નિક ક્લેગે આનંદ વ્યક્ત કરી કહ્યું હતું કે,‘ગઠબંધન સરકારમાં મારા પક્ષ વતી તમે બાકીના વર્ષમાં જે પણ કરો તે માટે આભાર માનવા ઈચ્છું છું. તમે કોઈ પણ પ્રકાર અને સ્વરુપે સમુદાયમાં અગ્રસ્થાન ધરાવો છો. તમે બધા એક અથવા બીજી રીતે નેતા જ છો.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્વમાં લાખો હિન્દુ, જૈન, શીખ લોકો માટે દિવાળીનું શું મહત્ત્વ છે તે મારે કહેવાની જરૂર નથી. આ પળો આનંદની છે, અંધકાર પર પ્રકાશ અને અશુભ તત્વો પર શુભ તત્વોના વિજય તેમ જ પરિવારોના મિલનની છે. આ પ્રસંગે હું આપ સહુને શુભેચ્છા પાઠવું છું.’
લેબર હાઉસમાં દિવાળી ઊજવાઈ
લેબર પાર્ટીના નેતા એડ મિલિબન્ડે સોમવાર, ૨૦ ઓક્ટોબરે સેન્ટ જેન્સ પાર્કની કોનાર્ડ હોટેલમાં હળવાશપૂર્ણ વાતાવરણમાંદિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હતું. ભારતીય સંગીતના જીવંત વાદન મધ્યે કેમ્બરવેલ એન્ડ પેકહામના સાંસદ હેરિયટ હરમાન, સાંસદ કિથ વાઝ, શેડો જસ્ટિસ સેક્રેટરી સાદિક ખાન જેવા વરિષ્ઠ લેબર રાજકારણીઓએ સંબોધનો કર્યા હતા. લેસ્ટર સિટી કાઉન્સિલના કાઉન્સિલર સંદીપ મેઘાણીએ કહ્યું હતું કે ‘સાથીઓ અને મિત્રોને મળવાની આ સુંદર તક છે.’ હેરો ઈસ્ટ બેઠકના ઉમેદવાર ઊમા કુમારન પણ મિત્રોથી ઘેરાયેલાં હતાં.
સંબોધનોના આરંભ પહેલા અવંતી સ્કૂલના બાળકોએ અશુભ પર શુભના વિજયના પ્રતીકરૂપે મીણબત્તીઓ પ્રગટાવી હતી.