આ પગલું ત્રાસવાદીઓના ડરામણા આતંકવાદ સામે વળતા પ્રહાર સમાન ગણાવાય છે. બે પૂર્વ જનરલો ઉમરાવો, સાંસદો, ઈતિહાસકારો અને ધાર્મિક નેતાઓના જૂથનું નેતૃત્વ કરે છે. આ જૂથનું કહેવું છે કે બાળકોને પ્રથમ વિશ્વ યુદ્ધમાં મુસ્લિમ દળોની ભૂમિકાથી માહિતગાર કરવા જોઈએ.
૧૦૦ વર્ષ અગાઉ જર્મની સામેના યુદ્ધમાં ૧.૨ મિલિયનના ભારતીય લશ્કરના સિપાઈ ખુદાદાદ ખાને અપ્રતિમ શૌર્ય દર્શાવ્યું હતું. બ્રિટિશ દળો સાથે ખભા મિલાવીને લડેલા અન્ય ૪૦૦,૦૦૦ મુસ્લિમ સૈનિકોની શૌર્યગાથા વર્તમાન બહુવંશીય બ્રિટનને સમજવા માટે મહત્વપૂર્ણ હોવાનું જનરલોએ ધ ટેલીગ્રાફને લખેલા પત્રમાં જણાવ્યું હતું. આ પત્રમાં મુસ્લિમ એકેડેમિક દિલાવર હુસેન, પૂર્વ લિબરલ ડેમોક્રેટ નેતા લોર્ડ એશ્ડાઉન, મિલિટરી હિસ્ટોરિયન સર હ્યુ સ્ટ્રાશામ, પૂર્વ મિનિસ્ટર બેરોનેસ વારસી અને ઈસ્લામિક સોસાયટી ઓફ બ્રિટનના પ્રમુખ સુઘરા અહેમદ સહિતના મહાનુભાવોએ સહી કરી છે. શુક્રવાર ૩૧ ઓક્ટોબરે કોમ્યુનિટિઝ મિનિસ્ટર લોર્ડ અહેમદ સિપાઈ ખાનના માનમાં નેશનલ મેમોરિયલ આર્બરીટમ ખાતે સ્મારક શિલાનું અનાવરણ કરશે.

