથી આ હુમલાનો સમય ચોક્કસપણે તેમના શપથગ્રહણ સાથે સાંકળી શકાય તેમ છે.
યુએસ સ્ટેટ વિભાગે જૂનમાં જ જાહેર કર્યું હતું કે ભારતીય કોન્સ્યુલેટ પરના હુમલાની પાછળ લશ્કરે તોઈબાનો હાથ હતો. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરઝાઈએ આ આતંકવાદી હુમલાને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢયો હતો અને ભારત સાથેના હકારાત્મક સંબંધોના સમર્થનમાં મજબૂત નિવેદન આપ્યું હતું.
છતાં ભારતે મદદ ચાલુ રાખી
હેરાતમાં ભારતીય કોન્સ્યુલેટ પર આતંકવાદી હુમલા છતાં ભારતે અફઘાનિસ્તાનને મદદ કરવાનું અટકાવી દીધું નહોતું. પેન્ટાગોને યુએસ કોંગ્રેસને સોંપેલા રિપોર્ટમાં કહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાને મદદ કરવાની ચાલુ રાખી હતી. ભારત એમ માની રહ્યું છે કે સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાન સમગ્ર પ્રદેશને લાભકર્તા છે. અફઘાનિસ્તાન થકી આ વિસ્તાર મધ્ય એશિયાનો આર્થિક કોરીડોર બની શકે એમ છે.
રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, ભારત અને અફઘાનિસ્તાને ૨૦૧૧માં વ્યૂહાત્મક ભાગીદારી કરી છે, જેના ભાગરૂપે ભારત આ પ્રદેશમાં શાસન વ્યવસ્થા ઉપરાંત વહીવટી તંત્ર, આર્થિક, વ્યાપાર, શિક્ષણ, જાહેર વહીવટ અને કાયદો-સુરક્ષા સંબંધિત બાબતોના અમલ માટે મદદરૂપ બનશે.