આનુ રહસ્ય એ છે કે તેમણે આલ્કોહોલ અને ચાહ-કોફી પીવાનું તેમ જ બ્રેકફાસ્ટ અને લંચ લેવાનું બંધ કરી દીધું છે. તેઓ દરરોજ ૪૫ મિનિટમાં પાંચ માઈલની દોડ લગાવે છે. મહત્ત્વની બાબત એ છે કે સાંજના ડિનર લેતાં સુધીમાં તેઓ માત્ર ડાયેટ કોક અને સફરજનના આહાર પર જ રહે છે. તેમણે ‘મન હોય તો માળવે જવાય ’ ની કહેવત ચરિતાર્થ કરી છે.
પૂર્વ લોર્ડ ચાન્સેલર લોર્ડ ફોકનર કેબિનેટ પ્રધાન હતા ત્યારે રાજકીય અને શારીરિક દૃષ્ટિએ વજનદાર હતા. તેમનું વજન હદ બહાર જઈ રહ્યું હોવાનું લાગતાં જ તેમણે આકરો નિર્ણય લીધો હતો. તેઓ ડાયાબીટીસ, કોરોનરી હાર્ટ ડિસીઝ અને હાઈ બ્લડ પ્રેશર તરફ ઘસડાઈ રહ્યા હતા. આલ્કોહોલ, બ્રેકફાસ્ટ અને લંચ બંધ કરવા સાથે તેમણે દોડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શરીરની શક્તિ જાળવવા તેઓ સફરજન ખાવા ઉપરાંત દિવસમાં ડાયેટ કોકના નવ કેન્સ ગટગટાવી જાય છે. સાંજે સામાન્ય ડિનર લે છે. ફોકનરના શરીરને જોઈને પૂર્વ સાથીઓ તેમનું આરોગ્ય સારું નથી કે શું તેવી ચિંતા પણ કરે છે. લોર્ડ કેબિનેટમાં હતા ત્યારે રેડ વાઈનનો ગ્લાસ અને રેડ મીટની પ્લેટ તેમનું પ્રતીક બની ગઈ હતી. જોકે, ડાયેટ કોકની આદત પડી હોવાનું તેઓ સ્વીકારે છે.

