વિદેશમાં ભારતીયોનું કાળું નાણું અને સરકારી વલણ

Saturday 06th December 2014 06:00 EST
 

લોકસભા ચૂંટણી વેળા ગાઇવગાડી આ મુદ્દો ચગાવનાર ભાજપ પોતાની સરકાર રચાયા બાદ કાનૂની જોગવાઈઓને આગળ ધરીને વિદેશમાં બેન્ક ખાતાં ધરાવનારાઓનાં નામ જાહેર કરવામાં વિલંબ કરી રહી હોવાથી લોકોને તેના ઇરાદા વિશે શંકા થવા લાગી હતી. આ તો ભલું થજો ન્યાયતંત્રનું કે તેણે સરકારને વિદેશી બેન્કોમાં ખાતાં ધરાવતાં લોકોનાં નામોની યાદી સોંપવા ફરજ પાડી છે. કોર્ટના આકરા વલણ પછી કેન્દ્ર સરકારે વિદેશમાં બેન્ક ખાતું ધરાવતી ૬૨૭ વ્યક્તિનાં નામ બંધ કવરમાં કોર્ટને સુપ્રત કર્યા છે. આમ અત્યારે તો લાગે છે કે કાળાં નાણાંની તપાસની ગાડી પાટા પર ચડી છે. યાદીમાં સામેલ કેટલાક નામો અખબારોમાં ચમકે છે, પણ યાદીમાં ઘણાં નામ એવાં હોવાની શક્યતા છે જેમના ખાતાં કાયદેસરના હોવાની (એનઆરઆઇ કાયદેસર રીતે વિદેશી બેન્કમાં ખાતું ખોલાવી શકે છે) અથવા તો ખાતાધારક વ્યક્તિ મૃત્યુ પામી હોવાથી તેમની સામે આગળની કાર્યવાહી મુશ્કેલ બને એમ છે. કેટલાક ખાતેદારનાં નામ-સ્વરૂપ અને ઓળખ બદલાઇ ગયાં હોવાનું પણ સંભવ છે, કારણ કે આગલી અને વર્તમાન સરકારે આ પ્રશ્ને એટલું ચોળીને ચીકણું કર્યું છે કે ગુનેગારોને પુરાવાનો નાશ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. અલબત્ત, મૃત્યુ પામનાર કે ઓળખ બદલનાર વ્યક્તિના બેન્કિંગ વ્યવહારો પરથી કાળાં નાણાંનું પગેરું શોધવું મુશ્કેલ તો નથી, પણ આ બહુ લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. બોફર્સ કૌભાંડમાં આવું જ થયું હતું ને? સુપ્રીમ કોર્ટે વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાં સંબંધિત આ કેસની સુનાવણી વેળા એવી નારાજગી વ્યક્ત કરી હતી કે સરકાર આ જિંદગીમાં કાળાં નાણાં સ્વદેશ લાવવાનું કામ કરી શકે એવું લાગતું નથી.
કોર્ટની નારાજગી વાજબી પણ જણાય છે. સરકારે કોર્ટને સોંપેલી યાદીમાં કુલ ૬૨૭ નામો છે અને આ યાદી ફ્રાન્સે આપેલી છે. આ યાદી ત્રણ વર્ષ પૂર્વે - ૨૦૧૧માં યુપીએ સરકારને સોંપાઇ હતી અને તેમાંની વિગતો તો વળી ૨૦૦૬ સુધીની છે. મતલબ કે યાદી મળ્યા બાદ તત્કાલીન મનમોહન સરકારે કંઇ કર્યું નહીં.
વિદેશની બેન્કોમાં ભારતીયોએ કેટલું કાળું ધન જમા કર્યું તેનો સત્તાવાર અંદાજ તો કોઇને નથી, ભારતના વડા પ્રધાનને પણ નહીં! પરંતુ વોશિંગ્ટન સ્થિત ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્ટેગ્રિટીનો અંદાજ સાચો માનીએ તો ૧૯૪૮થી ૨૦૦૮ દરમિયાન ભારતીયોએ વિદેશની બેન્કોમાં ૪૬.૨૦ કરોડ ડોલર (આશરે ૨૮,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ રૂપિયા) જમા કરાવ્યા છે. ભારતના અગ્રણી વેપાર-ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઇંડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (‘ફિક્કી’)ના મતે ભારતીયો દ્વારા વિદેશી બેન્કોમાં જમા રકમનો આંકડો ૪૫ લાખ કરોડ રૂપિયા છે. અંદાજ તો એવો પણ મૂકાય છે કે, એંશીના દસકમાં વર્ષે ૩૧થી ૩૬ કરોડ રૂપિયાનું કાળા નાણાંનું સર્જન થતું હતું, જેની સામે આજે ભારતમાં વર્ષેદહાડે ૧૦ લાખ કરોડ રૂપિયાના અધધધ કાળા નાણાંનું સર્જન થાય છે. ક્યો આંકડો કેટલો સાચો, કેટલો વિશ્વસનીય અને તેને નક્કી કરવા ક્યા માપદંડ અપનાવાયા છે એ તો આ આંકડાઓ જાહેર કરનારા જાણે, પણ અત્યારે તો આમ ભારતીય સુપ્રીમ કોર્ટના વલણ ભણી આશાભરી મીટ માંડીને બેઠો છે. પછી ભલેને આઠ વર્ષ જૂની યાદીના આધારે કાર્યવાહીની વાત હોય.
વિદેશમાં જમા કાળાં નાણાંના મામલે જે ઉગ્ર અને લાગણીશીલ ચર્ચા સાંભળવા મળે છે એવું ભાગ્યે જ બીજા કોઇ મુદ્દે જોવા-સાંભળવા મળ્યું છે. અલબત દસકાઓ પછી પણ આ મુદ્દો વાદવિવાદથી આગળ વધ્યો નથી તેને દુર્ભાગ્યપૂર્ણ જ ગણવું રહ્યું.


    comments powered by Disqus